કેમિકલકાંડ મુદ્દે હર્ષ સંઘવીએ મોતના આંકડાનો ચિતાર રજૂ કર્યો, કહ્યું; 'આ ઘટનાથી દુઃખી, પરિવારો સાથે મારી સંવેદના'
એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. તો બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારુનો ચોક્કસ આંકડો નથી, પણ એવુ કહી શકાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈ છુપાઈને દારૂ પીએ છે.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં ફરી એકવાર કેમિકલ કાંડ થયો, જેમાં અત્યાર સુધી 43 થી વધુ જણાનો ભોગ લેવાયો છે. હજી પણ અનેક હોસ્પિટલના બિછાને સારવારમાં છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે. ત્યારે આજે કેમિકલકાંડ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી રહ્યા છે. રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટના વિશે જણાવ્યું હતું કે, મને ગુજરાતના નાગરિક તરીકે આ ઘટનાથી ખુબ દુખી થયો છું, આ ઘટનામાં ભોગ બનનાર મૃતકોના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.આ ઘટનામાં અમદાવાદની એક કેમીકલ કંપનીમાંથી કેમિકલ ચોરી કરી અલગ અલગ ગામોમાં વેચાયું હોવાનો ખુલાસો થયો છે. આ કેમિકલ કાંડના કારણે 42 નાગરિકો મૃત્યું પામ્યા છે. જ્યારે 97 નાગરિકો સારવાર હેઠળ છે. આ ઘટનામાં 30થી વધુ ટીમોના 2500 થી વધુ જવાનોએ કેમિકલ પીધેલા લોકોને શોધી નાંખ્યા છે.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ દર્દીઓને સમયસર ડાયાલિસીસ કરાવીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી છે. આ ઘટનામાં જે પણ આરોપીઓની સંડોવણી ખૂલી છે તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. એટલું જ નહીં, સ્પેશીયલ PP ની નિમંણૂક કરી છે. આ ઘટનામાં 15 ગુનેગારોને 2 દિવસમાં પકડી લીધા છે. આ ઘટનામાં ગુજરાતના વોંટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. જેનું નામ પીન્ટું છે. પીન્ટુ ને પણ SMC એ ઝડપી લીધો છે. સરપંચના પત્ર બાદ પોલીસે 6 વાર રેડ કરી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવ્યા હતા, એવું સ્થાનિકોએ મિડીયાને પણ જણાવ્યું છે.
બુટલેગરોની શાન ઠેકાણે લાવવા સરકારે બનાવ્યો છે કડક કાયદો
ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં બુટલેગરોની શાન ઠેકાણે લાવવા માટે ગુજરાત સરકારે બનાવેલા કડક કાયદા અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ કે, બુટલેગરોની કમર તોડવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત નશાબંધી અધિનિયમ, ૧૯૪૯માં સુધારો કરી વર્ષ-૨૦૧૭થી આ કાયદાને વધુ કડક બનાવી દેવામાં આવ્યો છે. ક્વોલિટી કેસમાં સંડોવાયેલા આરોપીઓની સજામાં વધારો કરી સેશન ટ્રાયેબલ કરવામાં આવ્યા અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનને જપ્ત કરવા અંગે પણ જોગવાઇ કરવામાં આવી. એટલુ જ નહિ, એક કરતા વધુ વખત આ પ્રકારના ગુના આચરનાર તત્વોને ગ્રેડેડ પનિશમેન્ટ માટેની કડક જોગવાઇ કરવામાં આવી છે.
કેમિકલકાંડમાં 14 આરોપીઓની સંડોવણી
તેમણે ઉમેર્યુ કે, બરવાળા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૩૦૨, ૩૨૮, ૧૨૦(બી), ૬૫(એ), ૬૭-૧(એ) મુજબ દાખલ કરવામાં આવેલા ગુનામાં ઝીણવટભરી તપાસ કરતાં 14 આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 12 આરોપીઓની ધરપકડ કરી દેવામાં આવી છે. તે જ પ્રમાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા આ ગુનામાં પણ ૧૧ આરોપીઓની સંડોવણી ધ્યાને આવી છે જેમાંથી 09 આરોપીઓની ધરપકડ કરાઇ છે.
ભાવનગર ખાતે સર ટી. હોસ્પિટલ, પુનિત હોસ્પિટલ, બજરંગદાસ હોસ્પિટલ તેમજ સોનાવાલા હોસ્પિટલ, બોટાદ ખાતે કુલ 58 દર્દીઓ દાખલ છે જેમાંથી ૫૬ દર્દીઓની સ્થિતિ સામાન્ય છે જ્યારે 02 દર્દીઓની સ્થિતિ ગંભીર જણાયેલ છે. સીવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કુલ 39 દર્દીઓ સારવાર હેઠળ છે અને તમામની સ્થિતિ સામાન્ય છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટના વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરૂધ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૧માં રૂ.૧૨૩ કરોડથી વધુ કિંમતનાં દારૂ, વાહનો અને અન્ય મુદ્દામાલ મળી ૧.૬૭ લાખથી વધારે કેસો સાથે ૧.૬૭ લાખથી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ઘકેલવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૯૨૦ થી વધારે બુટલેગરોની PASA અધિનિયમ હેઠળ અટકાયત કરી સઘન કાર્યવાહિ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા બુટલેગરોની યાદી તૈયાર કરી તે તમામની ગતિવિધીઓ ઉપર ચાંપતી નજર રાખી, ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને પીવાવાળા વિરૂધ્ધ સતત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
રાજ્યમાં દરોડા અને સર્ચ ઓપરેશન
પોલીસ વિભાગનાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ગેરકાયદેસર દેશી અને ભારતીય બનાવટનો વિદેશી દારૂના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી અને વેચાણ અંગે શહેર તેમજ જીલ્લા પોલીસ દ્વારા થતી કાર્યવાહી ઉપર પણ સતત મોનિટરીંગ કરવામાં આવે છે અને રાજ્ય સ્તરે સ્વતંત્ર એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે આ ટીમો દ્વારા સમગ્ર રાજ્યમાં દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.
સંઘવીએ જણાવ્યું હતું કે, દારૂ અને અન્ય વ્યસનોની મુક્તિ માટે રાજ્ય સરકાર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમો અને વ્યસન મુક્તિ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. તા.૨૫મી જુલાઇ-૨૦૨૨ અને તે પછીના ૨-દિવસોમાં બોટાદ અને અમદાવાદ (ગ્રામ્ય) જીલ્લાઓમાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલ પીવાથી 42 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં સખત કાયદાકીય જોગવાઇ અને ગુજરાત પોલીસ દ્વારા તેની કડક અમલવારી હોવા છતાં કેટલાક ગુનેગારો દ્વારા ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલની ચોરી કરી, નિર્દોષ નાગરીકોના જીવ લેવાનું ગુનાહિત ષડયંત્ર રચી, દારૂના નામે ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ મિથેનોલમાં પાણી ભેળવી તેને વેચવાનો ગુનો આચર્યો છે. આ ઘટનામાં અસરગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલીક શ્રેષ્ઠ કક્ષાની તબીબી સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
સમગ્ર ઘટનામાં ઝડપી ડિટેક્શન અને તટસ્થ ઇન્વેસ્ટિગેશન માટે સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, સ્ટેટ મોનિટરીંગ સેલ અને ATSના ચુનંદા અધિકારીઓની ખાસ ટુકડીઓની રચના કરવામાં આવી છે. આ ટીમોને ગણતરીના કલાકોમાં આ કેમિકલયુક્ત પ્રવાહી તૈયાર કરવાથી લઇ વેચવાવાળા સુધીના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢી તે તમામની ધરપકડ કરવામાં સફળતા મળી છે તેમજ કુલ ૫૫૦ લીટર જેટલું કેમીકલ રીકવર કરવાની સરાહનીય કામગીરી કરનાર આ તમામ અધિકારીઓને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
સંઘવીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસને બદનામ કરવાના ઇરાદેથી કરવામાં આવેલા આ કૃત્ય સંદર્ભે ૩ ગુના નોંધવામાં આવ્યા છે અને તે અંગે ઝડપી તપાસ કરી, ફસ્ટટ્રેક ટ્રાયલ ચલાવી, તેમને કડકમાં કડક સજા કરાવવા તથા મૃતકોના પરિવારોને ન્યાય અપાવવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ કરવા માટે ૩ સભ્યોની સમિતીની રચના કરવામાં આવી છે અને તેઓ સર્વગ્રાહી તપાસ કરી બનાવ બનવા અંગેના સંજોગો, બનાવ અંગે પોલીસ તથા અન્ય વિભાગોની જવાબી કાર્યવાહીની યોગ્યતા ચકાસી ખામીઓ અને તે માટે જવાબદાર લોકો બાબતે અહેવાલ પાઠવશે. જેના આધારે રાજ્ય સરકાર દ્વારા જરૂરી સુધારાત્મક અને શિક્ષાત્મક પગલા લેવામાં આવશે.
નરસિંમ્હા કોમાર, ADGP લો એન્ડ ઓર્ડર
રાજ્યના નરસિંમ્હા કોમારે જણાવ્યું હતું કે, કેમિકલકાંડમાં અત્યાર સુધી કુલ 42 મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 32 અને અમદાવાદમાં 10 મૃત્યું નોંધાયા છે. પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ બનાવ બાદ સમગ્ર રાજયમાં પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને સ્પેશીયલ ડ્રાઈવ ચાલી રહી છે. પ્રોહીબિશનના 101 ગુના અને દેશી દારૂના 202 કેસ નોંધ્યા છે.
આશીષ ભાટીયા DGP
રાજ્યના DGP આશીષ ભાટીયાએ જણાવ્યું હતું કે, કેમિકલકાંડમાં બીજા ગુનેગારો પકડાયા છે. આ ઘટનામાં 600 લીટર કેમીકલમાંથી 475 લીટર રીકવર થઇ ગયું છે. વર્ષ દરમિયાન સતત ડ્રાઈવ ચાલી છે. દેશી દારૂના 70 હજારથી વધુ ગુના અને 60 હજારથી વધુ આરોપીઓ પકડ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બરવાળા પોલીસે લઠ્ઠાકાંડ કેસમાં 15 બૂટલેગરો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી કેટલાક આરોપની ધરપકડ કરાઈ છે, જ્યારે કેટલાકની બાકી છે. તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક દારૂમાં કેમિકલ ભેળવી લોકોના મોત નિપજાવ્યાનો તેમાં ઉલ્લેખ કર્યો છે. જેમાં એક મહિલા સહિત કુલ 14 બૂટલેગરો વિરુદ્ધ 302, 328 અને 120 મુજબ કલમ નોંધી ફરિયાદ દાખલ કરી છે. રોજીદ, ચોકડી, નભોઈ, ધંધુકા, રાણપરી, વૈયા અને પોલાર પુર સહિતના ગામોના બૂટલેગર પર બરવાળા PSI એ ફરિયાદ દાખલ કરી છે. બરવાળા ઇન્ચાર્જ પીએસઆઇ બીજી વાળા આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમાં સામે આવ્યુ કે, આરોપીઓ 40 રૂપિયામાં એક પોટલી વેચતા હતા. પિન્ટુએ આ માલ બુટલેગરોને આપ્યો હતો.
લઠ્ઠાકાંડનો ઓડિયો વાયરલ
લઠ્ઠાકાંડ વચ્ચે હપ્તાખોરીનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસ સાથે હપ્તાના સેટિંગની ઓડિયોમાં વાતચીત સ્પષ્ટ સાંભળવા મળી રહી છે. બરવાળા પોલીસ સ્ટેશનના ASI ની ઓડિયો ક્લીપ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. જેમાં બરવાળા ASI અને હોમગાર્ડ જવાન સાથેની વાતચીત છે. મહત્વનું છે કે વાયરલ થયેલા ઓડિયો ક્લીપમાં બરવાળાના મહિલા ASI યાસમીનબાનું ઝડકીલા અને હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી સાથે બુટલેગર હપ્તાને લઈ સેટિંગની વાતચીત કરી રહ્યો છે. જેમાં બૂટલેગર મહિલા ASI સાથે ચોકડી ગામના બુટલેગર મેહુલનો હપ્તો નક્કી કરવાની વાત કરી રહ્યો છે. તો બીજી ક્લીપમાં હોમગાર્ડ જવાન પ્રકાશ કોળી અને બુટલેગરની ચર્ચા છે. જેમાં મેડમ એટલે કે યાસમીનબાનું ઝડકીલાને આપવાનો થતો હપ્તો ક્યાં લેવા આવશો, તે અંગે ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હાલ કથિત લઠ્ઠાંકાંડ વચ્ચે બુટલેગર સાથે સેટિંગની ઓડિયો ક્લીપ ટોક ઓપ ધ ટાઉન બની છે.
બરવાળાની ચોકડીએ દારૂ બનાવાયો હતો
ગુજરાત પોલીસ અને ATSના અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મુખ્ય સુત્રધાર બુટલેગર પિન્ટુની ધરપકડ કરી છે. આ દારૂ બનાવવા મિથેનોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદથી મિથેનોલ લાવી બરવાળાના ચોકડી ગામે દારૂ બનાવ્યો. તો બીજી તરફ, લઠ્ઠાકાંડમાં મુખ્ય આરોપી જયેશને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. મિથનોલ સપ્લાય કરનાર જયેશ પીપળજથી પકડાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે