લાખો શું, કરોડો ખર્ચો તો પણ એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન ફરી શક્તો નથી

Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે... વ્યક્તિ ભલે ગમે તે ભોગે અમેરિકા પહોંચી જાય, પરંતુ પાછા આવવા માટે તેના દરવાજા બંધ થઈ જતા હોય છે

લાખો શું, કરોડો ખર્ચો તો પણ એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન ફરી શક્તો નથી

Illegal immigration In America : ગુજરાતીઓનો અમેરિકા જવાનો મોહ ક્યારેય ઘટતો નથી. અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગમે તે હદે જતા રહે છે. લાખો રૂપિયા તો શું, કરોડો આપવા તૈયાર થઈ જાય છે. સીધી રીતે જવા ન મળે તો બે નંબરમાં અમેરિકા જવા માટે લોકો આતુર હોય છે. પછી ભલેને રસ્તામાં ગમે તેવી યાતના મળે. લોકો આ યાતના પણ સહન કરવા તૈયાર થાય છે. ભલે ગમે તે રીતે પહોંચી પણ ગયા, પરંતુ સૌથી મોટી કમનસીબી છે કે, એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન પરત ફરી શક્તો નથી. 

અમેરિકા રહેતા ઉત્તર ગુજરાતના એક યુવકે પોતાની આપવીતી જણાવી હતી, જે કહેતા તે રડી પડ્યો હતો. તેણે કહ્યું કે, હું વર્ષ 2011 માં 33 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા આવ્યો હતો. ગુજરાતથી દિલ્હી, અને ત્યાંથી અનેક દેશો ફરીને 45 દિવસે હું મેક્સિકો બોર્ડર પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મને પકડી લીધો હતો. આ બાદ હું 6 મહિના જેલમાં રહ્યો હતો. 6 મહિના બાદ એજન્ટોએ છોડાવીને મને ફ્લોરીડા મોકલ્યો હતો. 

આગળની વાત કહેતા તેઓ કહે છે કે, ત્યાં મેં હોટલમાં વેઈટરથી લઈને રસોઈ બનાવવાના કારીગર સુધીના બધા કામ કર્યાં. અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા શું શું ન કર્યું. 22 લાખ આપીને એક હબસી છોકરી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ પણ કર્યાં. જેના માટે 11 લાખ એડવાન્સમાં આપવાના હતા, અને બીજા 11 લાખ ગ્રીન કાર્ડ મળ્યા બાદ આપવાના હતા. પરંતુ આ વચ્ચે કોરોના આવી ગયો, ને મને ગ્રીન કાર્ડ ન મળ્યું. અત્યાર સુધી મારા 55 લાખ જેટલા ખર્ચાયા. પરંતુ છતા હું વતન આવી શક્તો નથી.

અમેરિકા ગેરકાયદે ગયેલો વ્યક્તિ અમેરિકાના રેકોર્ડ પર હોતો નથી. તેથી તેથી તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેથી તેને ઓન રેકોર્ડ રહેવા માટે શુ શું કરવુ પડતુ હોય છે. કેટલીકવાર એવા કિસ્સા પણ બન્યા છે કે, બે નંબરે ગયેલા વ્યક્તિના ગુજરાતમાં રહેતા માતાપિતાના નિધન કે ઈમરજન્સીમાં પણ તે પરત ફરી સક્તો નથી. અમેરિકા ગયેલા વ્યક્તિને કાયદેસરના નાગરિક બનવા માટે અનેક વર્ષો લાગી જાય છે. કેટલાકનું કહેવુ છે કે, આ પ્રોસેસમાં દાયકા જેટલો સમય પણ લાગી જતો હોય છે. આ માટે એજન્ટ ગેકાયદેસર રીતે ગયેલા લોકોને કાયદેસર નાગરિક બનાવવાના પણ રૂપિયા વસૂલે છે.

ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકાના મોહમાં હવે ગુજરાતીઓ મોતના રસ્તે જઈ રહ્યાં છે. ફરી એકવાર અમેરિકામાં ગુજરાતીઓની ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક ગુજરાતી પરિવારે જીવ ગુમાવ્યો છે. મહેસાણાના વિજાપુરના ચૌધરી પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્યારે તમને કહી દઈએ કે, અમેરિકામાં ઘૂસણખોરીનો આખો ખેલ જીવલેણ છે. એજન્ટો લાખો રૂપિયા લઈને ગુજરાતીઓની જિંદગી સાથે રમત રમે છે. એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે 65 લાખ રુપિયા વસૂલે છે જ્યારે ચાર લોકોની ફેમિલીનો ભાવ હાલ દોઢેક કરોડની આસપાસ ચાલે છે. ડીલ ફાઈનલ થયા બાદ એજન્ટો ક્લાયન્ટના ફેક દસ્તાવેજો તૈયાર કરે છે, અને ફાઈલ બની જાય ત્યારબાદ આ લોકોને સૌ પહેલા દુબઈ મોકલવામાં આવે છે અને ત્યારથી જ તેમની અમેરિકાની સફર શરુ થઈ જાય છે. ત્યારે કેવી રીતે ગુજરાતીઓ પહોંચે છે અમેરિકા?, કેમ ગુજરાતીઓમાં છે અમેરિકાનો આટલો બધો ક્રેઝ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news