છાતી ઠોકીને ફરતા ગુજરાતના સિંઘમો પાસે દિલ છે કે નહિ! ગરીબ મહિલાને પતિના મૃતદેહ માટે 24 કલાક બેસાડી રાખી

Gujarat Police : સુરતમાં પોલીસે માનવતા ગુમાવી, મૃતકની પત્ની ચાર મહિનાની દીકરી સાથે પતિના મૃતદેહની રાહ જોતી રહી, 24 કલાક વીતી ગયા છતાં મૃતદેહ ન મળ્યો

છાતી ઠોકીને ફરતા ગુજરાતના સિંઘમો પાસે દિલ છે કે નહિ! ગરીબ મહિલાને પતિના મૃતદેહ માટે 24 કલાક બેસાડી રાખી

Surat Police પ્રશાંત ઢીવરે/સુરત : પિંજરે કે પંછી રે, તેરા દર્દ ન જાને કોઈ... વિતેલા જમાનાની બોલિવુડ ફિલ્મનું આ એક ગીત છે. આવી હાલત આજે ગરીબોની છે. સુરતથી એક એવો દર્દનાક કિસ્સો સામે જેને વાંચીને આંખો આસુંથી છલકાઈ જશે, પરંતુ ગુજરાત પોલીસના જવાનોનું પેટનું પાણી ન હલ્યું. પોલીસ જાણે માનવતા ભૂલી ગઈ હોય, તેમ એક ગરીબ વિધવાની લાચારી પણ ન દેખાઈ. પત્ની ચાર માસની દીકરી સાથે પતિના મૃતદેહને લેવા માટે રાહ જોઈને 24 કલાક બેસી રહી, પણ સુરત પોલીસના જવાનોએ મૃતદેહ આપવાની તસ્દી પણ ન લીધી. 

‘સાહેબ અમારે મૃતદેહ લઈને દૂર જવાનું છે હવે તો સાંજ થવા આવી છે...’ ચાર મહિનાની દૂધ પીતી દીકરીને હાથમાં લઈને એક ગરીબ મહિલાએ જ્યારે આવું કહ્યું ત્યારે તેને જવાબ મળ્યો, કે, ‘પોલીસ સ્ટેશનમાં સ્ટાફ નથી આવે ત્યારે મોકલી આપીશું.’ પોસ્ટમોર્ટમ માટે સરથાણા પોલીસનો ઉડાઉ જવાબ મળતાં પરિવાર હેરાન પરેશાન થઈ ગયો હતો. ભર બપોરે ગરમીમાં પતિનો મૃતદેહ જોવા માટે પત્ની 4 માસના બાળકને લઈને પોલીસની રાહમાં બેસી રહી હતી.

મૂળ આસામના વતની 22 વર્ષીય નઝરઅલી સુકરઅલી હાલ સુરતના સાયણ ખાતે આદર્શ સોસાયટીમાં પત્ની તેમજ 4 માસના બાળક સાથે રહેતો હતો. નઝરઅલી સાયણમા કાપડ મિલમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મંગળવારે નઝરઅલી તેના ઉમરઅલી નામના મિત્ર સાથે બાઇક ઉપર ઈદની ખરીદી કરવા માટે સુરત આવ્યો હતો. ખરીદી કરીને બંને મિત્રો બાઇક લઈને ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન સરથાણા પોલીસ મથકની હદમાં આવતા ડાયમંડ નગર પાસે BRTS રેલીંગ સાથે તેઓની બાઇક અથડાઈ હતી. જેમાં ઉમર અલીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. 

નઝરઅલીને ગંભીર રીતે જાઓ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે તેનું મોત નિપજ્યું હતું. જેથી સિવિલ પોલીસ ચોકીથી સરથાણા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. 

નઝરઅલીની પત્ની તેની ચાર મહિનાની દીકરીને લઈને પતિના મૃતદેહ લેવા માટે નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પરંતુ સરથાણા પોલીસને જાણ કરવાના 22 કલાક સુધીનો સમય વિતી ગયો હતો. તેમ છતાં પોલીસ સ્ટેશનથી કોઈ પોલીસ કર્મી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ન હતો. અકસ્માતનો બનાવ હતો જેથી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવુ પણ જરૂરી હતું. જેથી પતિના મૃતદેહને જોવા માટે નઝરઅલીની પત્ની તેના 4 માસના બાળકને લઈને બપોરે ગરમીમાં પોલીસની રાહ જોઇને બેઠી હતી. 

મહત્વની વાત એ છે કે પોલીસની રાહ જોવામાં કલાકો વિતી ગયા હતા. તેમ છતાં કોઈ પોલીસ આવ્યા ન હતા. સરથાણા પોલીસ સ્ટાફ ન હોવાનું જણાવી ને ઉદાવ જવાબ આપતા મૃતકના પરિવારજનો પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

શું આ જ છે ગુજરાત પોલીસની માનવતા. છાતી ઠોકીને ફરતા ગુજરાતના સિંઘમો પાસે દિલ છે કે, અને જો દિલ છે તો તે ધડકે છે નહિ. સુરતની આ ઘટના બતાવે છે કે, ગુજરાત પોલીસના સિંઘમોના દિલ પત્થરના થઈ ગયા છે. ગરીબનું દર્દ છલકાઈ ગયું, પણ પોલીસની માનવતા મરી પરીવારી. ગરીબ પરિવારને બદલે હાલ કોઈ ઉદ્યોગપતિ કે નેતાનો દીકરો હોત તો આખી પોલીસ ફૌજ હાજર હોત અને દોડતી થઈ હોત.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news