SIT આજે રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપશે, સરકારી અધિકારીઓની ખુલશે પોલ?

રાજકોટના TRP ગેમ ઝોન દુર્ઘટનાનો જાહેર થશે SIT રિપોર્ટ: આજે સત્તાવાર રીતે SITનો રિપોર્ટ જાહેર કરાશે. આ ઘટનામાં માનવસર્જિત લાપરવાહી અને ગંભીર બેદરકારીના કારણે બાળકો સહિત 27 લોકોના મોત થયા હતાં.

SIT આજે રાજકોટ અગ્નિકાંડનો રિપોર્ટ સરકારને સોંપશે, સરકારી અધિકારીઓની ખુલશે પોલ?

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજકોટ અગ્નિકાંડના તપાસનો ધખધખતો રિપોર્ટ આજે રાજ્ય સરકારને સુપરત કરાશે...SIT એટલે કે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશનની ટીમ આ રિપોર્ટ આજ સવાર સુધીમાં સરકારને સોંપશે...ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કરી છે...જણાવી દઈએ કે, રિપોર્ટ સબમિટ કરવાની ડેડલાઈન 20મી જૂન હતી, પરંતુ કેટલાક અધિકારીઓનાં નિવેદન નોંધવાનાં બાકી હોવાથી વિલંબ થયો છે.

3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે રચવામાં આવેલી SIT દ્વારા લાગતાવળગતા તમામ વિભાગના અધિકારીઓનાં નિવેદનો લેવાની પ્રક્રિયા કરવામાં આવી છે. બુધવારે મોડીરાત્રે બે વાગ્યા સુધી નિવેદનો લેવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવાર સુધી કામગીરી કરવામાં આવી છે. ખૂબ મોટી સંખ્યામાં અધિકારીઓ અને લાગતાવળગતા વિભાગના તમામ લોકોનાં નિવેદનો લેવામાં આવ્યાં છે. તમામની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આવતીકાલે વહેલી સવાર સુધીમાં એસઆઇટી દ્વારા સત્તાવાર રીતે માહિતી આપવામાં આવશે.

સરકારી અધિકારીઓની મોટી બેદરકારીઓ સામે આવીઃ

  • સરકારના પોતાના વિભાગોના અધિકારીઓએ ગંભીર બેદરકારી દાખવી હતી.
  • ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી પ્રવેશ અને બહાર નીકળવા માટે એક જ રસ્તો હતો.
  • પહેલા માળે આવેલી સીડી માત્ર 4 ફૂટની હોવાથી આગ લાગી ત્યારે બીજા માળના લોકો પહેલા માળ સુધી જઇ શક્યા નહીં.
  • ગેમિંગ ઝોન, રેસ્ટોરન્ટ વચ્ચે સાવ ઓછું અંતર હતું.
  • ઇમર્જન્સી સમયે બહાર નીકળવાનો કોઇ રસ્તો નહોતો.
  • ગો કાર્ટિંગની જગ્યા પાસે કારમાં વપરાતા ફયૂઅલની ભરેલી ટાંકી હતી.
  • પોલીસે ફાયર એનઓસીની ચકાસણી કરી જ નહીં
  • SITના રિપોર્ટમાં ખુલાસો: કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે 3 વર્ષથી ચાલતા ગેરકાયદે ગેમિંગ ઝોન સામે પગલાં લીધાં નથી.
  • ગેમિંગ ઝોન માટે પાકું બાંધકામ થયાને 3 વર્ષ વીતી જવા છતા એની સામે આંખ આડે કાન કરી લીધા હતા.
  • રહેણાક હેતુ માટે ફાળવેલી જમીન પર કોમર્શિયલ પ્રવૃત્તિ પુરજોશમાં ચાલતી હતી છતાં એને અટકાવવાના પ્રયત્નો થયા નથી.
  • કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર અને એન્જિનિયરે ગેરકાયદે બિલ્ડિંગને હંગામી બાંધકામની કેટેગરીમાં મૂકીને ગંભીર બેદરકારી દાખવી છે.
  • એ સિવાય ફાયરના અધિકારીઓએ એકપણ વખત કોઇ મુલાકાત લીધી નથી અને નોંધ સુધ્ધાં લીધી નથી.
  • ફાયર વિભાગના અધિકારીઓના બેજવાબદારપણાને લીધે 27 લોકો મોતને ભેટ્યા છે.

કઈ રીતે બની હતી આખી ઘટના?
રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં 25 મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ 28 મૃતદેહ મળ્યા હતા. માત્ર 55 મિનિટમાં જ 24 મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે DNA ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાનાં પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના 24 કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ DNA રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news