આ દિવસથી હાર્દિક પટેલ કરશે અન્નજળનો ત્યાગ, ફેસબુક પર કરી જાહેરાત

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સરકારને હાંસિયામાં ધકેલવા માટે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એક સમયે હાર્દિક પટેલને સાથ આપનારા તેના સાથીઓ પાસ સાથે છેડો ફાડી અલગ થઇ ગયા છે.

આ દિવસથી હાર્દિક પટેલ કરશે અન્નજળનો ત્યાગ, ફેસબુક પર કરી જાહેરાત

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલે અન્ન-જળનો ત્યાગ કરી આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતાં પાટીદારોનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. હાર્દિકની આ જાહેરાતને રાજકીય વિશ્લેષકો દ્વારા રાજકીય જાહેરાત ગણાવવામાં આવી રહી છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં સરકારને હાંસિયામાં ધકેલવા માટે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એક સમયે હાર્દિક પટેલને સાથ આપનારા તેના સાથીઓ પાસ સાથે છેડો ફાડી અલગ થઇ ગયા છે. ત્યારે હાર્દિકના ઉપવાસ આંદોલનમાં કેટલા લોકો જોડાશે તે એક પ્રશ્ન છે. છેલ્લા ત્રણ વર્ષોમાં હાર્દિક પટેલની છબિ ખરડાઇ છે, તેની બિભત્સ વીડિયો ક્લિપ પણ વાઇરલ થઇ હતી.  

હાર્દિક પટેલે પોતાના ફેસબુક પર એક પોસ્ટર શેર કર્યું છે જેની ઉપર લખ્યું છે કે 25 ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી હું હાર્દિક પટેલ અન્નના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ. પાટીદાર સમાજને અનામત આપો અને ખેડૂતોના દેવા માફી કરો. લોકસભાની ચૂંટણી નજીક આવતાં હાર્દિક ફરી સક્રિય થઇ ગયો છે, હાર્દિક પટેલની જાહેરાત ગુજરાતમાં ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન આક્રમક બને તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. 

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે,‘૨૫મી ઓગસ્ટને પાટીદાર ક્રાંતિ દિવસથી હું પાટીદાર સમાજ ને અનામત આપોની માંગ અને અન્ન ના ત્યાગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતારીશ. જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહીં મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ. જીવ જાય તો જાય પણ હવે સરકાર અનામતનો મુદ્દો નક્કી કરે. ગુજરાતમાંથી રોજ હજારો ની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરશે. રોજ એક વ્યક્તિ સરકારને અનામતના મુદ્દે જગાડવા માટે મુંડન પણ કરાવશે.’ 
 
પાટીદાર અનામત આંદોલનમાં જુથબંધીની ઘણી અસરો જોવા મળી છે. એક ગુજરાતી સમાચારપત્રના જણાવ્યા અનુસાર દિનેશ બાભણિયાએ હાર્દિકને સમર્થનની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘હાર્દિકના અનામતના મુદ્દે ઉપવાસની જાહેરાતને મારું સમર્થન છે. હું અનામતની લડાઈમાં હાર્દિક સાથે ઉપવાસમાં જોડાઈશ. મને આશા છે કે આ લડાઈ કોઇ રાજકિય પાર્ટીનો ભોગ નહી બને. સમાજના હિતની લડાઈ બધા સાથે મળીને લડીશું.’
 
રાજકીય વિશેષકોના મતે હાર્દિક પટેલનું આ પ્રકારનું નિવેદન નવાઈ પમાડે એવું નથી. જો હાર્દિકે પોતાના સમર્થકોને જાળવી રાખવા હોય તો અનામતની વાત ફરીથી કરવી જ પડશે.  જો હાર્દિક પટેલ આ પ્રકારના કાર્યક્રમ ન લે તો તે ભૂતકાળ બની જાય એવી પરિસ્થિતિ છે. હાર્દિક પટેલ માટે 'કરો યા મરો' જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. 2019ની ચૂંટણી પણ નજીક છે અને હાર્દિક પાસે લોકો વચ્ચે જવા માટે અનામત સિવાયનો કોઈ મુદ્દો નથી. એટલે આ પ્રકારે આમરણાંત ઉપવાસ જેવા કાર્યક્રમોની જાહેરાત કરવી પડી છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news