વારો પડી જશે વરસાદમાં! ગમે તે કરો પણ અમદાવાદમાં 150 થી વધુ જગ્યાએ પાણી તો ભરાશે જ
Premonsoon Action Plan: શહેરમાં 50 થી વધારે જગ્યાએ ખોદકામને પગલે રોડ-રસ્તા બેસી જવાની સંભાવના પણ છે. તેથી આવી જગ્યાઓ પર ચેતવણીના બેનરો અને બેરિકેડ લગાવવામાં આવશે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કહેવાતા મેગાસીટી અમદાવાદમાં હવે મેટ્રો ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેઝનો દરજ્જો પણ મળેલો છે. એ બધુ જોતા અમદાવાદ ખુબ સ્વસ્થ અને સુંદર શહેર હોય એવું ચિત્ર ઉભું થાય છે. પણ વરસાદ આવે ત્યારે વાસ્તવિકતા છતી થઈ જાય છે. અમદાવાદ શહેરની જાળવણી અને વિકાસની જવાબદારી જેના શિરે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની જ બેદરદાકારીના કારણે એવી સ્થિતિ ઉભી થઈ છેકે, ગમે તે કરો પણ ચોમાસાની સિઝન આવશે ત્યારે અમદાવાદમાં ઓછામાં ઓછી 150થી વધારે એવી જગ્યાઓ હશે, મોટી જગ્યાઓ જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાશે જ.
તંત્ર દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના ભાગરૂપે પ્રિ-મોન્સુન પ્લાન ગઢવામાં આવે છે. મોટી મોટી વાતો કરવામાં આવે છે પણ પહેલાં જ વરસાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલિયાવાળી અને એમનો અનગઢ વહિવટ સામે આવી જાય છે. આ સમસ્યા કંઈ આજકાલની નથી, મ્યુનિસપલ તંત્રમાં વ્યાપેલાં ભ્રષ્ટાચાર અને ખાઈકીના કારણે વર્ષોથી દર વર્ષે અમદાવાદીઓ વરસાદની સિઝનમાં ભયંકર રીતે હેરાન થાય છે. વરસાદી પાણી ઉલેચવા 25 વરૂણપંપ તૈયાર રાખવામાં આવશે.
હાલમાં જ અમદાવાદના સત્તાધિશો અને પદાધિકારીઓની પ્રિ-મોન્સુન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ ઈજનેર વિભાગ, ફાયર વિભાગ, સેન્ટ્રલ વર્ક શોપ, ગાર્ડન અને એસ્ટેટ વિભાગને અત્યારથી જ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે તૈયાર રહેવા તાકિદ કરાઈ છે.
કેવી છે તંત્રની પ્રિ-મોન્સુનની તૈયારી?
અમદાવાદ શહેરમાં કુલ 7 ઝોન છે. 7 ઝોનમાં ઝોનલ કચેરીમાં પણ પ્રિ-મોન્સુન અંતર્ગત કામગીરી ચાલતી રહેશે. આ ઉપરાંત વરસાદની સિઝનમાં લોકોને અગવડ ન પડે તે આશયથી 19 જેટલાં કંટ્રેલરૂમ ઉભા કરવામાં આવશે.
તંત્રએ સત્તાવાર રીતે એવી પણ કબુલાત કરી છેકે, હજુ પણ શહેરમાં 115 જેટલી એવી જગ્યાઓ છે જ્યાં વરસાદમાં પાણી ભરાયેલાં જ રહે છે અને દિવસો સુધી ઉતારતા નથી. આતો એમણે કરેલી કબુલાત છે, બાકી અમદાવાદ શહેરમાં 150 કરતા વધારે આવી જગ્યા છે જ્યાં ચિક્કાર પાણી ભરાયેલાં રહે છે.
ક્યા ઝોનમાં કેટલી જગ્યાએ પાણી ભરાય છે (સરકારી ચોપડા મુજબ):
દક્ષિણ- 29
પશ્ચિમ- 25
પૂર્વ- 14
ઉત્તર- 14
ઉ.પશ્ચિમ- 13
દ.પશ્ચિમ- 12
મધ્ય- 08
કુલ- 115
ક્યાં ક્યાં કંટ્રોલરૂમ શરૂ કરાશે?
અમદાવાદમાં પાલડીમાં મુખ્ય કન્ટ્રોલરૂમ રહેશે. આ ઉપરાંત ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ બોડકદેવ, ગોતા વસંતનગર, વંદેમાતરમ, જોધપુર, સરખેજ, મક્તમપુરા, બોપલ-ઘુમા, દાણાપીઠ, નરોડા, કોતરપુર, વિરાટનગર, ઓઢવ, ચકુડિયા, કઠવાડા, રામોલ, નિકોલ, મણિનગર, વટવામાં કંટ્રોલરૂમ શરૂ કરાશે.
અમદાવાદમાં કુલ કેટલા અંડરપાસ છે?
પરિમલ, મીઠાખળી, સ્ટેડિયમ, ઉસ્માનપુરા, અબારનગર, નિર્ણમનગર, જીએસટી ક્રોસિંગ, કાળીગામ, અગિયરસ માતા મંદિર, કુબેરનગર આઇસીઆઇ, મનગર દક્ષિણી, શાહીબાગ, મકરબા, વસ્ત્રાપુર અને ચાંદલોડિયા
ક્યાં-ક્યાં બેસી શકે છે રોડ-રસ્તા?
શહેરમાં 50 થી વધારે જગ્યાએ ખોદકામને પગલે રોડ-રસ્તા બેસી જવાની સંભાવના પણ છે. તેથી આવી જગ્યાઓ પર ચેતવણીના બેનરો અને બેરિકેડ લગાવવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે