ગુજરાતની પ્રથમ એઇમ્સને લઈને મોટા સમાચાર, ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે આટલી સુવિધાઓ

જામનગર રોડથી એઇમ્સ હોસ્પીટલ પહોંચવાનો રોડ એકદમ ઉખડખાબડ છે. જે રાજકોટ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઉપરાંત એક રેલ્વે ક્રોસીંગ આ એપ્રોચ રોડ પર આવે છે. જે અહીં આવનાર એમ્બ્યુલન્સ માટે મુખ્ય અવરોધ બની શકે છે. એઇમ્સના વહીવટી તંત્રે રોડને યોગ્ય બનાવવા અને રેલ્વે લાઇન પર ઓવરબ્રીજ બનાવવા અંગે રજૂઆત કરી છે.

ગુજરાતની પ્રથમ એઇમ્સને લઈને મોટા સમાચાર, ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ થશે આટલી સુવિધાઓ

ગૌરવ દવે, રાજકોટઃ ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ડિસેમ્બર મહિનાના અંત થી 250 બેડની સુવિધા શરૂ થશે. સૌરાષ્ટ્રના 12 જિલ્લાના દર્દીઓને સારવાર મળશે. 250 બેડની IPD (ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ થશે. આગામી મહિનામાં ઉધઘટન માટે આરોગ્ય મંત્રાલયે PMOનો સમય માંગ્યો હોવાની માહિતી પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. કેવી સુવિધાઓ સાથે હોસ્પિટલ સજ્જ થશે તે જાણો વિગતવાર....

એઇમ્સ હોસ્પિટલના મુદ્દા-
- 200 એકર જગ્યામાં 1200 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય
- OPD બાદ હવે 250 બેડની IPD સેવા શરૂ થશે
- 750 બેડની સેવામાંથી માત્ર 250 બેડની જ સેવા શરૂ કરવામાં આવશે
- 250 બેડની IPDમાં 24 વિભાગ થશે કાર્યરત
- સિનિયર અને જુનિયર મળી 200 ડોક્ટરો
- 300 નર્સિંગ સ્ટાફની જરૂરિયાત
- જાન્યુઆરી થી જરૂરિયાત મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે

એપ્રોચ રોડ-રેલવે ક્રોસિંગ મુદે રજૂઆત-
જામનગર રોડથી એઇમ્સ હોસ્પીટલ પહોંચવાનો રોડ એકદમ ઉખડખાબડ છે. જે રાજકોટ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. આ ઉપરાંત એક રેલ્વે ક્રોસીંગ આ એપ્રોચ રોડ પર આવે છે. જે અહીં આવનાર એમ્બ્યુલન્સ માટે મુખ્ય અવરોધ બની શકે છે. એઇમ્સના વહીવટી તંત્રે રોડને યોગ્ય બનાવવા અને રેલ્વે લાઇન પર ઓવરબ્રીજ બનાવવા અંગે રજૂઆત કરી છે.

માત્ર 10 રૂપિયામાં દર્દીઓની તપાસ કરાશે-
રાજકોટ એઇમ્સને કારણે ગરીબ દર્દીઓને ફાયદો થશે. કારણ કે માત્ર 10 રૂપિયામાં તેમની તપાસ થઇ જશે અને પછી નિદાન માટે નિમ્ન શુલ્કમાં રિપોર્ટ કરાશે. આ ઉપરાંત જો દાખલ થવાની નોબત આવે તો માત્ર 375 રૂપિયામાં દસ દિવસ જનરલ વોર્ડ અને બે લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ સિવાય અનેક સુવિધાઓ મળશે. ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન રહેશે. જે લોકો બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને એઈમ્સમાં સારવાર, સર્જરી સાવ વિનામૂલ્યે કરાશે.

એઈમ્સમાં 13000 રૂપિયાના ઈન્જેક્શન માત્ર 800માં મળશે-
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા એફોર્ડેબલ મેડિસિન્સ એન્ડ રિલાયેબલ ઈમ્પ્લાન્ટ્સ ફોર ટ્રીટમેન્ટ કે જેને ટૂંકમાં અમ્રિત એટલે અમૃત નામ આપવામાં આવ્યું છે તે સ્કીમ લોન્ચ કરી હતી. આ યોજના હેઠળ એઈમ્સની સાથે જ નવું ફાર્મા સ્ટોર સ્થાપવામાં આવશે જ્યાં કેન્સર અને હૃદયના દર્દીઓ માટે ખાસ પ્રકારની દવાઓ મળશે. કેન્સરમાં કિમોથેરાપીમાં વપરાતી દવાઓ અને ઈન્જેક્શન કે જેનો ભાવ 13000 રૂપિયા હોય છે તે માત્ર 888માં મળશે આવી રીતે ઘણા બ્રાન્ડેડ ડ્રગ્સના ભાવમાં 50થી 93 ટકા સુધીનો ભાવ ઘટાડો રહેશે. આ ઉપરાંત ઈમ્પ્લાન્ટસ પણ સસ્તા ભાવે મળી રહે તેની વ્યવસ્થા સરકાર કરી રહી છે.

OPDની એપોઈન્ટમેન્ટ લેવા લાઇન નહિ ઓન'લાઇન' થશે-
જે કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો લાઈનમાં ઊભા રહેવાની કડાકૂટ નહીં રહે તેને બદલે ઓનલાઈન જ એપોઇન્ટમેન્ટ લઇ શકાશે. રાજકોટ એઇમ્સ નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં મોબાઈલ નંબર આધારે તમારૂં એકાઉન્ટ બનશે. જેના પર થી OPD માટેનો સમય અને ડોકટર તેમજ વિભાગ સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં આપેલા સમયે પહોંચી જવાનું રહેશે. જો કોઇ દર્દી તે ન કરી શકે તો તેમની સહાય માટે એઈમ્સમાં ઘણા બધા કાઉન્સેલર રાખ્યા હોય છે જે ફાઈલ કાઢી આપે અને દાખલ પણ કરી આપે છે. દર્દીઓને તપાસવામાં વાર લાગે તેવા કિસ્સામાં લાઈનમાં ઊભા નહિ રહેવાનું પણ વેઇટિંગ લોન્જમાં સારી એવી બેઠક વ્યવસ્થા હશે.

એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વિદેશના તબીબો આવશે-
એઈમ્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે. જેમાં એઈમ્સના તબીબોને વિદેશની ઉચ્ચકક્ષાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવામાં આવે છે તેવી જ રીતે વિદેશના તબીબો અહીં આવશે. રાજકોટમાં એઇમ્સ શરૂ થતા વિદેશના ખ્યાતનામ તબીબો પણ રાજકોટમાં સુશ્રુષા કરતા જોવા મળશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news