દિલ્લી દરબારમાં લાગી ગુજરાત ભાજપના 8 જૂના જોગીઓની પાઠશાળા! આ નેતાઓના ક્લાસ લેવાયા
Loksabha Election 2024: ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખના વોટથી જીતવા માગે છે. આ માટે પાટીલ સહિતનું સંગઠન તૈયારીઓ કરી રહ્યું છે. ભાજપની આ બેઠકમાં ગુજરાતના લોકસભા કલસ્ટર ઈન્ચાર્જને ચૂંટણીલક્ષી પાઠ ભણાવાયા છે.
Trending Photos
Loksabha Election 2024: ગુજરાતમાં લોકસભાની તૈયારીઓને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપે ગુજરાતમાં ક્લસ્ટર બનાવ્યા છે અને આ ક્લસ્ટરની જવાબદારી જૂના જોગીઓને સોંપી છે. જેઓ ના ટિકિટ માગી શકશે પણ આ લોકસભા જીતાડવા માટે તનતોડ મહેનત કરશે. એકાએક ક્લસ્ટરની જવાબદારીઓ દિલ્હીથી સોંપાતા નેતાઓ પણ આ દિશામાં આગળ વધી ગયા છે. આ તમામ નેતાઓ અમિત શાહના નજીકના ગણાય છે. હાલમાં ગુજરાતમાં લોકસભાની જવાબદારી અમિત શાહ પાસે હોવાથી તેઓ કોઈ કચાશ છોડવાના મૂડમાં નથી કે કોઈ મૌકો આપવાના મૂડમાં. અમિત શાહ સતત ગુજરાત આવી રહ્યાં છે અને ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખી રહ્યાં છે.
હવે ભાજપ કદાચ આ મહિનાના અંત સુધી કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી શકે છે ભાજપને જે 160 બેઠકો પર હારનો ડર છે એ બેઠકો પર ઉમેદવારો તૈયારી કરી શકે એ માટે એડવાન્સમાં નામો જાહેર થશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપે આગોતરી તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે, દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેની હાજરીમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત લોકસભાના આઠ ક્લસ્ટર ઈન્ચાર્જ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો 5 લાખના વોટથી જીતવા માગે છે. આ માટે પાટીલ સહિતનું સંગઠન તૈયારીઓ કરી રહ્યું છે. ભાજપની આ બેઠકમાં ગુજરાતના લોકસભા કલસ્ટર ઈન્ચાર્જને ચૂંટણીલક્ષી પાઠ ભણાવાયા છે. થોડાક સમય પહેલાં જ ભાજપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ૮ કલસ્ટરમાં વહેંચી પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમા વગેરેને જવાબદારી સોંપી હતી. જેમને કામ સોંપાયું તે નેતાઓની અગાઉ ગાંધીનગર ખાતે પણ બેઠક મળી હતી, જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન અપાયું હતું. ગુજરાતની ૨૬ લોકસભા બેઠક ભાજપે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં આઠ નેતાઓને જવાબદારી સોંપી છે.
આ નેતાઓ અગાઉ પણ સરકાર અને સંગઠનમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે. પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ લોકસભા બેઠકની જવાબદારી સોંપાઈ છે, એ જ રીતે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી લોકસભા બેઠક, આર.સી. ફળદુને રાજકોટ, જામનગર અને અમરેલી બેઠક, સાંસદ નરહરિ અમીનને ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ બેઠક.
એટલું નહીં આ ઉપરાંત ભાજપે અમિત ઠાકરને બનાસકાંઠા, પાટણ અને કચ્છ બેઠક, બાબુ જેબલિયાને સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠા, કે.સી. પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા બેઠક જ્યારે જ્યોતિબહેન પંડ્યાને સુરત, નવસારી, વલસાડ અને બારડોલી બેઠક પર કામગીરી અપાઈ છે. તમામ કલસ્ટરમાં પ્રવાસ સંમેલનો અને રેલીઓ યોજાશે. હવે દિલ્હી હાઈકમાન્ડના ઈશારે આ નેતાઓ આગળની કામગીરી પોતાના ક્લસ્ટરમાં કરશે. ભાજપ હાલમાં 26માંથી 26 બેઠકો જીતવાના મૂડમાં છે. ખરેખર ભાજપનું સપનું પૂર્ણ થયું તો ભાજપ સતત હેટ્રીક ફટકારશે એમાં કોઈ નવાઈ નહીં...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે