પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ

Gujarat Paperleak News : આ વ્યકિતઓએ અત્યાર સુધીમાં કોને, કેટલી કિંમતમાં પેપરો આપ્યા તે ગુત્થી હવે ધીમે ધીમે સોલ્વ થઈ રહી છે.... આ કેસમાં પોલીસે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવાના ફિરાકમાં છે
 

પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ

Paperleak Latest Update : ગુજરાતમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૨૯મી જાન્યુઆરીએ જૂનિયર ક્લાર્ક (વર્ગ ૩)ની પરીક્ષાનું પેપર ફૂટવાના કૌભાંડમાં અમદાવાદ એટીએસએ આંતરરાજ્ય ગેંગના ૧૫ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જેઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આ કેસમાં એવા એવા ખૂલાસાઓ થઈ રહ્યાં છે કે પોલીસ પણ ચોંકી ગઈ છે. પેપર એક બાદ એક આરોપીઓના હાથમાં પહોંચતાં તેનો ભાવ વધવાનો હતો. આ વ્યકિતઓએ અત્યાર સુધીમાં કોને, કેટલી કિંમતમાં પેપરો આપ્યા ? એ પ્રશ્ન સૌથી મોટો છે. આ કેસમાં પોલીસે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવાના ફિરાકમાં છે. ગુજરાતમાં અત્યારસુધી 20 વર્ષમાં 21 પેપર ફૂટ્યા છે. જેમાં લાખો બેરોજગારોનાં સપનાં ડૂબી ગયાં છે. આ પેપર સિવાય અગાઉ અન્ય કોઇ સરકારી નોકરી અંગેના ગુજરાત કે અન્ય રાજ્યોમાં પેપર લીક કૌભાંડ આચરેલું છે કે નહી ? અગાઉ પેપર લીક ઉપરાંત અન્ય કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે નહી ? તેની તપાસ કરવાની છે. 

પ્રિન્ટીંગ પ્રેસના કર્મચારીએ ઝેરોક્ષની એક કોપી 5 લાખ રૂપિયામાં વેચી હતી
પેપરલીક કાંડમાં મુખ્ય આરોપી પૈકી એક કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસનો લેબર શ્રધ્ધાકર લુહા ગઈકાલે પકડાઈ ગયો છે. પેપરલીક કાંડમાં ગુજરાત ATS ઓડીશાથી સરધાકર લુહા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આમ, અત્યાર સુધીમાં કુલ 17 આરોપીની ધરપકડ થઈ છે. ATS આરોપી સરધાકરના અલગથી રિમાન્ડ માંગશે. આ ઉપરાંત સરોજ, ચિરાયુ અને ઇમરાન એમ ચાર આરોપીઓ હજુ વોન્ટેડ છે, તેઓને પકડીને આ ૧૫ આરોપીઓ સાથે રાખીને પૂછપરછ કરવાની બાકી છે. આરોપીઓ પ્રદીપ નાયક અને મુરારી પાસવાન વડોદરા, સુરત અને હૈદરાબાદની હોટલોમાં રોકાઇને કૌભાંડને અંજામ આપ્યો હતો. તો તે અંગેની તપાસ બાકી હોવાથી પોલીસે  1૪ દિવસના રિમાન્ડ માગ્યા હતા. કોર્ટ આ કેસમાં 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હૈદરાબાદમાં ચાની કીટલી પર પ્રિન્ટીંગ પ્રેસના એક કર્મચારીએ ઝેરોક્ષની એક કોપી 5 લાખ રૂપિયામાં વેચી હતી.  

પેપરલીકના આરોપીઓ
1.પ્રદીપ નાયક
2.કેતન બારોટ
3.ભાસ્કર ચૌધરી
4.મોરારી પાસવાન
5.કમલેશ ચૌધરી
6.મોહમદ ફિરોઝ આલમ
7.સર્વેશકુમાર સૂર્યદેવ નારાયણ
8.મીંટુ રાય
9.મુકેશ રામબાબુ
10.પ્રભાત કુમાર શશીધર કુમાર
11.અનિકેત ભટ્ટ
12.રાજ બારોટ
13.પ્રણય શર્મા
14.હાર્દિક શર્મા
15.નરેશ મોહંતી

આ રીતે વધતો ગયો પેપરનો ભાવ
પેપર લઇને પ્રદીપ વડોદરાની સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આપવાનો હતો અને અહીથી પેપરનું વેચાણ થવાનું હતું. પેપર વેચવાની આ લિન્ક સતત આગળ વધતી ગઇ હતી, જેમાં પેપરના ભાવમાં એક એક લાખ રૂપિયાનો વધારો થતો હતો. આખરે પેપરની એક કોપી 12 લાખ રૂપિયાએ પહોંચી હતી. વડોદરા ખાતે અટલાદરા-બીલ રોડ પર આવેલ પ્રમુખ બજાર બિલ્ડિંગના ત્રીજા માળે સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસમાં આવીને ભાસ્કર ચૌધરીને આ પેપર આપવાનો હતો અને અહી ઝેરોક્સ કરાવીને પેપરનો વેપાર કરવાનો હતો. પરંતુ તે પહેલા એટીએસ ત્રાટકી હતી અને તમામને ઝડપી લીધા હતા.

પેપર કૌભાંડીઓએ સૌથી પહેલાં સુરતમાં પેપર વેચવાનો પ્રયાસ કર્યો હતો. નવ લાખમાં પેપર વેચવા માંગતા કૌભાંડીઓ સુરતમાં કેટલાક લોકોનો સંપર્ક કરી રહ્યા હતા. સુરતના એક જાગૃત નાગરિકને ફોન આવ્યો તે સાથે જ તેણે ક્રાઇમ બ્રાન્ચને સતર્ક કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમ બપોરે જ વડોદરા પહોંચી અને બિહારના આંબેડરનગરના મુરારીકુમાર વિદેશી પાસવાન અને તેના સાગરિતને દબોચી લીધા હતા. તેમની પાસેથી જે પેપર મળ્યા તે રવિવારે લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાના જ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસ ચોંકી હતી. બાદમાં તમામ ૧૬ કૌભાંડીઓને ઝડપી લીધા હતા. 

આ ગુનામાં સુરતના નરેશ ભરત મહત્તીની સંડોવણી બહાર આવી છે. તે ઇચ્છાપોરમાં રહેતો હોવાનું અને તેલંગણાથી પેપર લઇને સુરત આવનાર મુખ્ય સૂત્રધાર એવો ઓરિસ્સાનો પ્રદીપ બિજ્યા નાયક તેનો સંબંધી હોવાનો ખુલાસો પણ થયો છે. આ કેસમાં હજુ મોટા માથાઓ સંડોવાયેલા છે. જેઓની ધરપકડ પોલીસ કેવી રીતે કરે છે એ તો આગામી સમયજ બતાવશે પણ આ કેસ હાલમાં ગુજરાતમાં અતિ ચર્ચાસ્પદ બની ગયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news