ગુજરાતના રાજકારણમાં મોકા પર ચોકો મારવાની ઘટના : અદાણી-દરજી જૂથ ચીમનભાઈને પાડી દેવાની ફિરાકમાં હતું

E Samay Ni Vat Che : જ્યારે કોંગ્રેસમાં જૂથબંધી પહોંચી ચરમસીમાએ..  ચીમનભાઈના CM બન્યા પહેલા શું થયું હતું?
 

ગુજરાતના રાજકારણમાં મોકા પર ચોકો મારવાની ઘટના : અદાણી-દરજી જૂથ ચીમનભાઈને પાડી દેવાની ફિરાકમાં હતું

Gujarat History : ગુજરાતની રાજનીતિના ઈતિહાસમાં એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે પીઢ નેતાઓ આમને સામને આવી ગયા હતા...આંતરીક કલહ ચરમસીમાએ હતો...જૂથબંધીના આ દૌરમાં કેવી કેવી રાજકીય હલચલ થઈ આવો જાણીએ એ સમયની વાત છેમાં....

આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં હતી ઘનશ્યામભાઈ ઓઝાની સરકાર...શાસક કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ હતી... રતુભાઈ અદાણી ધારાસભ્ય તરીકે ચૂંટાતાં કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું. પ્રમુખપદે આવ્યા ઝીણાભાઈ દરજી...એક બાજૂ ઝીણાભાઈ-રતુભાઈ-સનત મહેતાનું જૂથ અને બીજી બાજુ કાંતિલાલ ઘીયા અને ચીમનભાઈનું જૂથ. ઝીણાભાઈના આગ્રહથી ઘનશ્યામભાઈએ ચીમનભાઈ પટેલને કારોબારીમાંથી દૂર કર્યા. અને ઉદ્યોગ ખાતું પણ લઈ લીધું. 

પક્ષમાં ઓલરેડી અસંતોષની આગ હતી જ. એવામાં એક એવી ઘટના બની જેને ચપટીક ચેવડા તરીકે ઓળખવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતના એક ભોજન સમારંભમાં તત્કાલીન કલેક્ટરે દરોડો પાડ્યો. પ્રવર્તમાન મહેમાન અંકુશ ધારા હેઠળ જિલ્લા પંચાયતના પ્રમુખ સામે પગલાં લેવામાં આવતાં કોંગ્રેસીઓ અકળાયા. ફરિયાદ કરવા માટે ઘનશ્યામભાઈ પાસે પહોંચી ગયા પણ ઘનશ્યામભાઈએ વિક્ષેપ ન કર્યો. કોંગ્રેસીઓ નારાજ થયા અને સામે પડ્યા. અસંતોષની આગમાં ઘી હોમાયું.

કોંગ્રેસ જૂથબંધીનો સંઘર્ષ તીવ્ર બની રહ્યો હતો. પક્ષને બદલે અંગત વ્યક્તિ તરફી વફાદારીની બોલબાલા હતી. જે ધારાસભ્યો મંત્રીમંડળમાં સ્થાન નહોતા પામ્યા એમને હજુ મંત્રીપદની આશા હતી. આ આશા એમને કાંતિલાલ ઘીયા-ચીમનભાઈ પટેલના જૂથમાં લઈ ગઈ. પટેલ-ઘીયા જૂથે પંચવટી ફાર્મ ખાતે બધા જ ધારાસભ્યોને એકઠા કરી લીધા. સત્તા જૂથે એમના ધારાસભ્યોને ગાંધીનગર ખાતે રાખ્યા હતા.

પટેલ-ઘીયા જૂથે બહુમતી હોવાનો દાવો કર્યો. કુલ 139માંથી 70 ધારાસભ્યોએ ઓઝાના મંત્રીમંડળમાં અવિશ્વાસ જાહેર કર્યો. કોંગ્રેસના પાંચ સંસદસભ્યોને નિરીક્ષક તરીકે રાખીને સિત્તેર ધારાસભ્યોની સહી લેવામાં આવી. સહીવાળો કાગળ દિલ્લી મોકલવામાં આવ્યો. ઘનશ્યામ ઓઝાને જાણ થતાં દિલ્લી જઈને મોવડીમંડળ સમક્ષ ચર્ચા કરી. પરંતુ બહુમતી ધારાસભ્યોનો મત ઓઝા વિરુદ્ધ પડતો હતો. વિશ્વાસમત લેવાનો કોઈ અર્થ સરતો ન હોવાનું જાણીને ઘનશ્યામ ઓઝાએ રાજીનામાનો પત્ર ઉમાશંકર દીક્ષિતને આપી દીઘો.

ગુજરાતના વધુ એક મંત્રીમંડળનું પતન થયું. રતુભાઈ અને ચીમનભાઈનો સંઘર્ષ એમાં મુખ્ય કામ કરી ગયો. ઓઝા સરકાર પડી ભાંગી. હવે નવી સરકાર રચાવા માટે ફરી પાછાં બે નામો સામસામે આવી જવાનાં હતા. એ બે નામો એટલે કાંતિલાલ ઘીયા અને ચીમનભાઈ પટેલ!

રાજકારણ એ મોકા પર ચોકો મારવાનો ખેલ છે. કાંતિલાલ ઘીયાના અસંતોષનો ફાયદો અદાણી-દરજી જૂથ લે એ રાજકારણમાં સ્વાભાવિક છે. અદાણી-દરજી જૂથે તો કાંતિલાલ ઘીયાને પોતાના જૂથના નેતા તરીકે પણ સ્વીકારી લીધા! કોંગ્રેસમાં નેતાપદ માટે ગુપ્તદાન થયું. ચીમનભાઈને મળ્યા 74 મત અને કાંતિલાલ ઘીયાને મળ્યા 64 મત. ગવર્નરે ચીમનભાઈને સરકાર રચવા નિમંત્રણ આપ્યું અને અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી તરીકે 44 વર્ષીય ચીમનભાઈ જીવાભાઈ પટેલ ગુજરાતના પાંચમા મુખ્યમંત્રી તરીકે મુખ્યમંત્રીની ખુરશી સંભાળી.

ચીમનભાઈ પટેલ સરકારની કામગીરીએ શરુઆતના તબક્કામાં ઠીક-ઠીક અસર ઉપજાવી. પણ પરસ્પર ખેંચતાણ હજુ બંધ નહોતી થઈ. અદાણી-દરજી જૂથ ચીમનભાઈની સરકારને પાડી દેવાની ફિરાકમાં હતું. પટેલના મંત્રીમંડળમાં ઘણા ધારાસભ્યોને પોતાના ખાતા બાબતે અસંતોષ હતો. મંત્રીમંડળમાં એકસૂત્રતા ન રહી. ઘીયા-પટેલ વચ્ચેનો સંઘર્ષ વકરી રહ્યો હતો. અદાણી-દરજી જૂથ ચીમનભાઈની સરકારને તોડી પાડવા માટે જે તકની રાહ જોઈ રહ્યું હતું એ તક સામે આવી રહી હતી. ચીમનભાઈએ જે ઘનશ્યામ ઓઝા સાથે કર્યું એ જ તેમની સાથે થવાની અણી પર હતું..

બરાબર આ જ માહોલમાં ગુજરાતના રાજકીય ઇતિહાસના મહત્ત્વના પ્રકરણ એવા ‘નવનિર્માણ આંદોલને’ આકાર લીધો. અને પછી જે થયું એ ઘટનાક્રમ આપણે સૌ જાણીએ છીએ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news