ગુજરાત સરકારની ખેડૂતોને સલાહ : વાવેતર પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો પસ્તાશો

Gujarat Farmers : બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા વગેરે પાસેથી જ કરવી... ઉત્પાદકનું નામ, સરનામું અને તેના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી કરવી નહીં... બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી

ગુજરાત સરકારની ખેડૂતોને સલાહ : વાવેતર પહેલા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો પસ્તાશો

Gujarat Government : હવે ચોમાસું આવતા ખરીફ પાકનું વાવેતર શરૂ થશે. હાલ નકલી વસ્તુઓનું વેચાણ ચાલી રહ્યુ છે. જેમાં ખેતી ક્ષેત્ર પણ બાકાત નથી. નકલી બિયારણથી અનેક ખેડૂતોને છેતરવામાં આવે છે. ત્યારે આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરતા સમયે ખેડૂતોએ છેતરપીંડીથી બચવા સરકારે આટલી કાળજી રાખવા કહ્યું છે. સરકારે આ મામલે ખેડૂતોને વિવિધ સલાહ આપી છે. 

 

રાજ્યના ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં પાક વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. રાજ્યના ખેતી નિયામકના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિ, પેઢી કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી.

વધુમાં જણાવ્યા અનુસાર, બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને તેની મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે લેવાનો આગ્રહ રાખવો. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ છે કે કેમ, તે બાબતે પણ ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં. ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. 

આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) ને તુરંત જાણ કરવી. વાવણી બાદ પણ ખરીદેલ બિયારણનું પેકેટ કે થેલી અને તેનું બીલ સાચવી રાખવુ જરૂરી છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news