આકરી ગરમીથી ક્યારે મુક્તિ મળશે, અંબાલાલ પટેલની આ આગાહી ખુશ કરી દેશે
Gujarat Weather Forecast : ગુજરાતના લોકોને આજે પણ કરવો પડશે કાળઝાળ ગરમીનો સામનો... મોચા વાવાઝોડાના કારણે આવતી કાલે મળશે થોડી રાહત... ગઈ કાલે સૌથી વધુ જૂનાગઢમાં નોંધાયું 44.6 ડિગ્રી તાપમાન
Trending Photos
Gujarat Weather Update : આજે પણ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે. ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી અગનભઠ્ઠી બન્યું છે. અન્ય શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
અંબાલાલ પટેલની વધુ એક આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં હજુ પણ ગરમીનો પ્રકોપ વધશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12મે થી રાજ્યમાં 44 ડિગ્રી સુધી તાપમાન પહોચશે. આ સાથે તેમણે કહ્યું કે, આજથી આંધી અને વંટોળનુ પ્રમાણ વધશે. મહત્વનું છે કે, હવામાન વિભાગે પણ રાજ્યમાં ગરમીની સાથે હીટવેવની આગાહી કરી છે. ગુજરાતમાં આ વર્ષે ઉનાળામાં પણ સતત માવઠું પડતાં ખેડૂતોને નુકશાન થયું હતું. આ તરફ હવે અંગ દઝાડતી ગરમી વચ્ચે ફરી એકવાર અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 મે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે. આ સાથે 28 મે થી 10 જૂન અરબ સાગરમાં ચક્રાવાત ઉભુ થશે તેવું ઉમેર્યું હતું. અંબાલાલ પટેલે કહ્યું કે, ગુજરાતમાં શરૂઆતનું ચોમાસુ સારું રહેશે.
મોચા વાવાઝોડું ક્યાં અસર કરશે
બંગાળીની ખાડીમાં ઉદભવેલું મોચા વાવાઝોડું આજે અને આવતી કાલે કહેર મચાવે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. ત્યારે તમામ એજન્સીઓને હાઈએલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે. તેમજ બે દિવસ પ્રવાસીઓ તેમજ માછીમારોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગલા થોડા કલાકોમાં જ વાવાઝોડું અત્યંત પ્રચંડ તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. મોચા વાવાઝોડામાં પવનની ગતિ 150થી 160 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો જે જગ્યાએ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ દરિયાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. આંદમાન નિકોબાર, બંગાળની ખાડીના વિસ્તારોમાં મોચા વાવાઝોડાની અસર વધારે જોવા મળવાની છે ત્યારે અત્યારથી જ NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી પણ બહાર પાડી છે. જેનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી છે.
- બપોરે કામ વગર બહાર ના નીકળવું
- સીધા સૂર્ય પ્રકાશના સંપર્કમાં ના આવવું
- આખુ શરીર ઠંકાય તેવા કપડા પહેરવા
- AMCના અર્બન હેલ્થ સેન્ટર પર ORSની વ્યવસ્થા કરવામાં આવી
- ACમાંથી સીધા બહાર જવાથી હીટ સ્ટ્રોકનો ખતરો છે
અને તમને હીટસ્ટ્રોક થયો છે તેના લક્ષણો શુ હશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- ગરમીની અળાઈઓ નીકળવી
- પરસેવો વધારે થવો અને અશક્તિ લાગવી
- માથાનો દુખાવો, ચક્કર આવવા
- ચામડી લાલ, સૂકી અને ગરમ થઈ જવી
- સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ લાગવી
- ઉબકા તેમજ ઊલટી થવી
એક તરફ ગરમીથી બચવા માટે કોર્પોરેશન એડવાઈઝરી બહાર પાડી છે તો બીજી તરફ ગરમીથી લોકોને તકલીફોની શરૂઆત થઈ ગઈ છે. ગરમીના કારણે ડ્રાય આઈઝીની સમસ્યા લોકોમાં વધી રહી છે. આંખોમાં ખંજવાળ આવવી, આંખોમાં કઈક ખુંચવાનો અહેસાસ થવો, આંખોમાં બળતર, આંખો લાલ થવી.. આ તમામ લક્ષણો ડ્રાય આઈઝના છે. જે ગરમીના કારણે થાય છે. થોડા દિવસોમાં ઉનાળામાં પણ ચોમાસા જેવુ વાતાવરણ સર્જાયું હતું પરંતુ હવે ફરીથી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. જે સારી વાત છે પરંતુ આ ગરમીથી બચવુ પણ એટલુ જ જરૂરી છે. જેથી કરીને આવનારા દિવસોમાં કોર્પોરેશનની એડવાઈઝરીને અમલમાં મુકવુ તે શહેરીજનો માટે હિતાવહ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે