મોદી સરકારની આ બે યોજનાનો લાભ લેવામાં ગુજરાતીઓ અવ્વલ! તમે લાભ લીધો કે નઈ?

મોદી સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓને અમલી કરવામાં આવી છે. જે પૈકીની બે યોજનાઓ એવી છે જેનો લાભ લેવા માટે પબ્લિક રીતસર પડાપડી કરે છે. આ યોજનાઓનો લાભ લેવામાં ગુજરાત દેશભરમાં પહેલાં નંબરે છે...

મોદી સરકારની આ બે યોજનાનો લાભ લેવામાં ગુજરાતીઓ અવ્વલ! તમે લાભ લીધો કે નઈ?

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ‘PM સૂર્ય ઘર’ અને ‘PM કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાતે કરેલી કામગીરીની  કેન્દ્રીય મંત્રી પ્રલહાદ જોષીએ સમીક્ષા કરી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલહાદ જોષીએ જણાવ્યુંકે, PM સૂર્ય ઘર’ તેમજ ‘PM કુસુમ યોજના’ના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતભરમાં શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ તેમજ 'પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયાન-PM KUSUM' યોજનાના અમલીકરણમાં  ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરતાં વધુ પ્રો-એક્ટીવ રીતે કાર્ય કરી રહ્યું છે તે સરાહનીય છે તેમ, કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલહાદ જોષીએ જણાવ્યું હતું. 

કેન્દ્ર સરકારની ‘PM સૂર્ય ઘર’ અને ‘PM કુસુમ યોજના’ અંતર્ગત ગુજરાતે કરેલી કામગીરીની આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલહાદ જોષીની અધ્યક્ષસ્થાને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઊર્જા વિભાગ દ્વારા આ યોજના અંતર્ગત કરેલી કામગીરી અંગે કેન્દ્રીય મંત્રીશ્રીને માહિતગાર કરતાં કહ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રજાને ૨૪ કલાક વીજળી મળી રહે તે માટે ‘જ્યોતિ ગ્રામ યોજના’નો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં વીજળીના યોગ્ય વ્યવસ્થાપનના પરિણામે રાજ્યની UGVCL, PGVCL, DGVCL અને MGVCL એમ ચાર વીજ કંપનીઓ ભારતમાં નંબર-૧ની સાથે સાથે નફો પણ કરી રહી છે. ‘PM સૂર્ય ઘર’ યોજનાના અમીલકરણમાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર, કેરળ, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશનો ક્રમ આવે છે. આ બન્ને યોજનાના અમલમાં ગુજરાત ટૂંક સમયમાં પોતાનો લક્ષ્યાંક પૂર્ણ કરીને નવો લક્ષ્યાંક સ્થાપિત કરશે તેમ, મંત્રી દેસાઈએ ઉમેર્યું હતું.  

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNLના મેનેજીંગ ડીરેક્ટર જયપ્રકાશ શિવહરેએ ‘PM સૂર્ય ઘર’ યોજના અંગે ગુજરાતે કરેલી કામગીરીનું કેન્દ્રીય મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે, આ યોજના અંતર્ગત સમગ્ર દેશમાં કુલ ૧ કરોડ ઘર પર સોલર રૂફટોફ લગાવવાના લક્ષ્યાંક સામે સૌથી વધુ ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૧ લાખ ઘર પર સોલર રૂફટોફ લગાવવાની નોંધણી કરવામાં આવી છે.

જેમાંથી ૧.૬૫ લાખથી વધુ ઘર પર સોલાર રૂફટોફ લગાવવામાં આવ્યા છે જ્યારે બાકીની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના અંતર્ગત રહેણાંક વિસ્તારમાં ઘરની છત ઉપર એક થી બે કિલોવોટ સુધી પ્રતિ કિલોવોટ પર રૂ. ૩૦,૦૦૦ની સબસીડી તેમજ બે થી ત્રણ કિલોવોટ પર પ્રતિ કિલોવોટ રૂ. ૧૮,૦૦૦ એમ કુલ ત્રણ કિલોવોટ સુધી રૂ. ૭૮,૦૦૦ની સબસિડી DBT દ્વારા લાભાર્થીઓના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ગ્રાહકોએ પ્રતિ યુનિટ રૂ. ૨.૨૫ના ભાવે વધારાની વીજળી સરકારને વેચીને અંદાજે રૂ. ૧,૮૯૧ કરોડથી વધુ આવક મેળવી છે.  

જયપ્રકાશ શિવહરે ‘PM કુસુમ યોજના’ અંગે ગુજરાતે કરેલી કામગીરી રજૂ કરતાં જણાવ્યું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે સોલર વોટર પંપ વસાવવા આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે. ગુજરાતમાં ૮,૦૮૨ના લક્ષ્યાંક સામે અત્યારની સ્થિતિએ સિંચાઈ માટે ૭,૪૦૨ સોલર વોટર પંપ લગાવવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુ મંજૂરી મળેથી નવા સોલર વોટર પંપ ફાળવવામાં આવશે.

સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રાલયના સચિવ ભુપિન્દરસિંધ ભલ્લા, ગુજરાત ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, UGVCLના MD અરુણ મહેશબાબુ સહિત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news