MISSION 26 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપનો આ છે પ્લાન, વિપક્ષનાં સૂપડાં સાફ કરી દેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સપ્તાહે 4 જિલ્લાના પ્રવાસની જાહેરાત કરી છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક વહીવટીતંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મળશે. જેમાં પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ સ્થાનિક ધારાસભ્યને પણ મળશે.

MISSION 26 : ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપનો આ છે પ્લાન, વિપક્ષનાં સૂપડાં સાફ કરી દેશે

Loksabha Election 2024: ગુજરાતમાં 156 સીટો પર જીત બાદ હવે ભાજપનું ફોક્સ એ લોકસભાની ચૂંટણી છે. 26માંથી 26 બેઠકો દિલ્હીને ભેટ ધરનાર ભાજપ ચૂંટણીમાં પણ કોઈ કસર છોડવા માગતું નથી. ભાજપની નવી રણનીતિ લોકસભાની 26 બેઠકો માટે છે. એ માટે પાટીલ જિલ્લાદીઠ બેઠકો કરી રહ્યાં છે.  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સપ્તાહે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લેવાના છે. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ માટે લોકસભાની ચૂંટણી એ એસિડ ટેસ્ટ છે.

વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટો પર વિજેતા થઈ દેશભરમાં પરચમ લહેરાવનાર ભાજપ આ વખતે કોઈ કસર છોડવાના મૂડમાં નથી. ભૂપેન્દ્ર પટેલ આગામી દિવસોમાં આણંદ, ભરૂચ, મોરબી રાજકોટ જેવા 4 જિલ્લાની મીટિંગોમાં ભાગ લેશે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ રહ્યા છે. ભાજપ અને આપ લોકસભાની ચૂંટણી માટે મુહૂર્તની રાહ જોઈ રહ્યાં છે જ્યારે ભાજપે એડવાન્સમાં જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રીની મુલાકાત એ સંકેત આપી રહી છે કે પાર્ટી ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો જીતીને દિલ્હીને એ સાબિત કરવાના મૂડમાં છે કે ગુજરાત આજે પણ ભાજપનો ગઢ છે. મોદી અને અમિત શાહના દિલ્હી ગયા બાદ સ્થાનિક નેતાઓએ ભાજપનો એ દબદબો જાળવી રાખ્યો છે. મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રયોગો દેશભરમાં અમલ કરી રહ્યાં છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ કર્ણાટકની ચૂંટણી છે. કર્ણાટકને જીતવા માટે ગુજરાતમાંથી નેતાઓની ફૌજ ઉતારાઈ છે. કર્ણાટકમાં ભાજપ માટે જીત એ કપરી હોવાથી ભાજપે ગુજરાતની પસંદગી કરી છે અને ગુજરાત મોડેલ પર કર્ણાટકમાં ચૂંટમી લડાઈ રહી છે.  આ ચૂંટણીમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ભાજપને 2019 જેવું પુનરાવર્તન થાય તેવી ઓછી શક્યતાઓ વચ્ચે ભાજપનો મોટો મદાર એ ગુજરાત છે. જ્યાંથી એક પણ બેઠક ઓછી ના આવે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સપ્તાહે 4 જિલ્લાના પ્રવાસની જાહેરાત કરી છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક વહીવટીતંત્ર અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને મળશે. જેમાં પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાનો સમાવેશ થાય છે. આ સિવાય તેઓ સ્થાનિક ધારાસભ્યને પણ મળશે. હાલમાં ભાજપ સરકાર અને પાર્ટી વચચે ગઠબંધન કરી દરેક પ્રશ્નોનો ઉકેલ લાવવા માગે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ જિલ્લાઓની મુલાકાત શરૂ કરી છે. સી.આર.પાટીલે વન નેશન વન ડિસ્ટ્રિક્ટ અભિયાન હેઠળ તેમનો પ્રવાસ શરૂ કર્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક જિલ્લા સંગઠનો સાથે બેઠકો કરી રહ્યા છે.

આ સિવાય વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે બેઠકો પર ભાજપને હાર થઈ છે કે નુકસાન થયું છે. ત્યાં તેઓ જિલ્લા-તાલુકા સંગઠન માળખામાં મોટા ફેરફારો કરી રહ્યા છે. આ સાથે લોકસભા ચૂંટણી માટે સ્પીકરની પણ નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે સંગઠનમાં નબળી કામગીરી કરનારા જનરલ સેક્રેટરી કક્ષાના અધિકારીઓની બદલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ ભાજપ સંગઠનમાં પણ મોટાપાયે ફેરફારો કરી રહી છે. 

ગુજરાતમાં વિધાનસભાની જેમ લોકસભામાં ઘણાની ટીકિટ કપાઈ શકે તેવી સંભાવના છે. ભાજપ કદાચ 26માંથી 7થી 8ને રીપિટ કરે તેવી ચર્ચાઓ વચ્ચે આ ચૂંટણી ભાજપના નેતાઓ માટે પણ લિટમસ ટેસ્ટ સાબિત થશે. ભાજપે એ સાબિત કરી દીધું છે કે ઉમેદવાર નહીં ગુજરાતમાં ભાજપ પાર્ટીને કારણે જીત મળે છે. વિધાનસભામાં બાહુબલી ગણાતા નેતાઓને સાઈડલાઈન કરીને ભાજપે 156 સીટો પર જીત મેળવી એ સાબિત કરી દીધું છે કે ગુજરાતમાં ભાજપનો દબદબો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતી છે અને ભાજપનો વોટ શેર પણ વધ્યો છે.

આ જોતાં હવે લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો જીતવાની જવાબદારી લોકપ્રતિનિધિઓને સોંપવામાં આવી છે. આ સાથે ભાજપે ચૂંટાયેલા ધારાસભ્યો અને મંત્રીઓને સૂચના આપી છે કે વિધાનસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્યને બૂથ પર જેટલા મત મળ્યા છે તેટલા મત ભાજપના ઉમેદવારને લોકસભાની ચૂંટણીમાં મળવા જોઈએ. ધારાસભ્ય કે મંત્રીના મતવિસ્તારમાં બૂથમાં મતોની સંખ્યામાં ઘટાડો થશે તો તેની ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપે ગુજરાતમાં 5 લાખ મતોની બહુમતી સાથે 26 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 બેઠકો જીતી હતી, પરંતુ કેટલીક બેઠકો પર મતનું અંતર ઓછું હતું. તેથી, 2024ની લોકસભાની ચૂંટણીમાં જંગી જીત અને 5 લાખથી વધુના મતના માર્જિન સાથે જીતવા માટે તમામ પ્રયાસો કરવા પડશે. પાર્ટીએ તમામ કાર્યકરો અને જનપ્રતિનિધિઓને જનતાની વચ્ચે રહીને કામ કરવાની સૂચના આપી છે. પાટીલે દરેક સંગઠનને આ જીતનો ટાર્ગેટ આપ્યો છે. પાટીલ દરેક જિલ્લાની બેઠકોમાં આ ટાર્ગેટને ભાજપના કાર્યકરોને યાદ કરાવી રહ્યાં છે. જો ખરેખર આ સાચું ઠર્યું તો ભાજપ અન્ય પાર્ટીઓના સૂપડાં સાફ કરી દેશે. 

2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પણ ત્રિપક્ષીય યુદ્ધ થશે. પાર્ટીએ વિપક્ષી ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવાની યોજના સાથે કામ કરવા સૂચના આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારને 20 ટકાથી ઓછા વોટ મળે તે માટે દરેકે યોજના બનાવીને કામ કરવું પડશે. આ સાથે ભાજપને 26 બેઠકો જીતવી જોઈએ તેવો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જોકે, ભાજપમાં આમ આદમી પાર્ટીને લઈને થોડી ચિંતા છે, કારણ કે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 11 ટકા વોટ શેર મળ્યા હતા. ભાજપ એ વાત પર ખાસ ધ્યાન આપી રહ્યું છે કે આ વોટ શેરિંગથી લોકસભામાં ભાજપને નુકસાન ન થાય.

ભાજપે એટલા માટે જ આપને ભોય ભેગી કરવાનો પ્લાન બનાવ્યો છે. સુરતમાં આપના કોર્પોરેટરોને ભાજપમાં ભેળવી દીધા બાદ ભાજપનો નવો ટાર્ગેટ 5 ધારાસભ્યો છે. આ મામલે ઈસુદાન ગઢવી પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. ભાજપ બની શકે કે લોકસભાની ટિકિટ પણ ઓફર કરી શકે છે. ભાજપને હાલમાં કોંગ્રેસ કરતાં આપની પણ વધારે ચિંતા છે. ભાજપ સારી રીતે જાણે છે કે મિશન 26ને સફળ બનાવવું હશે તો આપ અને કોંગ્રેસ ભેગા મળીને તેના લક્ષ્યાંક સાથે ચેડાં કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news