જો તમે વેપારી છો ને દરોડા પડે તો સાવધાન! નકલી પોલીસ અને ગ્રાહક સુરક્ષા અધિકારીઓની ભરમાર
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ :: આજના ઝડપી યુગમાં નકલીનો દોર શરૂ થયો છે. ગ્રાહક સુરક્ષાના સ્વાંગમાં આવીને કપડાના વેપારીઓ જોડે ખરીદીના બિલ માંગી દમ મારીને રૂપિયા પડાવી લેવાનો કિસ્સો શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં વસ્ત્રાપુર પોલીસે આ ટોળકીના 02 સભ્યોની હાલ ધરપકડ કરી લીધી છે. અન્ય ફરાર ચાર આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.
વસ્ત્રાપુર પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ બે શખ્શો જેના નામ છે ધ્રુવરાજસિંહ જાડેજા અને શ્યામરાજસિંહ જાડેજા અને તેમની ટોળકીના અન્ય ચાર સભ્યો દ્વારા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ત્રણેક ગારમેન્ટની દુકાનમાં ગ્રાહક સુરક્ષામાંથી આવીએ છીએ તમારી ખરીદીના બિલ બતાડો તેમ કહી વેપારીને દમ મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કાપડની દુકાનમાં તોડ કરવાની વૃત્તિથી આ ટોળકી આવી હોવાનું હાલ તો ચર્ચાઈ રહ્યું છે.
ગ્રાહક સુરક્ષાના નામે વેપારીઓ સાથે ઠગાઈ આચરવાનું કાવતરું છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે. જેના પગલે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક કપડાના શો રૂમમાં ગ્રાહક સુરક્ષાના નામે 06 શખ્શો ઘુસી આવ્યા હતા. વેપારીએ ખરીદેલા કપડાના ઓરિજિનલ બિલ વેપારી પાસે માંગ્યા હતા. વેપારીને શંકા જતા વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પોલીસ આવતાની સાથે જ ડુપ્લીકેટ ગ્રાહક સુરક્ષાના કર્મીઓ નાસી છુટ્યા હતા. માત્ર 02 આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગ્રાહકોના ફાયદા અને નુકશાનની ચિંતા ગ્રાહક સુરક્ષા કરતું હોય છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો ગ્રાહક સુરક્ષાની ખોટી ઓળખાણ આપીને વેપારીઓ પાસેથી રૂપિયા પડાવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે ત્યારે આવા લેભાગુ તત્વો સામે કાયદાકીય કડક પગલાં ભરાઈ શકે તો જ આવા કિસ્સાઓમાં ઘટાડો થઇ શકવાની શક્યતા રહેલી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે