મધરાતે ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 16 જીવતા ભૂંંજાયા

ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી છે. જેમાં 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. 

મધરાતે ભરૂચની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, દર્દીઓ સહિત 16 જીવતા ભૂંંજાયા

ભરત ચુડાસમા: ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ભીષણ આગ લાગી. જેમાં 14 દર્દીઓ અને 2 નર્સ સહિત કુલ 16 લોકોના મોત નિપજ્યાં છે. સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે. આ ઘટનામાં 14 દર્દી અને 2 સ્ટાફ કર્મી સહિત 16 લોકોના મૃત્યુ થયા હોવાના એહવાલ સાંપડ્યા છે. 

મળતી માહિતી મુજબ આ આગ મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ભરૂચની પટેલ વેલ્ફેલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી હતી. ફાયર વિભાગના જણાવ્યાં મુજબ હાલ આ આગ ખુબ જદ્દોજહેમત બાદ કાબૂમાં લેવાઈ છે. આગ લાગી ત્યારે હોસ્પિટલમાં 58 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, તો હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 27 જેટલા દર્દીઓ હતા. આ ઘટનામાં 14 દર્દીઓ અને 2 સ્ટાફ સભ્યો સહિત 16 લોકોના મૃત્યુ થયા છે. જો કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. આગનો ભોગ બનેલી હોસ્પિટલના દર્દીઓને ભરૂચની સિવિલ હોસ્પિટલ, સેવાશ્રમ હોસ્પિટલ, જંબુસર અલ મહેમૂદ સહિત ભરૂચની ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરાઈ રહ્યા છે. 

હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલાના કોવિડ વોર્ડમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમાચાર જાણીને ભરૂચના 5થી 6 હજાર લોકો હોસ્પિટલ બહાર દોડી આવ્યાં હતા. બીજી તરફ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વજનો તેમને બચાવવા માટે ધમપછાડા કરી રહ્યાં હતા. પોતાના સ્વજનની સ્થિતિ શું છે તે જાણવા લોકો દોડી આવ્યા હતા. તો બીજી તરફ, મૃતક દર્દીઓના સ્વજનનો આઘાતમાં સરી પડ્યા હતા. 

આગને પગલે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ 40 થી વધુ એમ્બ્યુલન્સનો કાફલો દર્દીઓની સારવાર માટે દોડાવવામાં આવ્યો હતો. તાત્કાલિક દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા બીજી હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી. 

સ્થાનિક રહીશો અને આગેવાનો તથા દર્દીઓના સંબંધીઓ ખડે પગે તંત્ર સાથે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયા છે. આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બાજુ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના જણાવ્યા મુજબ ઓક્સિજન સિલિન્ડર લીક થયો હોઈ શકે છે. 

આગની તપાસ કરવા કમિટિની રચના 
આ આગને પગલે ભરૂચ કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તાત્કાલિક આગનો રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. પુરાવાના આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સાથે જ કલેક્ટરે કહ્યું કે, આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડકમાં કડક પગલા લેવાશે 

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં એક વર્ષમાં કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં સતત હોસ્પિટલોમાં આગ લાગવાના બનાવો બની રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટની હોસ્પિટલોમાં આગના બનાવ બન્યા છે. જેમાં અનેક દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news