જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતું? જુઓ VIDEO

ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. 

જયંતિ ભાનુશાળી હત્યા મામલે મોટો ઘટસ્ફોટ, મોતની 10 મિનિટ પહેલા શું થયું હતું? જુઓ VIDEO

ઉદય રંજન, અમદાવાદ: ભાજપના દિગ્ગજ નેતા તરીકે જેમની ગણતરી થતી હતી અને કચ્છના રાજકારણના ખેરખા ગણાતા જયંત ભાનુશાળીની હત્યાથી ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચી ગઈ છે. કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીની સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જયંતિભાઈની હત્યાની 10 મિનિટ પહેલા શું થયું હતું તે અંગેની જાણકારી બહાર આવી છે. 

મળતી માહિતી મુજબ હત્યારાઓએ બરાબર મધરાત્રીનો સમય પસંદ કર્યો હતો. પહેલા તેમણે કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જયંતી ભાનુશાળીએ પોતે આ દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ હત્યારાઓ અંદર પ્રવેશી ગયા હતાં. હત્યારાઓ અને તેમની વચ્ચે શાબ્દીક બોલાચાલી પણ થઈ હતી. કહેવાય છે કે આ વાતચીત સાથેના મુસાફર  પવન મોરેએ સાંભળી હતી. તેને લાગ્યું કે કોઈ ઝગડો થઈ રહ્યો છે આથી તેણે ચાદર ઓઢીને સુવાનું નાટક કર્યું અને ઝગડો સાંભળ્યા રાખ્યો. આ આખી ઘટના કદાચ સાતથી દસ મિનિટ સુધી ચાલી હોય. 

આ દરમિયાન હત્યારાઓ એવું બોલી રહ્યાં હતાં કે ઠોક દો.. ઠોક દો...કહે છે કે આ વાત પણ પવન મોરેએ સાંભળી હતી. સાંભળવા છતાં તેણે ચાદર ઓઢી રાખી હતી. થોડી વારમાં શાંતિ થઈ ત્યારે પવન મોરેએ પોતાની ચાદર હટાવી તો જયંતિ ભાનુશાળી લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યાં હતાં એમ પવન મોરેએ જણાવ્યું. ત્યારબાદ તેણે ટીસીને જાણ કરી અને ટીસીએ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. આમ સમગ્ર ઘટના સામે આવી. 

એવું પણ જાણવા મળી રહ્યું છે કે તે સમયે જે મુસાફર હાજર હતો તે પવન મોરે આ સમગ્ર પોલીસ પૂછપરછ અને ઘટનાથી ડરી ગયો છે. પૂછપરછમાં તે નિવેદનો ફેરવી  પણ રહ્યો છે. પવન મોરેની ગત મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. 

અત્રે જણાવવાનું કે જયંતિ ભાનુશાળીની હત્યા મામલે ભાજપના જ બીજા નેતા છબીલ પટેલ પર આરોપ લાગ્યો છે. છબીલ પટેલ સાથેના વિવાદ અને ત્યારપછી સેક્સકાંડના મામલે થોડા સમય પહેલા જ જયંતિ ભાનુશાળી ખુબ વિવાદમાં હતાં. ભાનુશાળી સોમવારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં સવાર હતાં અને ભૂજથી અમદાવાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે કેટલાક અજાણ્ય શખ્સોએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક  ગોળી આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news