મહાસંમેલન માટે રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદ

Rajput Maha Sammelan : પરશોત્તમ રૂપાલાના વિરોધમાં રાજકોટમાં આજે ક્ષત્રિયોનું મહાસંમેલન.. હજારોની સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં રહેશે ઉપસ્થિત.. 250થી વધુ પોલીસ જવાનો રહેશે તૈનાત... તે પહેલા ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા જઈ રહેલા કરણી સેનાના શિલાદેવી ગોગામેડીની અટકાયત....અરવલ્લીમાં રતનપુર બોર્ડર નજીક સુખદેવસિંહ ગોગામેડીની પત્નીને કરાયા નજર કેદ....મહાસંમેલન પૂર્ણ થાય ત્યાં સુધી રખાશે નજરકેદ....
 

મહાસંમેલન માટે રાજસ્થાનથી આવતા રાજપૂતોને બોર્ડર પર અટકાવાયા, કરણી સેનાના શિલાદેવી ગોગામેડીને કરાયા નજર કેદ

Parsottam Rupala : રાજપૂતો આજે ઈતિહાસ સર્જવા જઈ રહ્યાં છે. રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવાની માંગ સાથે રાજપૂત સમાજ મક્કમ છે. આજે રાજકોટના રતનપરમાં લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એકઠા થશે. પદ્માવત ફિલ્મના વિરોધ બાદ દેશમા ફરીથી રાજપૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય રાજ્યોથી રાજપૂતો રાજકોટ આવવા નીકળી ગયા છે. ત્યારે રાજકોટમાં રાજપૂતોના મહા સંમેલનની તૈયારીઓ વચ્ચે મોટી ઘટના બની છે. રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. હાલ મહા સંમેલનને પગલે બોર્ડર પોલીસ એક્ટિવ બની છે. બહારના રાજ્યથી આવનારા રાજપૂતો આગેવાનોની અટકાયત કરવામાં આવી રહી છે. 

1300 બસ અને 4600 ફોરવહીલ સાથે રાજકોટમાં એન્ટ્રી
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીથી ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. આગામી 16 તારીખના પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવે તે પહેલાં જ રાજકોટનું ક્ષત્રિય અસ્મિતા સંમેલન ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. હવે આ લડાઈ પરસોતમ રૂપાલા VS ક્ષત્રિય સમાજ ન રહીને ક્ષત્રિય VS ભાજપ થવા જઈ રહી છે. આ વિવાદ ચરમસીમાથી વટીને હવે પ્રતિષ્ઠાના જંગ સુધી આવી ગયો છે. બન્ને પક્ષેથી કોઈ નમતુ જોખવા તૈયાર નથી. ઉલ્ટાનું હવે તો લડી લેવાના મુડમાં છે. બીજીબાજુ ક્ષત્રિયોનું આંદોલન કરવામાં આક્રમક બનતુ જાય છે. ગામોગામ વિરોધાત્મક કાર્યક્રમ આપીને અટકાયત વહોરવા લાગ્યા છે. આવતીકાલે લડતની દેશવ્યાપી લડાયક રણનીતિ ઘડવા માટે ભારતભરમાંથી કરણી સેના અને ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન રતનપર મંદિર નજીક બોલાવવામાં આવી છે. લાખોની સંખ્યામાં ક્ષત્રિયો આ મહાસભામાં ઉમટી પડવાના છે. સાંજે 5 વાગ્યે મહાસભા રાખવામા આવી છે. રાજ્યભરમાંથી 1300 બસ અને 4600 ફોરવહીલ સહિતના વાહનોમાં ક્ષત્રિયો રાજકોટ આવવા રવાના પણ થઇ ગયા હોવાનું સંમેલનના આયોજકોમાંથી જાણવા મળ્યું છે. મહાસભા માટે સંબંધિત ડિપાર્ટમેન્ટની મંજૂરી ૫૦ હજાર લોકોની માગવામા આવી છે પરંતુ ધારણા એવી છે કે, ૨ લાખથી વધુ ક્ષત્રિયો સભામાં આવશે તેવુ માનવામા આવે છે.

4 વાગ્યાથી શરૂ થશે મહા સંમેલન
રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનને મંજૂરી મળી ગઈ છે. આજે રતનપર ખાતે રવિવારના રોજ યોજાનાર મહાસંમેલનને મંજૂરી મળતા જ ધમધમાટ શરૂ થઈ ગયો છે. રમજુભા જાડેજાએ રાજકોટ શહેર પોલીસ પાસેથી મંજૂરી માંગી હતી. મહાસંમેલનનો સમય સાંજના 4થી રાત્રિના 8 વાગ્યા સુધીનો રહેશે. જેમાં અંદાજિત લાખથી વધુ ક્ષત્રિય સમાજના લોકો એકત્રિત થશે. 

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જ અટકાયત
રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા રાજસ્થાનથી પણ લોકો આવી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. રાજસ્થાનથી અરવલ્લી થઈને ગુજરાત પ્રવેશતા શિલાદેવી સુખદેવ સિંહ ઘોઘામેડીને પોલીસે નજરકેદ કર્યાં છે. જયપુરથી રાજકોટ જતા રતનપુર પાસે શિલાદેવીની અટકાયત કરાઈ છે. શિલાદેવી મૃતક સુખદેવ સિંહ ઘાઘામેડીના પત્ની છે. કરણી સેનાના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખના પત્નીને રાજકોટ કાર્યક્રમ પૂર્ણ થાય સુધી નજરકેદ રખાશે. અરવલ્લી પોલીસ બોર્ડર વિસ્તારમાં સક્રિય બની છે. ખાનગી રીતે ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામા આવી રહી છે. 

વલસાડથી રાજકોટ જવા રવાના
વલસાડ જિલ્લા ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ ખાતે જવા રવાના થયા છે. વલસાડ જિલ્લામાં વસતા યુપી, બિહાર, રાજસ્થાન, રાજપૂત સમાજના લોકો અલગ અલગ ટીમ બનાવી રાજકોટ જવા રવાના થયા છે. રાજકોટ ખાતે યોજાનાર ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં જવા માટે ક્ષત્રિય સમાજ ની 17 જેટલી ટિમ વલસાડથી રવાના થઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news