ગણેશ વિસર્જન માટે ગુજરાત પોલીસનો નવતર પ્રયોગ, જાણો શુ છે નવો આઇડિયા
શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીને પ્રદુષિત થતી રોકવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ શરુ કર્યો છે.
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીને પ્રદુષિત થતી રોકવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ શરુ કર્યો છે. અને હવે આ નવતર પ્રયોગના અમલ માટે પોલીસ ગણેશ પંડાલોના આયોજકો સાથે બેઠક કરી રહી છે. અમદાવાદ સીટી પોલીસ દ્વારા નદીમાં પ્રદુષણ કેવી રીતે રોકી શકાય તે સમજાવવા સાથે ગણેશ વિસર્જનનો ઉપાય પણ સમજાવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે ગણેશ વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુત્રિમ કુંડ બનાવ્યા છે. પરંતુ હવે અમદાવાદ પોલીસ પણ જળ પ્રદુષણ રોકવા માટે આગળ આવી છે. પોલીસે હવે સ્થળ પર જ દુંદાળા દેવનું વિસર્જન થાય તે માટેનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અને આ નવતર પ્રયોગ દ્વારા પાણી બચત સાથે પાણી પ્રદુષણ રોકી શકાય તે ઉદેશ્ય સાથે પંડાલોના આયોજક સાથે ચર્ચા કરી છે.
પંડાલમાં જ વિસર્જનનો અનોખો આઇડિયા
અમદાવાદમાં દર વર્ષે હજારોની સંખ્યામાં ગણેશ મહોત્સવનું આયોજન થાય છે. અને વિસર્જન સમયે મોટી મોટી પીઓપીની મુર્તિઓનું વિસર્જન સાબરમતી નદીમાં કરવામાં આવે છે. જેના પગલે પાણી પ્રદુષણ થવાની સાથે સાથે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. સાથે વિસર્જન સમયે મોટી મુર્તિઓના વિસર્જન માટે તંત્રએ ક્રેનની પણ વ્યવસ્થા કરવી પડે છે. જેને લઈ પોલીસે આ વર્ષથી નવા પ્રયોગ સાથે ધાર્મિક મહાત્મય જળવાઈ રહે તે હેતુથી સ્થળ વિસર્જનનો મેસેજ લોકો સુધી પહોંચાડ્યો છે.
આયોજકો પણ આપશે સહકાર
ગણેશ મહોત્સવની ઉજવણીના મહત્વ સાથે લોકોમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાની જાગૃતિતો આવી જ છે. પરંતુ ગણેશ પંડાલોના આયોજકોએ પણ નદીમાં થતું પ્રદુષણ રોકવા જાગૃત થવું પડશે એ વાત પણ નિશ્ચિત છે, અને એટલે જ પોલીસના આ નવતર પ્રયોગમાં વધુને વધુ પંડાલ આયોજકો સ્થળ વિસર્જનમાં સહકાર આપવા માટે અમદાવાદ પોલીસે અપીલ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે