રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ? એક ક્લિકમાં જાણો હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાતમાં અત્યાર સુધી સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યમાં સારા વરસાદને કારણે ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 65 જળાશયો 100 ટકાથી વધુ અને 100 જળાશયો 90 ટકાથી વધુ ભરાયા છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. 

રાજ્યમાં આગામી પાંચ દિવસ કેવો રહેશે વરસાદ? એક ક્લિકમાં જાણો હવામાન વિભાગની નવી આગાહી

અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી ખુબ સારો વરસાદ પડ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેશે તે અંગે હવામાન વિભાગે મહત્વની માહિતી આપી છે. રાજ્યના હવામાન વિભાગે કહ્યું કે હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. 

આગામી પાંચ દિવસની આગાહી
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે, રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમણે કહ્યું કે, રાજ્યમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં સામાન્ય વરસાદ રહી શકે છે. હવામાન વિભાગે માછીમારોને પણ પાંચ દિવસ માછીમારી ન કરવાની સૂચના આપી છે. 

ક્યાં સુધી રાજ્યમાં રહેશે વરસાદની સીઝન?
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ થયો છે. ચોમાસા અંગે હવામાન વિભાગે કહ્યું કે, રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી ચોમાસુ રહેવાનું છે. તેમણે કહ્યું કે જો રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ બનશે તો ભારે વરસાદ થઈ શકે છે. બાકી સમગ્ર રાજ્યમાં છુટાછવાયા વરસાદની સંભાવના છે. 

રાજ્યના 92 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯.૮૩ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૩૫.૮૦ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૯.૪૬ ટકા ઉત્તર ગુજરાતમાં ૬૬.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૦.૫૦ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૩.૪૭ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૭૨.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૫૧,૧૮૪ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૭૫.૧૯ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૧.૧૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૮.૯૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૨.૩૭ ટકા, કચ્છ ઝોનના ૨૦ જળાશયોમાં ૬૬.૨૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૮૩.૭૦ ટકા જળસંગ્રહ થયો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૬૫ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો મળી કુલ ૯૨ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૭ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૯ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news