PM મોદીએ કહ્યું બધુ દિલ્લીથી નહીં થાય, અમુક કામ લોકલ લેવલ પર મેયરોએ કરવા પડશે

PM મોદીએ કહ્યું બધુ દિલ્લીથી નહીં થાય, અમુક કામ લોકલ લેવલ પર મેયરોએ કરવા પડશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાજપ છેલ્લાં 27 વર્ષથી સતત ગુજરાતમાં શાસનની ધુરાં સંભાળી રહ્યું છે. અને આવખતે પણ પોતાની સત્તા જાળવી રાખવા માટે ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગેલું છે. જેના ભાગરૂપે ભાજપ દ્વારા ગુજરાતમાં બે દિવસીય રાષ્ટ્રીય મેયર કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પણ ઉપસ્થિતિ રહીને વિવિધ પાસાઓ પર વાત કરી હતી. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપીને મેયરોએ શું કામગીરી કરવી જોઈએ તેની શીખ આપી હતી.

આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ મેયરોને એવી પણ ટકોર કરી હતીકે, બધુ દિલ્લીથી ન થઈ શકે, અમુક કામ લોકલ લેવલ પર મેયરોએ, સ્થાનિક તંત્ર અને રાજ્ય સરકારોએ પણ કરવાના હોય છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, એક સમય અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં મેયર તરીકે સરદાર પટેલ બેસતા હતાં. બાદમાં તેઓ દેશના નાયબ પ્રધાનમંત્રી પણ બન્યાં. તેમણે અમદાવાદ માટે ઘણાં કામો કર્યાં છે. ત્યારે ભાજપના મેયરોએ આ વારસો જાણવી રાખવાનો છે. ભાજપના મેયરોનું કામ બીજા કરતા અલગ તરી આવવું જોઈએ. 

પ્રધાનમંત્રી મોદીએ ભાજપના મેયરોને કયા-કયા કામ કરવાની સલાહ આપી?
1) PM મોદીએ કહ્યુંકે, મેયર એ શહેરનો વડો હોય છે શહેરની સુખાકારી અને શાંતિની જવાબદારી મેયરની હોય છે. 
2) શહેરમાં ક્યાંય કોઈ ગંદકી ન થાય સરકારી પ્રોપર્ટીને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન પણ મેયરે રાખવું જોઈએ.
3) મેયરે સતત શહેરના વિકાસને આર્થિક વિકાસ સાથે કઈ રીતે જોડી શકાય તેની ચિંતા અને ચિંતન કરવું જોઈએ.
4) જૂની ઈમારતો પડી ન જાય તેનાથી કોઈ અકસ્માત ન થાય તેની તકેદારી પણ મેયરે રાખવી જોઈએ.
5) બિલ્ડિંગોમાં આગના બનાવો વધી રહ્યાં છે. ત્યારે બિલ્ડીંગમાં આગના બનાવો ન બને તેની તકેદારી પણ રાખવી જોઈએ. તેના કારણોના મૂળ સુધી પહોંચીને સમસ્યાનું નિદાન કરવું જોઈએ.
6) મેયરે પોતાના શહેનો જન્મદિવસ ઉજવીને તે અંગે લોકોને જાગૃત કરવા જોઈએ.
7) દરેક શહેરમાં પોતાના શહેરની વિશેષતા દર્શાવતું મ્યુઝિયમ બનાવવું જોઈએ. શહેરનું સીટી મ્યુઝિયમ બનાવી શહેર વિશેનો ઈતિહાસ બતાવવો જોઈએ.
8) મેયરે શહેરની સ્ટ્રીટ લાઈટોનું મોનિટરિંગ કરવું જોઈએ અને તેનું નિયમિત ઓડિટ પણ રાખવું જોઈએ.
9) દબાણો દૂર કરીને શહેરને સ્વચ્છ બનાવવાની જવાદારી પણ મેયરની છે.
10) મોટા શહેરો પરથી ભારણ ઘટાડવા માટે મેયર અને ચૂંટાયેલી પાંખે તેની નજીકમાં નાના-નાના ટાઉન ડેવલપ કરવા જોઈએ.
11) શહેરી વિકાસની વાત હોય ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સૌથી વધારે ભાર મુકવો જોઈએ.
12) બગીચાઓની જાળવણી માટે સ્થાનિક કક્ષાએ લોકોને જવાબદારી સોંપીને તેમની કમીટી બનાવવી જોઈએ.
13) દરેક કામમાં લોકભાગીદારી કરીને યુવાઓને નેતૃત્વ અને દિશા આપીને તેમની પાસે કામ કરાવવું જોઈએ.
14) ટૂરિઝમ સેક્ટરને વેગ મળે તે દિશામાં દરેક મેયરે કામ કરવાની જરૂર છે.
15) પંચાયત, પાલિકા, નગર પાલિકા અને મહાનગર પાલિકાએ સરકાર છે. સીધી રીતે સરકારનો ચહેરો છે. લોકો સમક્ષ તેની છબિ સારી હોવી જોઈએ.
16) ઝુપડપટ્ટી માટે ગરીબ આવાસ યોજનાઓ અંગે લોકોને જાગૃત કરવા જોઈએ.
17) મધ્યમ વર્ગના વિવિધ પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયાસ પણ મેયર અને ચૂંટાયેલી પાંખે કરવો જોઈએ.
18) લારી-રેકડી વાળાઓ માટે દરેક શહેરમાં ખાસ આયોજન કરવું જોઈએ. તેમને કેન્દ્ર સરકાર દ્વારા અપાતા લાભની જાણકારી આપવી જોઈએ.
19) આર્થિક વ્યવસ્થાઓ વધે તેનું ધ્યાન મેયરે રાખવું જોઈએ. શહેરોના પ્લાનિંગનું પણ વિકેન્દ્રીકરણ કરવું જોઈએ.
20) દરેક વોર્ડમાં દર મહિને સ્માર્ટ વોર્ડ કોમ્પિટિશન રાખવી જોઈએ. જેના કારણે શહેર હંમેશા સુશોભિત રહે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news