ચૂંટણીમાં નહીં ચાલે ઈટલીનો ભાણો કે રેવડીનો દાણો, જીતશે તો ગુજરાતનો રાણો નરેન્દ્ર મોદી

હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતા હાર્દિક પટેલને કેન્કલેવ દરમિયાન પૂછાયેલાં સવાલોનો જવાબ આપ્યા હતા.

ચૂંટણીમાં નહીં ચાલે ઈટલીનો ભાણો કે રેવડીનો દાણો, જીતશે તો ગુજરાતનો રાણો નરેન્દ્ર મોદી

શંખનાદ 2022/ZEE24કલાક: ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં દરેક રાજકીય પક્ષોના તમામ મોટા નેતાઓને બોલાવીને તેમને ચૂંટણીલક્ષી સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરવામાં આવી હતી. અનામત આંદોલનમાંથી બહાર આવેલ હાર્દિક પટેલ શરૂઆતમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલની દોસ્તી પણ લાંબો સમય ન ચાલતા તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ભાજપના નેતા હાર્દિક પટેલને કેન્કલેવ દરમિયાન પૂછાયેલાં સવાલોનો જવાબ આપ્યા હતા.

- હાર્દિકથી યુવાઓ કે ભાજપને કઈ રીતે લાભ થશે?
- ઝી 24 કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોલેજ કેમ્પસમાં બેસીને યુવાઓ રાજનેતાને ગાળો આપતા હોય ત્યારે યુવાઓ આજકાલ રાજનીતિથી દૂર રહેવા માંગે છે. હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનનો જન્મ એક નાનકડી ઘટના સાથે સંકળાયેલો છે, વિરમ ગામમાં મારી બહેનન સ્કોલરશિપ મેળવવામાં તકલીફ પડતી હતી, કારણ કે સરકારી જોગવાઈ પ્રમાણે જનરલ કેટેગરીમાં સ્કોરલરશિપનો લાભ મળી શકે નહીં. પરંતુ હકીકતમાં અમારો પરિવાર તે વખતે ખુબ જ ભીંસમાં હતો. જેના કારણે મારે આંદોલનમાં આવવું પડ્યું. વર્ષ 2015માં શરૂ થયેલું પાટીદાર આંદોલનના ચાર વર્ષ ચાલ્યું હતું. ત્યારબાદ સરકારે 10 ટકા EBC આપી હતી. એટલું જ નહીં, આંદોલનના કારણે તમામ લોકોને 10 ટકા આર્થિક અનામત, બિન અનામત આયોગ મળ્યું હતું. હાર્દિક પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મેં મારા જીવનના અઢી વર્ષ કોંગ્રેસમાં રહીને બગાડ્યા છે. કોંગ્રેસ ગુજરાત વિરોધી છે. રામ મંદિર માટે ભેગી કરાયેલી ઈંટોનો મુદ્દે પણ રાજનીતિ કરી હતી. ગુજરાતની ગરીમાને લજવીને કોંગ્રેસના નેતાઓ અપમાનિત કરી રહ્યા છે.

- શહીદ થયેલા પાટીદારોનું શું? ભાજપ શું કરશે?
હાર્દિક પટેલે અનામત આંદોલનના સંસ્મરણોને વાગોળતા જણાવ્યું હતું કે, હું પણ 9 મહિના જેલમાં રહ્યો છે. આંદોલન વખતે 14 પાટીદાર સમાજના દીકરા શહીદ થયા છે, તેનું મને સખત દુ:ખ છે. હું તમામ પરિવારના ઘરે રક્ષાબંધનમાં જઈને મદદ પહોંચાડીશ. જેમના બાળકો ભણી રહ્યા છે તેમને પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી અપાવીશ. અનામત આંદોલનના કારણે આજે પણ હું પોલીસ અને કોર્ટનો ધક્કા ખાઈ રહ્યો છું. જ્યારે પણ આંદોલન થાય ત્યારે ભોગવવાનું બધાને આવે છે. 

- ગાંધીજીને પણ લોકો ગાળો આપતા હતા
હાર્દિકે  ગાંધીજીનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે, ગાંધીજી જ્યારે આંદોલન કરતા હતા ત્યારે પણ લોકો ગાળો આપતા હતા, તો મને આપે એમાં શું નવાઈ છે? ચિંતા ન કરવી, બસ સમાજ અને દેશ માટે કામ કરતા રહેવું જોઈએ.

- હાર્દિક સાવ ખોવાઈ  ગયો છે?
કોકલેવમાં જ્યારે હાર્દિકને પુછવામાં આવ્યું કે ભાજપમાં ગયા પછી હાર્દિક સાવ ખોવાઈ ગયો છે તે સવાલનો જવાબ આપતા હાર્દિકે જણાવ્યું હતું કે, ઘરમાં કોઈ વસ્તુ ખોવાઈ હોય તો ટીવીમાં ન આવે એટલે ખોવાઈ જાવ એવું ના હોય. હાર્દિકે જણાવ્યું હતું કે, હવે પાર્ટી કહેશે એ કામ કરીશું. હવે લોકોના મુદ્દાનું કામ કરવાનું છે. હું ભાજપનો આભારી છું. પણ મોટું મન રાખીને મોદી સાહેબે અમને તક આપી. જે ખોવાઈ ગયું હતું એ મળી ગયું એની ચિંતા ના કરવી.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, મારી પત્ની પહેલા મારી ગર્લફ્રેન્ડ હતી. પહેલા હું તેને છાનો માનો લઈ  જતો. પરંતુ લગ્ન બાદ એવું ના હોય.

- કોંગ્રેસનો સિંહ, ભાજપની ખિસકોલી:
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોણ શું બોલે છે તેની હું ક્યારેય ચિંતા કરતો નથી. સોશિયલ મીડિયામાં ટ્વિટર, એફબી પર લોકો મને શું કહે છે તેની પણ ચિંતા કરતો નથી. હું ભાજપમાં રામસેતુની ખિસકોલી બનવા તૈયાર થયો છું.

- શું કોંગ્રેસ યુવાઓને માફક નથી?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે મારા જેવો 25 વર્ષનો યુવાન પણ કોંગ્રેસ છોડે છે, 55 વર્ષના કપિલ સિબ્બલ પણ કોંગ્રેસ છોડે છે, અને 80 વર્ષના ગુલામ નબી આઝાદ પણ કોંગ્રેસ છોડે છે. હાર્દિકે કોકલેવમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સરદાર સાહેબની પ્રતિમાનો પણ વાંધો ઉઠાવ્યો હતો. બસ કોંગ્રેસ માત્ર પોતાના દિકરા, મમ્મીને સેટ કરવા માંગે છે. હાર્દિકે જણાવ્યું કે, કોંગ્રેસની સરખામણીએ ભાજપ એક સારી પાર્ટી છે, તેમણે દેશ માટે ઘણા સારા નિર્ણયો લીધો છે. ભાજપે 370 હટાવી એ સારો નિર્ણય છે. જો આમને આમ ચાલ્યું તો એક દિવસ એવો આવશે કે કોંગ્રેસ વિપક્ષમાં પણ નહીં હોય. બીજેપી હંમેશાં દરેક લોકો માટે કંઈકને કંઈક નવું લાવે છે.

- હાર્દિકને પહેલા ભાજપ નહોતું ગમતું?
હાર્દિક પટેલે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે આંદોલન હંમેશાં સત્તાધારી પક્ષ સામે જ હોય છે. એટલે અનામત આંદોલન અમે ભાજપની સરકાર સામે કર્યું હતું. પરંતુ આંદોલન એકલા મારા માટે નહોતું. અમે કરેલા આંદોલનનો લાભ આજે લોકોને થઈ રહ્યો છે. એવું નથી કે માત્ર પાટીદાર સમાજ તેનો લાભ ઉઠાવી રહ્યો છે. અનેક સમાજો તેનો લાભ ઉઠાવી રહ્યા છે. લોકોને આજે પોતાના બાળકો ભણતા હોય તો અભ્યાસમાં લાભ થઈ રહ્યો છે, સરકારી નોકરીઓમાં થઈ રહ્યો છે. એટલે મને ભાજપ નહોતું ગમતું એ કહેવું ખોટું છે.

- કોંગ્રેસમાં જોડાયા ત્યારે શું હતું?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આજે લવ મેરેજ કર્યા હોય તો પણ તૂટી જાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદ આજે 45 વર્ષે સમજ્યા અને તેમને પાર્ટી છોડી.

- કોંગ્રેસમાંથી નીકળ્યા ત્યારે કહ્યું અંદર કચરો છે.
હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસ હંમેશાંથી જનતાને ગેરમાર્ગે દોરે છે. આજે મારે કહેવાનું એ થાય છે કે કેમ આજે બધા કોંગ્રેસ છોડી રહ્યા છે. કારણ કે કોંગ્રેસે ક્યારેય કોઈના માટે સારું બોલ્યા નથી. જ્યારે પણ કોઈ પાર્ટી છોડે ત્યારે પાર્ટીના નેતાઓ નિવેદનબાજી કરે છે અને પાર્ટીમાં રહેલો કચરો ગયો તેવું કહેતા હોય છે.

હાર્દિક પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતીઓ ઈટલીના ભાણાની નહીં, કે રેવડીના દાણાની નહીં, ગુજરાતીઓ ગુજરાતના રાણાની (નરેન્દ્રમોદી)ની ચિંતા  કરે છે. મોદીજીનું કામ આજે આખા દેશમાં બોલે છે.

હાર્દિકે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રેવડીનો દાણો એક બાજુ રાજ્યમાં ઘણી ગેરંટીઓ આપે છે. પરંતુ ગુજરાતની જનતા તેમની ભ્રામક ગેરંટીઓમાં આવવાની નથી.

- ગુજરાતમાં AAPની રેવડીનો ભાવ મળશે?
હાર્દિકે જણાવ્યું કે દરેક યુવાનની કે મોટા માણસની ઈચ્છા હોય છે. ત્યારે મારે એ કહેવાનું છે કે કેજરીવાલ ગુજરાતમાં આવીને કોને ગાળો આપે છે. અદાણી, અંબાણી, ગુજરાતીને ગાળો આપે એ કેવી રીતે ચાલશે. કેજરીવાલ હંમેશાં પાટીલ સાહેબને ગાળો આપે છે. પરંતુ ગુજરાતના લોકો અસ્મિતા અને ગૌરવ માટે મત આપશે.

હાર્દિક પટેલે જણાવ્યું કે, પંજાબમાં ચૂંટણી ટાણે ઘણી ગેરંટીઓ આપવામાં આવી હતી. પરંતુ મોટાભાગના કામ હજુ સુધી થઈ શક્યા નથી. લોકોને આજે ભાજપના શીર્ષ નેતૃત્વ પર ભરોસો છે. 

- દિનેશ બાંભણીયાએ પાસના નેતાઓને ચૂંટણી લડવાની વાત કરી છે.
હાર્દિક પટેલે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું કે, બાંભણિયાની કોઈ પાર્ટી નથી તો તેઓ કેવી રીતે નિર્ણય લઈ શકે કે પાસના નેતાઓ ચૂંટણી લડશે?

- હાર્દિક ક્યાંથી લડશે?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું ભાજપનો સભ્ય બન્યો છું. પાર્ટીમાં મહેનત કરીશ. મેરિટમાં આવીશ. શીર્ષ નેતૃત્વ, સીએમ, પાર્લોમેન્ટ્રી બોર્ડ નક્કી કરશે કે હું ચૂંટણી લડીશ કે નહીં.

- હાર્દિકને આશા છે ટિકીટની?
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું વિરમગામમાં મહેનત કરું છું. છેલ્લા 10 વર્ષથી વિરમગામમાં કોંગ્રેસ છે. ત્યારે  મારી ઈચ્છા છે કે હું ત્યાં સારું કરીશ. જો પાર્ટી કહેશે તો ચૂંટણી લડીશું. ભાજપને ગુજરાતમાં પુરેપુરી આઝાદી છે.

- હાર્દિક પોતાને ક્યાં જોવે છે?
હાર્દિકે છેલ્લે પોતાના આ સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, હું પાર્ટીમાં સારું કામ કરીશ તો લોકો મને તક આપશે. કૃદરતે જે નક્કી કર્યું હશે તે મને મળશે. કર્મ સારા હશે તો સારું મળશે અને ખરાબ હશે તો ખરાબ... 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news