વલસાડમાં ભૂમાફિયાઓ વિરુદ્ધની ફરિયાદની અમલવારી શરૂ

વલસાડમાં ભૂમાફિયાઓ વિરુદ્ધની ફરિયાદની અમલવારી શરૂ

* ભૂમાફિયાઓ વિરુદ્ધ જનતાનો મિજાજ
* જિલ્લા કલેક્ટરને મળવા લાગી અરજી 
* કલેક્ટરની ભૂમાફિયાઓને ચેતવણી 

સુરત :  સરકારી અથવા કોઈની માલિકીની જમીન પર કબ્જો કરવો માથાભારે શખ્સોને હવે પડી શકે છે ભારે. ભૂમાફિયાઓ પર ગુજરાત સરકારે લાલ આંખ કર્યા બાદ હવે ગેરકાયદે રીતે જમીનો પર કબ્જો કરતા લોકો સામે શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રને કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવતા હવે ધીમે ધીમે ત્રાહિત લોકો અરજી પણ આપતા થયા છે. 

ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર પણ કડક કાર્યવાહી કરતુ થયુ છે. વલસાડમાં ગુજરાત સરકારે કાયદો અમલમાં મૂક્યા બાદ અત્યાર સુધી 100 જેટલી અરજીઓ જિલ્લા કલેક્ટરને મળી છે. અને આથી જ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બનેલી કમિટીએ તમામ અરજીઓની તપાસ કરી છે. સાથે જ 5 કેસમાં કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. વલસાડમાં જમીન માફિયાઓની શાન ઠેકાણે લાવવા હાઈ લેવલની બેઠકમાં તમામ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કલેક્ટરને મળેલી 100 એરજીઓમાં એક પછી એક કાર્યવાહી બાદ 15 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાત્કાલિક 13 ભૂમાફિયાઓની ધરપકડ પણ કરી દેવામાં આવી છે. 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જમીન માફિયાઓથી ત્રાસેલા લોકોનો સંપર્ક કરી તેમની તમામ ફરિયાદનો નિકાલ લાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓને પણ આ કાર્યવાહી ઝડપી બનાવવા આદેશ કરાયા છે. આમ જોવા જઈએ તો જે રીતે જિલ્લા વહીવટી તંત્રએ જે રીતે અરજીનો ઝડપી નિકાલ શરૂ કર્યો છે તે જોતા આગામી દિવસમાં ભૂમાફિયાઓની શાન ઠેકાણે આવી જશે તે કહેવામાં કઈ જ ખોટુ નથી. 

લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ માત્ર સરકારી કે ખાનગી જમીનો પર હક્ક જતાવવા કે પચાવી પાડવા જ નહીં પણ ધાર્મિક સંસ્થા અથવા ખાનગી જમીના કાયદેસરના ભાડુઆતો ન હોય અને ભોગવટો ચાલુ રાખે તેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો માટે પણ લાગુ પડે છે. આ જોગવાઈ હેઠળ જો કોઈ ગુનેગાર જણાય તો તેના માટે ઓછામાં ઓછી 10 વર્ષ અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની કેદની જોગવાઈ છે. ભૂમાફિયા સામે કાર્યવાહી માટે 21 દિવસમાં પ્રાથમિક તપાસ કરાશે. બાદમાં 7 દિવસમાં ગુનો બને તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે આ માટે ખાસ કોર્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગમાં મની લોન્ડરિંગ, વ્યાજખોરને પણ સમાવવામાં આવી છે. આમ લોકોની જગ્યા પચાવી તેમને હેરાનગતિ કરનારા લોકો વિરુદ્ધ જનતાને આગળ આવી ફરિયાદ કરવા અપીલ પણ કરાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news