ગુજરાતનું આ સ્થળ જોવા માટે માત્ર ભારતીયો જ નહીં, વિદેશીઓ પણ કરે છે પડાપડી, મુલાકાતીઓની સંખ્યામાં નંબર 1
ગુજરાતમાં પ્રાચીન ધરોહરોનો અમૂલ્ય ખજાનો છે. જેને જોવા અને જાણવા માટે લોકો ખુબ આતુર રહેતા હોય છે. ગુજરાતના જે ઐતિહાસિક ધરોહર જેવા પ્રવાસન સ્થળોમાંથી લોકોને કયા વધારે ગમે છે તો તેની જે જાણકારી સામે આવી છે તે જાણવા જેવી છે.
Trending Photos
ગુજરાતમાં પ્રવાસન સ્થળોની લાંબી ભરમાર છે. ફરવા માટે તમને ઐતિહાસિક, ધાર્મિક, કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા અનેક પ્રવાસન સ્થળો જોવા મળશે જેના પર દરેક ગુજરાતીને ગર્વ થઈ જાય. જો કે એમ વિચારીએ કે ગુજરાતના જે ઐતિહાસિક ધરોહર જેવા પ્રવાસન સ્થળોમાંથી લોકોને કયા વધારે ગમે છે તો તેની જે જાણકારી સામે આવી છે તે જાણવા જેવી છે.
આ સ્થળને જોવા લોકોની પડાપડી
ગુજરાતમાં પ્રાચીન ધરોહરોનો અમૂલ્ય ખજાનો છે. જેને જોવા અને જાણવા માટે લોકો ખુબ આતુર રહેતા હોય છે. આવું જ એક સ્થળ છે મોઢેરાનું સૂર્યમંદિર. શિલ્પ અને સ્થાપત્યની રીતે કળાનો બેજોડ નમૂનો ગણાતું આ સૂર્યમંદિર હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે અને યુનેસ્કો દ્વારા વર્ષ 2022માં વર્લ્ડ હેરિટેજ સાઈટ ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કર્યું તેના એક જ વર્ષમાં અહીં પર્યટકોની સંખ્યામાં લગભગ 68 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ રાજ્યના કેન્દ્રીય પુરાતત્વ વિભાગના હસ્તક જે પ્રાચીન સ્મારકો છે તેમાં પર્યટકોની રીતે જોઈએ તો તે કૂદકો મારીને ત્રીજા નંબરેથી હવે પહેલા નંબરે પહોંચી ગયું છે.
કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયે તાજેતરમાં ઈન્ડિયા ટુરિઝમ સ્ટેટેસ્ટિક્સ 2023 આંકડા જાહેર કરેલા જે મુજબ વર્ષ 2022-23માં સૂર્યમંદિર જોવા માટે 3.79 લાખ લોકો જેમાં 24160 વિદેશી પર્યટકો પણ સામેલ છે, જ્યારે વર્ષ 2021-22માં 2.24 લાખ ભારતીય પર્યટકો (603 વિદેશી પર્યટકો) આવ્યા હતા.
બીજા નંબરે આ વાવનું નામ
ત્યારબાદ જે સ્થળનું નામ આવે છે તે છે અમદાવાદને અડોઅડ આવેલી અડાલજની વાવ. આંકડા મુજબ આ વાવને જોવા માટે વર્ષ 2022-23માં 3.69 લાખ પર્યટકો (4837 વિદેશી પર્યટકો) આવ્યા હતા. જ્યારે 2021-22માં 2.67 લાખ પર્યટકો (522 વિદેશી પર્યટકો)એ મુલાકાત લીધી હતી.
ત્રીજા નંબરે રાણકી વાવ
પાટણમાં આવેલી રાણકી વાવને જોવામાં પણ પર્યટકોની ઉત્સુકતા જોવા મળી છે. વર્ષ 2021-22માં 2.68 લાખ પર્યટકો (2247 વિદેશી પર્યટકો) અને વર્ષ 2022-23માં 3.51 લાખ મુલાકાતીઓ (228 વિદેશી પર્યટકો) આવ્યા હતા.
આ ઉપરાંત પ્રવાસીઓની સંખ્યાને ધ્યાનમાં લેતા ચોથા નંબરે ચાંપાનેર પાવાગઢ, પાંચમા નંબરે જૂનાગઢ અશોક શિલાલેખ, છઠ્ઠા નંબરે જૂનાગઢની પ્રાચીન ગુફાઓ, સાતમાં નંબરે જૂનાગઢની બૌદ્ધ ગુફાઓ, સામેલ છે. આંકડાની રીતે જોઈએ તો ગુજરાત આવનારા પ્રવાસીઓમાંથી 94 ટકા જેટલા મોઢેરા, પાટણ અને અડાલજની મુલાકાતે જાય છે. ગુજરાતમાં ટિકિટવાળા જે 7 ઐતિહાસિક સ્મારકો છે તેની મુલાકાત લેનારાઓની સંખ્યા જોઈએ તો ભારતીય પર્યટકોની સંખ્યામાં 41.84 ટકાનો જ્યારે વિદેશી પર્યટકોની સંખ્યામાં 2196 ટકાનો વધારો નોંધાયો છે. 2021-22માં 8.22 લાખની સામે 22-23માં 11.67 લાખ ભારતીયો ગુજરાતની આ ધરોહરોની મુલાકાત લીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે