રાજ્યમાં 540 ચોરસ કિમીમાં મેન્ગ્રોવ કવર વિકસિત કરાશે, 34 કરોડનું બજેટ મંજૂર

મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 26મી જુલાઈએ ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક અને કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો. તેનો હેતુ મેન્ગ્રોવ માટે જાગૃતિ વધારવા અને કુદરત દ્વારા સર્જવામાં આવેલી અદ્ભુત ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે.

રાજ્યમાં 540 ચોરસ કિમીમાં મેન્ગ્રોવ કવર વિકસિત કરાશે, 34 કરોડનું બજેટ મંજૂર

ગાંધીનગર: મેન્ગ્રોવ્સ પૃથ્વી પરની સૌથી વધુ ઉત્પાદક દરિયાઇ ઇકોસિસ્ટમ તરીકે પથરાયેલ છે, જે અસંખ્ય પ્રજાતિઓ માટે વૈવિધ્યસભર નિવાસસ્થાન પ્રદાન કરે છે જ્યારે માનવોને આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. જૈવવિવિધતામાં ફાળો આપવાની સાથે મેન્ગ્રોવ્સ વિવિધ જીવોને આફતોથી બચાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાતમાં જૂન 2023માં આવેલ બિપરજોય વાવાઝોડું એક વિનાશક આપત્તિ હતી, જેણે માનવસર્જિત માળખાને નુક્શાન પહોંચાડ્યુ હતું. પરંતુ કચ્છ, સૌરાષ્ટ્ર અને અન્ય વેટલેન્ડ્સમાં સખત મૂળિયાવાળા મેન્ગ્રોવ વૃક્ષોએ ગ્રીન વોલ અને આશ્રય તરીકે કામ કર્યું હતું. મેન્ગ્રોવના જંગલો અને તેમના એકબીજા સાથે જોડાયેલા મૂળિયાએ વાવાઝોડાની તીવ્રતા ધીમી કરી અને ઉડતા કાટમાળને વિખેરી નાખ્યો, જેના કારણે નજીકના વિસ્તારમાં રહેતા લોકો અને જીવોને રક્ષણ મળ્યું. મેન્ગ્રોવ જંગલો માત્ર જળચર જીવન માટે જ નહીં, પરંતુ દરિયાકાંઠાના રહેવાસીઓ માટે પણ કુદરતી આશ્રયસ્થાન છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જૈવવિવિધતા સંરક્ષણ માટે એક સંપૂર્ણ મોડેલ અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યા છે. મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ (MISHTI)ની જાહેરાત 2023-24 ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી, જે વડાપ્રધાનની પ્રતિબદ્ધતામાં વધુ એક પગલું છે. MISHTI નો ધ્યેય દરિયાકિનારા અને સોલ્ટપાન વિસ્તારો સાથે મેન્ગ્રોવ કવરને 540 ચોરસ કિમી સુધી વધારવાનો છે. આગામી પાંચ વર્ષો દરમિયાન, 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મેન્ગ્રોવ જંગલો વિકસાવવામાં આવશે. તે દરિયાકાંઠાના પ્રદેશોમાં સ્થાનિક સમુદાયોને તેમના કુદરતી વસવાટમાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમને જાળવવા અને મેન્ગ્રોવ સંરક્ષણ માટે પ્રકૃતિ-આધારિત સમુદાય વિકસાવશે કે જે આ સ્થાનિક સમુદાયોની જીવનશૈલી, સંસ્કૃતિ અને વારસાને અનુકૂળ હોય. ભારત સરકાર પ્રોજેક્ટ ખર્ચના 80% ભંડોળ આપશે અને 20% સંબંધિત રાજ્ય સરકારો દ્વારા યોગદાન આપવામાં આવશે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ અને પુનઃસંગ્રહ માટે ₹34 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ બજેટ વન વિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશન (GEC) વચ્ચે વહેંચવામાં આવ્યુ છે.

GEC લાંબા સમયથી રાજ્યમાં મેન્ગ્રોવ સંરક્ષણનું કાર્ય કરે છે. તેમનો મેન્ગ્રોવ પ્લાન્ટેશન પ્રોગ્રામ સ્થાનિક સમુદાયો, વન વિભાગ, એનજીઓ, ખાનગી ભાગીદારો, સરકારી સત્તાવાળાઓ અને વર્લ્ડ બેંકના સહયોગથી કાર્ય કરે છે. આ ટીમવર્કનો હેતુ સ્થાનિક સમુદાયોને મેન્ગ્રોવ જંગલો માટે આયોજન અને એકત્રીકરણ માટે જાગૃત કરવાનો છે, જ્યાં તેઓ માછલી તથા કરચલાંનો ઉછેર તેમજ ઘાસચારાની લણણી કરી શકે. સમુદાય આધારિત સંસ્થાઓ (CBO) ને GEC દ્વારા તાલીમ આપવામાં આવે છે. સીબીઓ દ્વારા નર્સરી ઉછેર અને કાર્યક્રમની સીધી દેખરેખ કરવામાં આવે છે, જે સ્થાનિક લોકોને વૈકલ્પિક આજીવિકા પ્રદાન કરે છે સાથે જ જમીનની ખારાશને સંતુલિત કરી ફળદ્રુપ રાખે છે અને પ્રક્રિયામાં મેન્ગ્રોવ ઇકોસિસ્ટમને ટકાવી રાખે છે.

જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડલ પ્રાદેશિક સમુદાયોના વિકાસ અને મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ બંને માટે સફળ સાબિત થયું છે. ગુજરાત સરકારે MISHTI ની શરૂઆતથી મેન્ગ્રોવ જંગલોના રક્ષણ માટે અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને ભાગીદારી સ્થાપિત કરી છે. આ સંયુક્ત સાહસ રાજ્યની મેન્ગ્રોવ ઇકોસિસ્ટમના સંરક્ષણ, પુનઃસંગ્રહ અને વિસ્તરણ માટે વ્યૂહાત્મક યોજના વિકસાવશે.

મેન્ગ્રોવ વૃક્ષો એ કુદરતની અજાયબી અને આપણા માટે એક સંપત્તિ પણ છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જે ઝડપથી ઔદ્યોગિકીકરણ કરી રહ્યું છે, તેથી સંતુલન સાથે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમને પ્રોત્સાહિત કરવી મહત્ત્વપૂર્ણ છે. મેન્ગ્રોવ જંગલોની જાળવણી માટે, GEC, વન વિભાગ, તેમજ સ્થાનિક સરકારો, બિનસરકારી સંસ્થાઓ (NGO) અને સંશોધન સંસ્થાઓ, સ્થાનિક સમુદાયો એકબીજાના સહયોગથી કાર્ય કરે છે.

ગુજરાતમાં મેન્ગ્રોવ્ઝ 
ભારતીય ઉપખંડના લાંબા દરિયાકિનારાના વિસ્તારોમાં કુદરતી રીતે અદ્ભુત મેન્ગ્રોવ જંગલો પથરાયેલા છે.  ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) - 2021ના અહેવાલ મુજબ, ગુજરાતના દરિયાકાંઠાનો 1,175 ચોરસ કિ.મી.નો વિસ્તાર મેન્ગ્રોવ કવર છે, જે  પશ્ચિમ બંગાળમાં સુંદરવન પછી બીજા ક્રમે (2,114 ચોરસ કિમી) છે. આ જ અહેવાલ મુજબ, 14 જિલ્લાઓમાંથી  ગુજરાતના ટોચના ત્રણ મેન્ગ્રોવ કવરમાં કચ્છ (798.74 ચોરસ કિમી) , જામનગર (231.26 ચોરસ કિમી), અને ભરૂચ (45.38 ચોરસ કિમી) નો સમાવેશ થાય છે. સમગ્ર રાજ્યમાં મેન્ગ્રોવનું આવરણ સતત વધી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news