Gujarat Results 2022: બાયડમાં ધવલસિંહની જીત, વાઘોડિયામાં અપક્ષ ધર્મેન્દ્ર સિંહ વાઘેલા તો કુતિયાણામાં કાંધલનો જલવો
Gujarat Assembly Election Result 2022: ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભલે મોટી જીત મેળવીને ઈતિહાસ રચી રહી હોય પરંતુ કેટલીક સીટો પર અપક્ષ ઉમેદવારો પણ જીત મેળવવામાં સફળ રહ્યાં છે.
Trending Photos
અમદાવાદઃ ગુજરાત વિધાનસભની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. ભારતીય જનતા પાર્ટી નવો રેકોર્ડ બનાવી સત્તામાં વાપસી કરી રહી છે. કોંગ્રેસનું ગુજરાતના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન થઈ રહ્યું છે. તો આમ આદમી પાર્ટી સામે પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં તેવો ઘાટ સર્જાયો છે. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં માંડ પાંચ સીટો મળી રહી છે. તો ત્રણ સીટ પર ઉમેદવારો પોતાની ક્ષમતાથી જીતી ગયા છે. જેમાં બાયડથી ધવલસિંહ ઝાલાએ અપક્ષમાંથી વિજય મેળવ્યો છે. તો પોરબંદરની કુતિયાણા સીટથી કાંધલ જાડેજાએ જીત મેળવી છે. તો વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી છે.
અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પર ધવલસિંહનો જલવો
ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલાએ બળવો કર્યો હતો. તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો. ધવલસિંહ ઝાલાને ભાજપે સસ્પેન્ડ પણ કરી દીધા હતા. પરંતુ હવે ચૂંટણી પરિણામ સામે આવ્યું તેમાં ધવલસિંહ ઝાલાની શાનદાર જીત થઈ છે. ધવલસિંહ ઝાલા 6100 મતે જીત્યા છે. જીત બાદ ધવલસિંહે કહ્યુ કે, આ વિજય મારા મતદારાનો છે. 5 વર્ષ પ્રજા વચ્ચે રહ્યો તેનું ફળ મને મળ્યું છે. આ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક હતી, જેમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર વાઘેલાની હાર થઈ છે.
વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત
આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ઘણા પૂર્વ ધારાસભ્યોની ટિકિટ કાપી હતી. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ ભાજપે કાપી હતી. પરંતુ આ બેઠક પર મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્ર સિંહ વાઘેલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. હવે ચૂંટણી પરિણામમાં વાઘોડિયાની બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે. જીત બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યુ કે, ભાજપમાં જોડાવાનો નિર્ણય મારા મતદારો કરશે. તેમણે કહ્યું કે, વાઘોડિયા વિસ્તારને પછાત રાખવામાં આવ્યો છે, હવે હું તેનો વિકાસ કરીશ.
કુતિયાણામાં ચાલ્યો કાંધલ જાડેજાનો જાદૂ
કુતિયાણાની બેઠક પર દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા કાંધલ જાડેજાએ ફરી જીત મેળવી છે. અહીં કાંધલની સામે ભાજપના ઢેલીબેન મેદાનમાં હતા. કાંધલ જાડેજા આ પહેલા એનસીપીની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. પરંતુ આ વખતે કોંગ્રેસ-એનસીપીના ગઠબંધનમાં કુતિયાણાની સીટ કોંગ્રેસના ફાળે જતા કાંધલ જાડેજાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. હવે કાંધલ જાડેજાએ 26631 મતે જીત મેળવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે