જમીન રીસર્વેઃ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય
રાજ્યના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતા મહેસૂલ મંત્રીએ કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે.
Trending Photos
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં રાજ્યમાં જમીન રીસર્વેની વાંધા અરજીઓ માટેની મુદ્દત એક વર્ષ વધારીને એટલે કે ડિસેમ્બર ૨૦૨૨ સુધી લંબાવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે તેમ મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતુ.
રાજ્યના એક પણ ખેડૂતને જમીન રીસર્વેમાં અન્યાય થશે નહીં, તમામને સંતોષ થાય ત્યાં સુધી કામગીરી ચાલુ રહેશે તેમ જણાવતા મહેસૂલ મંત્રીએ કહ્યું હતુ કે, નેશનલ લેન્ડ રેકોર્ડ મોર્ડનાઈઝેશન પ્રોગ્રામ-NLRMP હેઠળ સમગ્ર દેશમાં રાજ્યની ખેતીની જમીનની ફિલ્ડમાં જઈ માપણી કરી DGPS-ETS જેવી આધુનિક પદ્ધતિ-સાધનોનો ઉપયોગ કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય છે. ગુજરાતમાં રીસર્વેના પ્રમોલગેશન બાદ પણ ખેડૂત ખાતેદારને વિનામૂલ્યે વાંધા નિકાલની સાદી અરજી કરવાની તક વર્ષ ૨૦૧૬થી આપવામાં આવી છે તેની મુદ્દત હાલમાં પણ ચાલુ છે જે સતત ચાલતી પ્રક્રિયા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.
તેમણે કહ્યું હતુ કે, મહેસૂલ વિભાગ દ્વારા રીસર્વેમાં ખાસ ઝુંબેશ તરીકે રાજ્યમાં ૪૦ હજારના લક્ષ્યાંક સામે ૩૮ હજાર અરજીઓનો નિકાલ અને ૬૪ હજારથી વધુ સર્વે નંબરની માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે આગામી સમયમાં વધુ ૪૦ હજાર અરજીઓનો ઝુંબેશના ભાગરૂપે નિકાલ કરવાનો લક્ષ્યાંક મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયો છે. ઝુંબેશના ભાગરૂપે ૧૦૦થી વધુ અરજીઓવાળા ગામોના કલસ્ટર બનાવીને ૬૮ ગામોની ૧૧,૮૮૪ અરજીઓની માપણી કામગીરી પૂર્ણ કરાઈ છે.
મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતુ કે, રાજ્યમાં રીસર્વેની આ કામગીરીમાં અંદાજે ૯૫ લાખ સર્વે નંબરોની સામે અત્યારસુધી મળેલી ૫.૨૮ લાખ એટલે કે માત્ર ૫ ટકા વાંધા અરજીઓમાંથી ૪.૧૩ લાખ અરજીઓની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતુ કે, રીસર્વેના વાંધા નિકાલની ઝુંબેશના ભાગરૂપે વધુ અરજી ધરાવતા બનાસકાંઠા, મહેસાણા, દેવભૂમિદ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, નવસારી અને જૂનાગઢ એમ કુલ ૧૦ જિલ્લાઓમાં મેનપાવર અને મશીનરી ઉપલબ્ધ કરાવવા ૯૬ સર્વેયરો, ૧૨ DGPS અને ૮૪ ETS મશીનો કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી વધુ ૧૫ DGPS અને ૧૪ ETSની ફાળવણી કરવામાં આવી છે.
મંત્રીએ માપણી સંદર્ભે તકનીકી માહિતી આપતા ઉમેર્યું કે, રાજ્યમાં જિલ્લા કક્ષાએ એક પથ્થર કે જેનુ DGPS મશીનથી ૭૨ કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ રેખાંશ નક્કી કરેલ છે. આવા ૨૭ પથ્થરો (ICONIK/ AREA OF INTEREST STONE) ઉભા કરવામાં આવ્યા છે. દરેક તાલુકા કક્ષાએ DGPS મશીનથી ૧૨ કલાક સુધી ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરાયા છે. આવા ૧૩૧ પથ્થરો (REGIONAL STONE) ઉભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી રાજ્ય છે, પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
સમગ્ર રાજ્યની માપણી હાથ ધરવા માટે માપણીની ચોકસાઇ વધારવા રાજ્યમાં ૧૬ કિ.મી. X ૧૬ કિ.મી.નાં અંતરે પથ્થરો નાખીને ૭૪૭ પથ્થરો (PRIMARY CONTROL POINT) ઉપર ૮ કલાક ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યમાં ૪ કિ.મી. X ૪ કિ.મી.ના અંતરે પથ્થરો નાખીને ૮,૯૨૮ પથ્થરો (SECONDARAY CONTROL POINTS) ઉપર ૪ કલાક ઓબ્ઝર્વેશન લઇને પૃથ્વીના અક્ષાંશ-રેખાંશ નક્કી કરવામાં આવ્યા છે તેમ મંત્રીએ ઉમેર્યું હતુ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે