ગૌતમ અદાણી ઉપરાંત ગુજરાતના આ ધનિકો વિશે પણ ખાસ જાણો, કોણ છે વડોદરા, સુરત, રાજકોટમાં ટોપ પર? 

Gujarat Billionaires: હુરુન ઈન્ડિયા એ ભારતમાં અબજોપતિઓની યાદી બહાર પાડી છે. જેમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. દી મુજબ સૌથી વધુ અબજોપતિ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે, જ્યારે બીજા નંબરે દિલ્હી અને ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. જાણો ગુજરાતના અબજોપતિઓ વિશે આ રસપ્રદ માહિતી....

ગૌતમ અદાણી ઉપરાંત ગુજરાતના આ ધનિકો વિશે પણ ખાસ જાણો, કોણ છે વડોદરા, સુરત, રાજકોટમાં ટોપ પર? 

હુરુન ઈન્ડિયા એ ભારતમાં ધનકુબેરોની યાદી બહાર પાડી છે. જેમાં પહેલીવાર ભારતના 300થી વધુ અબજપતિઓને સામેલ કરાયા છે. લિસ્ટમાં એ પણ જોવા મળ્યું કે ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પાછળ છોડીને દેશના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. જો કે આ યાદીમાં આખા દેશના અબજપતિઓની માહિતી આપેલી છે ત્યારે તમને પણ એમ થતું હશે કે આપણા ગુજરાતની શું સ્થિતિ હશે? અને ગુજરાતના જે ધનિકોના નામ ચમકે છે તેઓ યાદીમાં ક્યાં છે. ખાસ જાણો આ માહિતી....

દેશમાં ટોપ પર ગૌતમ અદાણી
આ લિસ્ટ મુજબ વ્યક્તિગત સંપત્તિની વાત કરીએ તો અદાણી ગ્રુપના ગૌતમ અદાણી આ યાદીમાં ટોપ પર છે જેમણે મુકેશઅંબાણીને પાછળ છોડ્યા છે. તેમની કુલ સંપત્તિ 11.6 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે. લિસ્ટમાં એ પણ કહેવાયું કે તેમની સંપત્તિમાં વધારો અદાણી ગ્રુપના શેરોમાં જબરદસ્ત ઉછાળાના કારણે થયો છે. જે એક વર્ષ દરમિયાન 95 ટકા ચડ્યા છે. 

કયા નંબરે ગુજરાત
જો રાજ્ય પ્રમાણે વાત કરીએ તો આ યાદી મુજબ સૌથી વધુ અબજપતિ ધરાવતા રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોપ પર છે, જ્યારે બીજા નંબરે દિલ્હી અને ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાંય મુંબઈ ટોપ પર છે. જ્યાં 386 અબજપતિ રહે છે. બીજા નંબરે દિલ્હી છે જ્યાં 217 અબજોપતિ છે અને ત્રીજા નંબરે હૈદરાબાદ જ્યાં 17 અબજોપતિ શિફ્ટ થતા કુલ અબજપતિઓની સંખ્યા હવે 104 થઈ ગઈ છે. હરુન ઈન્ડિયાએ પૈસાદારોની આ યાદીમાં જેમની સંપત્તિ 1 હજાર કરોડથી વધુ હોય તેવા લોકોને સમાવ્યા છે. સમગ્ર દેશની વાત કરીએ તો કુલ 1539 અબજપતિઓ જોવા મળ્યા. ગુજરાતીઓ માટે સારા સમાચાર એ છે કે અબજપતિઓની આ યાદીમાં ગુજરાતીઓએ ધડાકો કરી નાખ્યો છે. કારણ કે ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા ઉછળીને 60થી 129 પર પહોંચી ગઈ. 

ગુજરાતના આ શહેરોમાં વસે છે અબજપતિઓ
ગુજરાતના એવા ચાર કયા શહેરો છે જેમાં અબજોપતિઓ વસ્યા છે તો આ યાદીમાં ગુજરાતના ચાર શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જોવા મળ્યા છે. ગૌતમ અદાણી અમદાવાદમાં છે. અમદાવાદમાં કુલ અબજોપતિની સંખ્યા જોઈએ તો 67 છે જ્યારે વડોદરામાં 16, સુરતમાં 28 અને રાજકોટમાં 10 અબજોપતિઓ વસવાટ કરે છે. 

ગુજરાતના ટોપ 4 શહેરોના ધનકુબેરો
ગુજરાતના ટોપ 4 શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ છે. એમાંય પાછા આ શહેરોના સૌથી વધુ ધનિકો ગણાવીએ તો અમદાવાદમાં 11,61,800 કરોડ સાથે ગૌતમ અદાણી ટોપ પર છે. જો કે આમ તો ગૌતમ અદાણી તો આખા દેશના ધનિકોની યાદીમાં ટોપ પર છે. અહીં શહેર વિશે વાત કરીએ છીએ. વડોદરાનું વિચારીએ તો અહીં સમીર પટેલ 13,400 કરોડની સંપત્તિ સાથે ટોપ પર છે. જ્યારે સુરતમાં અશ્વિન દેસાઈ 10,700 કરોડ સાથે ટોપ પર છે અને રાજકોટના ધનિકોમાં 11,600 કરોડ સાથે પરાક્રમ સિંહ જાડેજા ટોપ પર છે. આ ધનિકો વિશે પણ થોડું વિસ્તૃત જાણીએ. 

અમદાવાદ
ગુજરાતમાં જે 1 લાખ કરોડ કરતા વધુ સંપત્તિ ધરાવે છે તેવા બિઝનેસમેનમાં ગૌતમ અદાણી અને હવે ઝાયડસના પંકજ પટેલનો સમાવેશ થાય છે. પંકજ પટેલ પહેલીવાર આ યાદીમાં જોવા મળ્યા છે. 11.61 લાખ કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી અને ઝાયડસ લાઈફ સાયન્સના પંકજ પટેલ 1.01 લાખ કરોડની સંપત્તિ સાથે આ યાદીમાં છે. અન્ય ઉદ્યોગપતિઓની વાત કરીએ તો નિરમા ગ્રુપના કરશનભાઈ પટેલની 80 હજાર કરોડની સંપત્તિ, ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતાની સંયુક્ત રીતે 70.90 હજાર કરોડની સંપત્તિ છે. 

સુરત
સુરત આમ તો હીરાના વેપારને લઈને જાણીતુ છે અને અહીં હીરાના વેપારીઓનો ભારે દબદબો છે. એથર ઈન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ સુરતમાં સૌથી વધુ 70,700 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. ટોપ 10 અબજપતિઓ સુરતના જોઈએ તો 6 જેટલા તો જ્વેલરી ક્ષેત્રના છે. જેમાં કિરણ જેમ્સના બાબુભાઈ લખાણીની 7400 કરોડની સંપત્તિ છે. જ્યારે ગોવિંદભાઈ ધોળકિયાની 6100 કરોડ, સવજીભાઈ ધોળકીયાની 3700 કરોડ, લાલજીભાઈ પટેલની 3600 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

વડોદરા
વડોદરાની વાત કરીએ તો અહીં ફાર્મસન ફાર્માસ્યુટિકલ્સના સમીર પટેલ 13,400 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ટોપ પર છે. ત્યાર પછી રૂબામિન કંપનીના અતુલ દાલમિયા 5900 કરોડ, વોલ્ટેમ ટ્રાન્સફોર્મર કંપનીના કુંજલ પટેલ 5700 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. વડોદરામાં ટોપ ટેનમાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરના 4 જ્યારે કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાંથી 3 અબજપતિ છે. 

ભાવનગરનો પણ સોપાટો
2018માં 23 વર્ષની નાની ઉંમરે ભારત પે ક્યુઆર કોડ બનાવીને ધમાલ મચાવનારા શાશ્વત નાકરાણી પણ આ યાદીમાં સામેલ છે. જેમની પાસે 1300 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

રાજકોટ
રાજકોટના અબજપતિઓની વાત કરીએ તો હાલમાં જ શેરબજારમાં આઈપીઓ લાવનારા જ્યોતિ સીએનસી કંપનીના માલિક પરાક્રમસિંહ જાડેજા 11600 કરોડની સંપત્તિ સાથે રાજકોટના ટોપ ધનિક છે. બીજા નંબરે બાલા વેફર્સના ભીખુભાઈ વરાણી 4700 કરોડની સંપત્તિ સાથે આવે છે. ગોપાલ સ્નેક્સના બિપિનભાઈ હદવાણીની 4000 કરોડની સંપત્તિ છે. રાજકોટના ધનિકોની યાદી જોઈએ તો આ યાદીમાં ફૂડ એન્ડ બેવરેજિસ ક્ષેત્રના 5 અબજોપતિઓ છે. 

ગુજરાતના ધનિકો વિશે એ પણ જાણવા જેવું છે કે સૌથી વધુ ધનિકો ફાર્મા ક્ષેત્રમાંથી 21 જેટલા છે. જ્યારે ત્યારબાદ ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટમાં 20, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સમાં 18, જ્વેલરીમાં 15 તથા ફૂડ અને બેવરેજિસ ક્ષેત્રમાંથી 9 ધનિકો યાદીમાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news