ખાલી 8 જ દિવસ, 9માં દિવસે તમારા તમામ વાયદાઓ રદ! ભૂપેન્દ્ર પટેલ સરકારને આ કોને આપી ચીમકી

કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત. કર્મચારીઓના તમામ પ્રશ્નો પ્રત્યે રાજ્ય સરકાર ગંભીર: તેમના પ્રશ્નોને લઈને  હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે: સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા

ખાલી 8 જ દિવસ, 9માં દિવસે તમારા તમામ વાયદાઓ રદ! ભૂપેન્દ્ર પટેલ સરકારને આ કોને આપી ચીમકી

ઝી બ્યુરો/ગાંધીનગર: પીએમ મોદી આવતીકાલ (16 સપ્ટેમ્બર)થી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે જૂની પેન્શન યોજના, પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પીએમ મોદીના જન્મદિવસે (17 સપ્ટેમ્બર) આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જોકે મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકાર તેમની વાત સાંભળવાની બાંયેધરી આપી છે. હડતાલ પર ઉતરનાર સરકારી કર્મચારીઓએ આ વિશે એક નિવેદન આપ્યું છે.

સરકારી કર્મચારીઓએ જણાવ્યું છે કે સરકાર ઉપર ભૂતકાળમાં એક વખત ભરોસો કર્યો છે, હવે બીજી વાર ભરોસો કરવા જઈ રહ્યા છે. હવે આગામી આઠ દિવસની જ રાહ જોવાની છે, એટલે અમે ફરી સરકાર પર વિશ્વાસ કરીએ છીએ. હાલ પૂરતો પેનડાઉનનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવે છે. આઠ દિવસમાં ઉકેલ નહીં આવે તો કર્મચારીઓ જલદ આંદોલન કરશે. 17 સપ્ટેમ્બરના કાર્યક્રમ સંદર્ભે ઋષિકેશ પટેલે એક અઠવાડિયાનો સમય માગ્યો છે. 

તેમણે ઉમેર્યું હતું કે, નવી પેન્શન યોજના કેન્દ્ર સરકારે બહાર પાડી છે, તેનો અભ્યાસ કરીને એક સપ્તાહમાં જાહેરાત કરવામાં આવશે તેવી સરકારે અમને આશા આપી છે. જેના કારણે 17 સપ્ટેમ્બરનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરીએ છીએ. આ ઓક્ટોબર માસના કાર્યક્રમો અત્યારે પણ ચાલુ છે. તેમણે સરકારને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો અમારો વિશ્વાસ તૂટશે છે તો ઝલદ કાર્યક્રમો આપવામાં આવશે. 

આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્ય સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે રજૂઆત મંત્રીમંડળના પાંચ સભ્યોની ટીમ સમક્ષ કરવામાં હતી. તે રજૂઆતોને લઈને સરકાર હરહંમેશ હકારાત્મક સતત ચિંતિત છે.  

મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓની લાગણી માંગણીઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું હરહંમેશ હકારાત્મક વલણ રહ્યું છે. કર્મચારીઓ ની તમામ માંગણીઓ મુખ્યમંત્રીના ધ્યાને મૂકવામાં આવી છે અને આગામી સપ્તાહમાં મંડળ સાથે વાટાધાટો બાદ યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીએ પણ હકારાત્મક દિશામાં આગળની પ્રક્રિયા કરવાની સૂચના આપી છે. આવનારા સમયમાં પાંચ મંત્રીઓની ટીમ આ અંગે ચર્ચા કરશે જેમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુબેર ડિંડોર અને રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ ભાઇ પાનશેરિયા કર્મચારી મંડળના સભ્યો સાથે પ્રશ્નોની ચર્ચા કરશે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો સુખદ હકારાત્મક દિશામાં વિચાર થાય તે બાબતે ફરીથી આવતા અઠવાડિયે પાંચ મંત્રીઓની ટીમ સાથે કર્મચારી મહાસંધ શિક્ષક સંઘ સાથે ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી ખૂબ જ હકારાત્મક રીતે આ પ્રશ્નો જોઈ રહ્યા છે અને આ તમામ સંઘના પ્રશ્નોનો સુખદ અંત આવશે તેમ મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

તેમણે ઉમેર્યું કે, કર્મચારીઓના પ્રશ્નોનો આખરી નિર્ણય માટે આગામી સમયમાં કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક રીતે તેમજ સુખદ અંત આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news