PM Modi એ ભરૂચમાં મુલાયમ સિંહને યાદ કરતાં કહ્યું તેમના આર્શિવાદ અને સલાહના બે શબ્દો મારી અમાનત છે

PM Modi Gujarat Visit: તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવજીનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. મુલાયમ સિંહજીની વિશેષતા રહી છે કે 2013 માં તેમણે મને જે આર્શિવાદ આપ્યા હતા તેમાં ક્યારેય પણ ઉતાર-ચઢાવ આવવા ન દીધો.

PM Modi એ ભરૂચમાં મુલાયમ સિંહને યાદ કરતાં કહ્યું તેમના આર્શિવાદ અને સલાહના બે શબ્દો મારી અમાનત છે

PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસમાં છે. પીએમ મોદી આજે ભરૂચમાં 9 હજાર 460 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું હતું. અને ભાષણની શરૂઆતમાં મુલાયમ સિંહ યાદ કરતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને જૂના યાદોને વાગોળી હતી. 

તેમણે કહ્યું હતું કે મુલાયમસિંહ યાદવજીનું જવું દેશ માટે એક મોટી ક્ષતિ છે. મુલાયમ સિંહની સાથે મારો નાતો વિશેષ પ્રકારનો રહ્યો છે. જ્યારે અમે મુખ્યમંત્રીના રૂપમાં મળતા હતા. તે અને હું બંને એકબીજા પ્રત્યે પોતાનાપણાનો ભાવ અનુભવતા હતા. 2014 માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મને દેશના પ્રધાનમંત્રી પદ માટે આર્શિવાદ આપ્યા ત્યારે મેં વિપક્ષમાં પણ જે લોકો હતા જેમની સાથે મારો પહેલાંથી પરિચય હતો. એવા મહાનુભવો જે દેશના વરિષ્ઠ રાજકીય નેતાઓ હતા. રાજકીય રીતે અમારા વિરોધી હતા પરંતુ મેં ફોન કરીને આર્શિવાદ લીધા. અને મને યાદ છે તે દિવસે મુલાયમ સિંહના તે આર્શિવાદ કેટલાક સલાહના બે શબ્દો આજે પણ મારી અમાનત છે.

મુલાયમ સિંહજીની વિશેષતા રહી છે કે 2013 માં તેમણે મને જે આર્શિવાદ આપ્યા હતા તેમાં ક્યારેય પણ ઉતાર-ચઢાવ આવવા ન દીધો. તે રાજનિતી વિરોધી વાતો વચ્ચે પણ જ્યારે 2019 માં પાર્લામેન્ટનું અંતિમ સત્ર હતું ત્યારે સંસદની અંદર મુલાયમ સિંહ જેવા નેતાએ ઉભા થઇને પાર્લામેન્ટ જે વાત કહી હતી તે કોઇ રાજકીય નેતાના જીવનના સૌથી મોટા આર્શિવાદ હતા. તેમણે સંસદમાં કહ્યું હતું કે મોદીજી બધાને સાથે લઇને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે 2019માં તે ફરીથી દેશના વડાપ્રધાન ચૂંટાઇને આવશે. જ્યાં સુધી તે જીવતા રહ્યા ત્યાં સુધી તેમના આર્શિવાદ મળતા રહ્યા. આજે હું ગુજરાતની ધરતી પર આદરણીય મુલાયમ સિંહજીને નર્મદાના તટેથી ભાવભિની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું. તેમના સમર્થકોને આ દુખ સહન કરવાની શક્તિ આપે. 

અત્યારે એવા સમયે ભરૂચ આવ્યો છું જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આઝાદીના 75 વર્ષની સાથે અમૃતકાળની શરૂઆત થઈ છે, તેમ ગુજરાતના યુવાનો માટે સ્વર્ણિમકાળની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતના અનેક જિલ્લાઓ આજે કોસ્મોપોલિટન બની ગયા છે. આજે ગુજરાત નવું, બદલાયેલું અને એક મોટી ઊંચાઈ ઉપર કૂદકો મારવા માટે થનગની રહ્યું છે. ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. એક જમાનામાં ભરૂચ માત્રને માત્ર ખારી સિંગ માટે ઓળખાતું હતું, આજે તેનો ઉદ્યોગ-ધંધા, વેપારમાં જયજયકાર થઇ રહ્યો છે. ગુજરાતે આજે એટલી બધી પ્રગતિ કરી છે કે, રાજ્યના અનેક જિલ્લા કોસ્મોપોલિટન બની ગયા છે. આખા દેશને પોતાની સાથે પ્રેમથી સમાવેશ કરી સાથે રાખતા થઇ ગયા. 

એક રાજ્યમાં જેટલાં ઉદ્યોગો હોય તેના કરતા વધારે ઉદ્યોગો આપણાં ભરૂચમાં છે. ભરૂચ વડોદરા-સુરત એરપોર્ટ પર નિર્ભર રહી ન શકે, ભરૂચનું પોતાનું એરપોર્ટ હોવું જોઇએ. જેથી આજે અંકલેશ્વરમાં એરપોર્ટ બનાવવાનો શિલાન્યાસ કરવામાં આવ્યો. નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકારમાં એરપોર્ટનું  કામ પણ તેજ ગતિમાં પૂર્ણ થશે અને વિકાસ પણ તેજ બનશે.

તેમણે આગળ કહ્યું હતું કે વિકાસ માટે નીતિ અને નિયત બંને સારી હોવી જોઇએ. નીતિ ગમે તેટલી સારી હોય તો નિયત ખરાબ હોય તો બધુ ખાડે જાય. આજે કાયદો વ્યવસ્થાના કારણે ભરૂચની જનતા સુખ-શાંતિથી જીવી રહી છે. તમે મને સેવા કરવાની તક આપી, અમે એક-એક સમસ્યાને પકડતા ગયા, તાણાવાણા ઉકેલતા ગયા, રસ્તા શોધતા ગયા અને સ્થિતિ બદલતા ગયા.

પ્રધાનમંત્રીએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે કેટલાક બદઇરાદા ધરાવનારા લોકોએ ભરૂચમાં વિકાસના માર્ગમાં અવરોધ ઉભો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જ્યારે અમે 2014માં સત્તામાં આવ્યા અને ગુજરાતને નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન શક્તિનો અનુભવ થયો, ત્યારે તમામ અવરોધોને હટાવી દેવામાં આવ્યા હતા.” પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમના વિકાસ કાર્ય દરમિયાન શહેરી નક્સલીઓ દ્વારા ઊભા કરવામાં આવેલા અવરોધો તરફ સૌનું ધ્યાન દોર્યું હતું. 

પ્રધાનમંત્રીએ ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં નકસલવાદીઓના ફેલાવાનો ઉલ્લેખ કરીને, ગુજરાતના આદિવાસી સમુદાયોની પ્રશંસા કરી હતી જેમણે ગુજરાત રાજ્યમાં નક્સલીઓને ફેલાવા દીધા નથી અને નક્સલીઓના ત્રાસથી ગુજરાતની જનતાનો જીવ બચાવીને રાખ્યો છે. શહેરી નકસલીઓ રાજ્યમાં કોઇપણ પ્રકારે પગદંડો જમાવી શકે છે તે અંગે પ્રધાનમંત્રીએ સૌને ચેતવ્યા હતા. 

તેમણે કહ્યું હતું કે, વિજ્ઞાન અને ગણિતનું સારું શિક્ષણ સુનિશ્ચિત કર્યા વગર, સરકારના પ્રયાસોને કારણે સકારાત્મક પગલાં અને અન્ય યોજનાઓનો યોગ્ય લાભ મેળવવો શક્ય નથી. આજે આદિવાસી યુવાનો પાયલોટની તાલીમ મેળવી રહ્યા છે અને ડૉક્ટર, વૈજ્ઞાનિક તેમજ વકીલો બની રહ્યા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આદિવાસી સમુદાયે રાજ્ય અને દેશના વિકાસની સફરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમના યોગદાનને બિરદાવવા માટે સરકારે, શૌર્યવાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓની સ્મૃતિમાં, સમગ્ર દેશમાં આદિવાસી સમુદાયો દ્વારા પૂજનીય છે તેવા ભગવાન બિરસામુંડા જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે સમર્પિત કર્યો છે.

પોતાના સંબોધનનું સમાપન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ અમદાવાદ અને ગાંધીનગરની જેમ વિકાસના ટ્વીન સિટી મોડલના આધાર પર થઇ રહ્યો છે. અંતમાં તેમણે કહ્યું હતું કે, “લોકો ભરૂચ અને અંકલેશ્વર વિશે એવી રીતે વાત કરી રહ્યા છે કે, જાણે તેઓ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની વાત કરતા હોય.”

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news