જામનગરમાં ખીજડા મંદિર ખાતે ત્રિદિવસીય ગુરુપૂર્ણિમા મહોત્સવનો આજથી પ્રારંભ
શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ આ સેવા પ્રકલ્પોનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.
Trending Photos
મુસ્તાક દલ, જામનગર: શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા જગતગુરુ આચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આજરોજ આ સેવા પ્રકલ્પોનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કલેકટર સૌરભ પારધી, મનપા કમિશનર વિજય ખરાડી, વસ્તાભાઇ કેશવાલા જેવા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા લોકસેવાના કાર્યોનું ઉદઘાટન કરાયું હતું.
જામનગરમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા આ ત્રિદિવસીય કાર્યક્રમમાં આજરોજ ગુજરાતના પ્રસિદ્ધ આલયમ સેન્ટર દ્વારા લોકોને સાંધાના દુ:ખાવા, સાઈટીકા, ફ્રોઝન સોલ્ડર વગેરે વિષય પર હેલ્થ કેમ્પ દ્વારા જાણકારી આપવામાં આવશે. આવતીકાલ તા. 24 જુલાઈના રોજ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક પર્વ ગુરુપુર્ણિમાનો વિશેષ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુરુ વંદના અને ગુરુપૂજન કરવામાં આવશે. તદુપરાંત 25 જુલાઈ રવિવારના રોજ એસ્ટ્રોલોજી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આમ ત્રિદિવસીય વિવિધ સેવાકીય કાર્યો દ્વારા આ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જામનગર હંમેશ ગૌરવ લઇ શકે અને છોટી કાશીના નામને સાર્થક કરી શકે તે આ દિવ્ય સંતોના આશીર્વાદથી જ શક્ય બન્યું છે. પ્રણામી સંપ્રદાય અને આચાર્યશ્રી દ્વારા સમાજના સાચા ગુરૂની ભુમિકા ભજવી ધર્મ સાથે સમાજના આરોગ્યના હિતચિંતનનું કાર્ય સતત કરવામાં આવ્યું છે. મનુષ્ય જન્મ એ દરેક જીવના જતન માટેનો જન્મ છે તેને સિદ્ધ કરીને સમાજના જન જનના આરોગ્યની ચિંતા કરી આવા સેવાકીય પ્રકલ્પોનું જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે તે કોરોનાના સમયમાં સાચી ઉજવણી છે. આ સાથે જ મંત્રીએ સમગ્ર દેશ કોરોના મુક્ત થાય તે માટે પ્રાર્થના કરી હતી.
ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણીના ઉદ્ઘાટન પ્રસંગે જામનગરના મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી સેવાના કાર્યક્રમો થકી સમાજનું કલ્યાણ થાય છે. ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે યોજવામાં આવનાર આરોગ્ય કેમ્પની સુવિધાઓ થકી લોકજાગૃતિ વધશે તેમજ લોકો કેમ્પનો લાભ લઇ અનેક રોગોથી બચી શકશે. સરકાર દ્વારા આ રવિવાર તા.25 જુલાઈના રોજ ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે તેનો દરેક નાના-મોટા વ્યાપારીઓ લાભ લઇ કોરોના સામેની લડતમાં સહયોગ આપે તેવી ખાસ અપીલ કરાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે