ઘરની શોભામાં ચાર ચાંદ લગાવતા કચ્છના છાણના તોરણ, દિવાળીએ ડિમાન્ડ વધી

Diwali 2022 : કચ્છમાં બનેલા ગાયના ગોબરના તોરણ અને દીવાના ગુજરાત તેમજ દેશના ખૂણે ખૂણેથી ઓર્ડર રહ્યા છે

ઘરની શોભામાં ચાર ચાંદ લગાવતા કચ્છના છાણના તોરણ, દિવાળીએ ડિમાન્ડ વધી

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :દિવાળી આવે એટલે ઘરોઘર સાફસફાઈ શરૂ થાય અને ઘરને શણગારવા નવી નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. હિન્દુ ધર્મની પરંપરા મુજબ ઘરના દરવાજા પર તોરણ બાંધવાની એક જૂની પરંપરા છે અને દિવાળીમાં જ અનેક પરિવારો પોતાના ઘર પર નવા તોરણ બાંધે છે. ત્યારે કચ્છની એક સંસ્થા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગોબરમાંથી બનાવાયેલા તોરણ હાલ ટ્રેન્ડમાં છે. ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો કચ્છમાં બનેલા ગોબરના તોરણ, લટકણિયાં, વોલ પીસ, દીવા વગેરે ખરીદી રહ્યા છે. ઘર શણગાર ઉપરાંત દિવાળી માટે ખાસ ગોબરના દીવા પણ સંસ્થા ખાતે કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. દિવાળી સમયે અંદાજે એક લાખ જેટલા દીવા અહીં કારીગરો તૈયાર કરે છે. મોટા શહેરોમાંના વેપારીઓ હજારો દીવડાનું ઓર્ડર આપે છે. દિવાળીમાં ફટાકડાથી ફેલાતા ધુમાડા સામે ગોબારના દીવડા વાતાવરણમાં શુદ્ધતા ફેલાવે છે તેવું સંસ્થાનું માનવું છે.

તહેવારોના રાજા એવા પ્રકાશ પર્વ દીપોત્સવનો માહોલ ચારે તરફ જામ્યો છે. ધાર્મિક રીતે પણ આ તહેવારનું મહત્ત્વ ઘણું છે. ઘરોઘર શણગાર, રોશની, ફટાકડાની ધૂમ, પૂજા-અર્ચના સાથે આ પર્વની ઉજવણી આજે પણ નાનામાં નાનો માણસ કરે છે. તો ઘરમાં દીવાથી માંડીને રંગોળી, તોરણ, રોશની વડે ઘરને સજાવે છે, ત્યારે કચ્છમાં ગોબરમાંથી બનેલા દીવાઓ, વોલપીસ, તોરણ વગેરે પ્રચલિત બન્યાં છે.

દિવાળીના તહેવારમાં ઘરની સજાવટ માટે પગલાં, તોરણ, ફેન્સી દીવડાઓ, રંગોળી, ફૂલો, રોશની વગેરે વસ્તુઓ બજારમાં ધૂમ વેચાય છે. અનેક નવી વસ્તુના આગમનથી દિવાળીની રોનકમાં ચાર ચાંદ લાગી જાય છે. ત્યારે ભૂજ તાલુકાના કુકમા ગામ ખાતે આવેલા રામ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ગાયના ગોબરમાંથી બનાવેલ સુશોભનની ચીજવસ્તુઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે અને ખૂબ ટ્રેન્ડમાં પણ છે. 

ભારતીય સંસ્કૃતિમાં ગાયનું અનેરું મહત્વ છે. ગાયને માતા ગણી પૂજન કરવામાં આવે છે. તેમજ ગૌમૂત્ર, દૂધ, ગાયનું ગોબર વગેરેનું પણ આગવું મહત્વ રહેલું છે. શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના 10 થી 12 કારીગરો દ્વારા ગાયના ગોબરમાંથી સુશોભનની ચીજવસ્તુઓ જેવી કે તોરણીયા, લટકણિયાં, ઘડિયાળ, વોલપીસ, દીવડાઓ વગેરે બનાવવામાં આવે છે.

શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગોબર ક્રાફ્ટ એટલે ગોબરમાંથી બનતી વસ્તુઓ સુશોભનની વસ્તુઓ છે. તેમજ ઘરેલુ ઉપયોગની વસ્તુઓ અહીં કારીગરો બનાવે છે. તો જ્યારે દીપાવલી આવે છે ત્યારે લોકો હવે નવું કંઈક વિચારતા હોય છે. જ્યારથી ચાઈનીઝ વસ્તુઓનું આકર્ષણ હવે ઓછું થયું છે, ત્યારથી બજારમાં ભારતીય પેદાશો પાસે પણ વિશેષ અપેક્ષા હોય છે. તો તેને ધ્યાનમાં રાખીને અમે ગોબરમાંથી દિવાળીના સમયે સુશોભન માટે કેટલીક વસ્તુઓનું નિર્માણ કરીએ છીએ. જેનામાં વોલપીસ, દીવડા, તોરણ બનાવાય છે. 

દિવાળી નિમિત્તે ખાસ કરીને દીવડાનો ઉપયોગ થાય છે, પછી તોરણ વપરાય છે, વોલપીસ આવે છે. એવી ગોબરની ઘરની અંદર રાખી શકાય એવી વસ્તુઓની ડિમાન્ડ છે. તોરણની ડિમાન્ડ વધી છે.લોકો સુશોભનમાં કંઈક નવુ કરવા ઈચ્છે છે. તેમાં ગોબરની પ્રોડક્ટને સ્થાન મળ્યું છે. તોરણ તો એક પરંપરા છે ત્યારે એવા સમયે અહીં સરસ મજાનું સુશોભન થાય એવું ગોબરમાંથી તોરણ બનાવવામાં આવ્યું છે

ગુજરાત તેમજ દેશના ખૂણે ખૂણેથી ગોબરમાંથી બનેલા દિવાના આવી ઓર્ડર રહ્યા છે. રામ કૃષ્ણ ટ્રસ્ટ સાથે સંકળાયેલા શૈલેન્દ્રસિંહ જણાવ્યું હતું કે, છેલ્લા 7વર્ષથી ગાયના ગોબરમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવી રહ્યું છે. હસ્તકલા કારીગરો દ્વારા દિવાળી સમયે ગોબરમાંથી અવનવી વસ્તુઓ બનવવામાં આવી રહી છે, જે ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. કચ્છની હસ્તકલા દેશ-વિદેશમાં ખુબ પ્રચલિત છે. સાથે સાથે ગોબર ક્રાફટ કલાએ પણ પ્રવાસીઓ વચ્ચે આગવું આકર્ષણ બનાવ્યું છે. અહીં બનતા દિવાના મોટા મોટા ઓર્ડર લોકો ગુજરાતના સુરત, વડોદરા, અમદાવાદ જેવા મહાનગરો તેમજ દેશના હૈદરાબાદ,મુંબઈ, બેંગલોર જેવા સ્થળોએથી પણ કરી રહ્યા છે. આ સંસ્થાનો હેતુ છે કે ગાયને સમાજ સમક્ષ એની સાચી છબી બતાવવી, ગાય શા માટે લક્ષ્મી કહેવાય, ગાય શા માટે માટે કહેવાય તે હેતુથી આ પ્રયોગ કર્યો છે એને બહુ સફળ રહ્યો છે અને લોકો એને ધીમે ધીમે સ્વીકારી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news