ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે

ગીરના વન કર્મીઓ માટે સૌથી ચેલેન્જિંગ હોય છે આ કામ, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થાય છે
  • ગીરનું જંગલ પ્રવાસીઓ માટે બંધ, પરંતુ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો
  • રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળીયા સફારી પાર્કની મુલાકાતે
  • પ્રવાસન વધે અને સાસણથી પ્રવાસીઓ વિશેષ અનુભવ લઈને જાય તેવા વન વિભાગના પ્રયાસો

સાગર ઠાકર/જૂનાગઢ :હાલ ગીરનું જંગલ (gir forest) પ્રવાસીઓ માટે બંધ છે, પરંતુ દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો છે અને રજાઓને લઈને મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેવળિયા સફારી પાર્કની મુલાકાતે આવે છે. ત્યારે વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓની સુવિધા હેતુ સતત કાર્યરત રહેવું પડે છે. સીઝન મુજબ વન વિભાગને તેમની કામગીરી કરવાની રહેતી હોય છે, પ્રવાસીઓ માટે જંગલમાં પ્રવેશ હોય કે ન હોય, પરંતુ વન વિભાગને દરેક ઋતુ મુજબ પોતાની કામગીરી કરવાની રહેતી હોય છે. પ્રવાસીઓ માટે દેવળીયા સફારી પાર્ક (devalia safari park) માં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે, પ્રવાસન વધે અને સાસણથી પ્રવાસીઓ વિશેષ અનુભવ લઈને જાય તેવા વન વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

એશિયાટીક સિંહો (Asiatic lion) ને કારણે સાસણ ગીરનું નામ રાજ્ય કે દેશ નહિ પરંતુ વિશ્વ ફલક પર અંકિત થઈ ગયું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં સિંહદર્શન માટે આવે છે. હાલ પ્રાણીઓનો પ્રજનનકાળ ચાલતો હોય જંગલમાં પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ છે. પરંતુ વન વિભાગના સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લા છે અને રજાઓ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં મુલાકાત કરતાં હોય છે, ત્યારે અહીં આવનાર પ્રવાસી એક અલગ જ અનુભવ લઈને જાય અને સાસણ ગીરની એક સુવર્ણ યાદ રહે તેવા વન વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

સાસણ ગીર સિંહો (gir lions) માટે જગ વિખ્યાત છે અને દરેક સિઝનમાં પ્રવાસીઓ અહીં આવતાં હોય છે. અહીં દરેક સીઝન મુજબ વન વિભાગની કામગીરી પણ અલગ અલગ રહેતી હોય છે, સવારે જ્યારે પ્રવાસીઓ સફારીમાં પ્રવેશ કરે તે પહેલાથી જ વન વિભાગની કામગીરી શરૂ થઈ જાય છે. પ્રવાસીઓ આવે તો તેમની ટિકિટ બુકીંગ કરવી, જો કોઈએ ઓનલાઈન બુકીંગ કરાવ્યું હોય તો તે બુકિંગ કન્ફર્મ કરવું વગેરે શરૂઆતી કામગીરી એક તરફ ચાલતી હોય ત્યારે બીજી તરફ સૌથી મોટું ચેલેન્જિંગ કામ પ્રાણીઓના લોકેશન મેળવવાનું છે. ટ્રેકરો અને બીટ ગાર્ડ જંગલમાં સતત પ્રાણીઓના લોકેશન મેળવે છે અને તે મુજબ પ્રવાસીઓના રૂટ નક્કી કરવામાં આવે છે. જેથી આવનાર પ્રવાસીને નિરાશા ન મળે અને તેમને પુરતાં પ્રમાણમાં પ્રાણીઓ જોવા મળે.

પ્રવાસીઓ (tourists) ની સુવિધા હેતુ સાઈન બોર્ડ ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. બુકિંગ થઈ ગયા બાદ પ્રવાસીઓને તેમની નિયત રૂટની બસમાં બેસાડવામાં આવે છે. તાજેતરમાં આધુનિક એસી ગ્લાસ ટુરિસ્ટ બસો પણ મુકવામાં આવી છે. તેમાં પણ પ્રવાસીઓ આકાશી નજારો માણી શકે છે.

ચોમાસા દરમિયાન ગીર જંગલનો એક અલૌકિક નજારો (gujarat tourism) જોવા મળે છે, ચારે તરફ હરિયાળી નજરે પડે છે અને પ્રાકૃતિક વાતાવરણમાં મુક્ત રીતે વિહરતાં પ્રાણીઓ જોવાનો લ્હાવો પ્રવાસીઓ માણી શકે છે. સાસણ ગીર આવ્યા પછી પ્રવાસીઓ નિરાશ ન થાય અને એક આલ્હાદક અનુભવ તેઓ લઈને જાય તે માટે વન વિભાગ પૂરતા પ્રયાસો કરે છે. આ માટે એક ઈકો ટુરીઝમ વિકસી રહ્યું છે અને પ્રવાસન થકી અર્થતંત્રને વેગવંતુ કરવાનો સરકારનો આ પ્રયાસ છે. સાથે જ વન વિભાગનો પણ એ પ્રયાસ છે કે પ્રવાસી એક વિશેષ અનુભવ લઈને જાય અને હાલની ઉપલબ્ધ સુવિધાઓને કારણે વન વિભાગને તેમાં સફળતા પણ મળી છે તેવું સાસણ ગીરના ડીસીએફ ડો.મોહન રામે જણાવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news