Gujarat Election 2022: કોંગ્રેસનું કામ બોલે છે, મોટા બોર્ડ માર્યા છે, અરે ભઈ 90થી સત્તામાં નથી તો કામ શું કર્યું?: અમિત શાહ

Gujarat Election 2022: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ખંભાત ગુજરાતના સૌથી જૂના શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની સમૃદ્ધિ માટે ખંભાતના બંદરો હતા. ગુજરાતી વેપારીઓએ વિશ્વમાં વેપારને પહોંચાડ્યો હતો.

Gujarat Election 2022: કોંગ્રેસનું કામ બોલે છે, મોટા બોર્ડ માર્યા છે, અરે ભઈ 90થી સત્તામાં નથી તો કામ શું કર્યું?: અમિત શાહ

Gujarat Election 2022, અતુલ તિવારી/અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીમાં સભાઓ ગજવવા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો ગુજરાતના અલગ અલગ વિસ્તારો ખૂંદી રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આણંદ જિલ્લાના ખંભાતમાં સભા કરી છે. ખંભાતમાં આવેલા ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ગૃહમંત્રી અમિત શાહ સભા સંબોધી રહ્યા છે. 

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ખંભાત ગુજરાતના સૌથી જૂના શહેર તરીકે જાણીતું છે. ગુજરાતની સમૃદ્ધિ માટે ખંભાતના બંદરો હતા. ગુજરાતી વેપારીઓએ વિશ્વમાં વેપારને પહોંચાડ્યો હતો. ત્યારે ભાજપનો સવાલ છે ત્યાં સુધી ભાજપ પર ખંભાતનું મોટું ઋણ છે. નગરપાલિકા હોય, ખત્રી, શિરીષ, સંજય કે મહેશભાઈને જીતાડવાનાં હોય ક્યારેય ખંભાતે કંજૂસી કરી નથી. આણંદ જીતવાની હોય એટલે વાત ખંભાતની નીકળે એટલે ચહેરા પર હાસ્ય હોય. ભાજપે ગુજરાતમાં 1995 થી 2022 સુધી ખૂબ મોટું પરિવર્તન કર્યું છે.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, હરિસિદ્ધિ માતાની ભૂમિએ હમેશા ભાજપને ટેકો આપ્યો છે. 22માં કોંગ્રેસીયા ચૂંટણી આવી એટલે નવા કપડાં પહેરીને તૈયાર છે. રાજ્યમાં મોટા બોર્ડ માર્યા છે, કોંગ્રેસનું કામ બોલે છે, અરે ભઈ 90થી સત્તામાં નથી, કામ શું કર્યું, કેવી રીતે કર્યું? રોડ, રસ્તા, બંદર, વીજળી, મહિલાઓની યોજના તમે નહીં પણ ભાજપે કર્યું છે. ભાજપે રાજ્યથી શરૂઆત કરી પરિવર્તનનો માહોલ ઉભો કર્યો. ખબર નહીં શું તાવ આવ્યો છે, કોંગ્રેસ સરદાર પટેલનું નામ લે છે. હું તો જન્મ્યો ત્યાંથી સરદારનું નામ આ લોકો લેતા બિતા. પટેલના અગ્નિ સંસ્કાર સન્માન સાથે ના થાય, સ્મારક ના બને, ભારત રત્ન ના મળે એ બધું કામ કોંગ્રેસે કર્યું. પરંતુ નરેન્દ્ર ભાઈએ દુનિયાનું સૌથી મોટું પૂતળું બનાવી શ્રધ્ધાંજલિ આપી. કોંગ્રેસીયા સરદાર સાહેબનું નામ વટાવે છે. નહેરુ, સોનિયાએ સરદારનું નામ ના થાય એવું સતત કામ કર્યું છે.

અમિત શાહે જણાવ્યું કે, કોંગ્રેસને કહું છું, અહીંથી કોંગ્રેસથી કોણ ઉભુ છે. કોંગ્રેસના ઉમેદવાર ચિરાગભાઈ, તમારી ફોટો સરદારને ફુલ ચઢાવતો ફોટો હોય તો આપો. જો આ જાય તો ટીકીટ કપાઈ જાય. કાશ્મીર આપણું છે કે નહીં, નહેરુની ભૂલને કોંગ્રેસે વ્હાલ કરી, 370 કલમ નહોતા હટાવતા, પેલી વોટ બેંક નારાજ થાય. તમને ખબર છે ને કઈ વોટબેંક, ખંભાતને તો ખબર જ હોય. મોદીજી બીજીવાર પીએમ બન્યા અને 370 કલમ એક જાટકે ઉખાડી ફેંકી દીધી. હું બિલ લઈને ઊભો થયો ત્યારે, સપા, બસપા, મમતા, કોંગ્રેસીયા બધા બૂમો પાડવા લાગ્યા. લોહીની નદીઓ વહેશે કહેતા હતા, પણ આજે કોઈની તાકાત કાકરી મારવાની પણ નથી થઈ. આપણું કાશ્મીર ભારતનો મુગટ બની વિશ્વ સામે છે. આ કામ ભાજપ અને ભાજપના નેતાઓ મોદીજી જ કરી શકે.

અમિત શાહે જણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર હોવું જોઈએ કે નહીં? જ્યાં રામલલ્લાનો જન્મ હોય ત્યાં જ મંદિર બને એવી બધાની ઈચ્છા હતી. પણ આ કોંગ્રેસીયા રોડા જ નાંખે, પેલી વોટબેંકની બીક હતી. ભાજપ આવી અને નરેન્દ્રભાઈએ શિલાન્યાસ કરી કામ પૂરું કર્યું. 2019માં રાહુલ બાબા ટોંટ મારતાં પણ જાન્યુઆરી 2024ની ટીકીટ લઇ લો, ભવ્ય રામમંદિર હશે. કાશી વિશ્વનાથ કોરિડોર, ઓરંગઝેબે તોડ્યું પછી ક્યારેય રિપેર ના કરાવ્યું. આજે બાબા વિશ્વનાથના દર્શન કરો પેઢીઓ તરી જશે. પાવાગઢમાં પણ અમે કરી બતાવ્યું. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. 

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ કોંગ્રેસ હતી, સોનિયા અને મનમોહન.. પાકિસ્તાનથી રોજ આલિયા, માલીયા ઘૂસી જતાં, કોઈ ઉફ નહોતું કરતું. મોદી સરકાર આવી, પાકિસ્તાને ભૂલ કરી. પુલવામા અને ઉરીમાં કરતા તો હુમલો કર્યો. પણ મોદીજીએ પાકિસ્તાનમાં ઘૂસી આપણા જવાનોએ જવાબ આપ્યો. સમગ્ર વિશ્વમાં મોદીજીએ સંદેશ આપ્યો, ભારતની સીમા અને સેના સાથે છેડખાની ના કરાય, નહીં તો પરિણામ ભોગવવા પડે. ત્રિપલ તલાક હટાવવી જોઈએ કે નહીં? મોદી સાહેબે કર્યું તો કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. દેશમાં મહિલા હિન્દુ હોય કે મુસ્લિમ સમાન છે. 

અમિત શાહે જણાવ્યું કે, બેટ દ્વારકામાં નકલી મજારો બની હતી, ભુપેન્દ્રભાઈ અને હર્ષભાઈએ એને સાફ કરી. ખોટું દબાણ હોય, મજાર હોય કે કબર હોય હટાવવું જોઈએ કે નહિં. ખંભાતે કોઈથી ડરવું નહીં, સમજાય છે કે નહીં. મને કહો ગામડામાં 7 કલાકથી વધારે લાઈટ હતી? આજે 24 કલાક લાઈટ મળે છે કે નહીં? વિકાસ કોણે કર્યો તમે કહો? ગુજરાતમાં રોજ રમખાણો થતા, અનેક દાદાઓ હતા. ખંભાતમાં અનેક રમખાણ થાય ત્યારે કોઈ પગલાં નહોતા લેવાતા. પરંતુ આજે કોઈ છમકલું કરે એટલે સાફ સફાઈ તરત થાય છે. આ કામ ભાજપે કર્યું. 

અમિત શાહે ઉમેર્યું કે, કોરોનાંની રસી લીધી છે ને બધાએ, કોઈએ ચાર આના આપવા પડ્યા? 230 કરોડ ડોઝ મોદીજીએ આપ્યા. મોબાઈલ પર પહોંચ આવી જતી હતી ને? પરંતુ આ મોદી રસી છે, કોઈ લેતા નહીં, એવું રાહુલ બાબા કહેતા હતી. રાત્રે તોય એ જઈને અંધારામાં લઈ આવ્યા. 80 કરોડ લોકોને સવા બે વર્ષ સુધી અનાજ આપવાનું કામ મોદી સરકારે કર્યું. 13 કરોડ બહેનોને ગેસ સિલિન્ડર આપ્યા. 60 વર્ષ સુધી કોંગ્રેસની ચાર પેઢી રહી પણ ગરીબી નાં હટાવી. જો ગરીબી હટાવી હોય તો 13 કરોડ ગેસ કનેક્શન ના આપવા પડ્યા હોત. માં કાર્ડ આપ્યા, શૌચાલય બનાવડાવ્યા. ગરીબોની વાત કોંગ્રેસ કરે? અરે તમે ગરીબનું લોહી પીવાનું બાકી નથી રાખ્યું. મોદીએ દેશનું નામ વિશ્વમાં ઊંચું કર્યું છે. 

અમિત શાહે જણાવ્યું કે, 35 હજાર બાળકો રશિયા અને યુક્રેનમાં હતા, માં બાપને ચિંતા થાય. મોદીજીએ યુક્રેન અને રશિયાના રાષ્ટ્રપતિને ફોન કર્યો, 3 દિવસ યુદ્ધ અટક્યું અને બાળકો સહી સલામત પરત આવ્યા. ભારતનું અર્થતંત્ર 11માં નંબરે હતું, અટલજી આપીને ગયા એમાં કોઈ સુધારો એમણે 10 વર્ષમાં ના કર્યો, આજે મોદીજી 5માં નંબરે લાવ્યા. ખંભાતવાળા યાદ રાખજો, તમારી પાસે સંપતિ છે એનો ચાર ગણો ફાયદો તમારા બાળકોને થાય એટલો ફાયદો થવાનો છે. કોંગ્રેસ ગમે તેટલા પ્રયત્ન કરે, ક્યાંય મેળ નથી પડતો. આ કોંગ્રેસીયાને પેશવા ના દેતા નહીં તો ફરી હુલ્લડ થશે. હાથ ઉપર કરીને કહો, એમ નાં માનું વાણિયો છું, ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરશો. 

ઉલ્લેખનીય છે કે, અહીં ગૃહમંત્રી આણંદ જિલ્લાની 7 બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠક પર ગૃહમંત્રીની સુધી નજર છે. ખંભાત બેઠક પર ભાજપે મયુર રાવલને ઉમેદવાર બનાવ્યો છે. ખંભાત બેઠક પર વર્ષ 1990 થી સતત ભાજપનો ભગવો લહેરાતો રહ્યો છે. જો કે આણંદ જિલ્લાની 7 બેઠકોમાંથી વર્તમાન સ્થિતિ 5 બેઠકો કોંગ્રેસ હસ્તક છે અને માત્ર બે બેઠકો ભાજપ પાસે છે. 

ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુર રાવલે કહ્યું કે, અહીંના લોકોનો પ્રેમ ભાજપને મળતો રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ અહીં આવી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના લોકોની ભાજપના નેતૃત્વને હમેશા ચિંતા રહી છે. અહીંના લોકો ઉમેદવાર નહીં પણ કમળ સાથે વર્ષોથી રહ્યા છે. ભાજપે જે વિકાસના કાર્યો કર્યા છે એની સાથે જનતા વચ્ચે અમે પહોંચી રહ્યા છીએ. આ વખતે આણંદની તમામ સાતેય બેઠક પર ભાજપનો વિજય થશે તેવો વિશ્વાસ ખંભાત બેઠકના ઉમેદવાર મયુર રાવલે વ્યક્ત કર્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news