AAP ની રેવડી, રખડતાં ઢોર, પોલીસના પ્રશ્નો અને ટ્રાફિકની સમસ્યા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે, પોલીસના પ્રશ્નોના નિરાકરણ માટે અને રાજ્યભરના વધતી જતી ટ્રાફિકની સમસ્યાના સમાધાન માટે શું છે ગુજરાત પોલીસનો એક્શન પ્લાન? ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શું થશે? જાણો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું....

AAP ની રેવડી, રખડતાં ઢોર, પોલીસના પ્રશ્નો અને ટ્રાફિકની સમસ્યા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?

શંખનાદ 2022/ZEE24કલાક: ઝી24કલાકના ચૂંટણીલક્ષી કાર્યક્રમ શંખનાદ 2022માં તીખા સવાલોનો જવાબ આપતાં ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી. વિકાસના વિરોધીઓને આ વખતે ગુજરાતની જનતા મતાધિકારથી જવાબ આપશે. છેલ્લાં 3 દશક જેટલાં સમયથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિને પસંદ કરીને મત સ્વરૂપે અમને આશીર્વાદ આપ્યાં છે. આ વખતે પણ ગુજરાતની જનતા ગુજરાતના હિત માટે જ મતદાન કરશે. અને ભાજપ જંગી બહુમત સાથે આ ચૂંટણીમાં પણ જીત હાંસલ કરશે. 

વિધાનસભાની ચૂંટણીમાં 2022માં શું થશે? 
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, અમારા પ્રદેશ અધ્યક્ષે અમને તમામ 182 બેઠકો જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે. અમે એને પુરો કરવા માટે પુરી મહેનત કરી રહ્યાં છીએ. ગુજરાતના નાગરિકો અને ભાજપ વચ્ચે વર્ષોથી વિશેષ સંબંધ છે. નરેન્દ્ર મોદીની કાર્યશૈલી તેમનું વિઝન અને ભાજપ સરકારની વિકાસની રાજનીતિને જ લોકો મતનો આશીર્વાદ આપશે. બહારથી આવેલાં ગુજરાત વિરોધી તત્વોને પ્રજા ચૂંટણીમાં જાકારો આપશે. ગુજરાતની પ્રજા રેવડીવાળી મફતની રાજનીતિની છેતરપિંડીમાં છેતરાશે નહીં. તેમજ ડ્રગ્સ જેવા વિષય પર રાજનીતિ ન થવી જોઈએ. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ગલીએ ગલીએ દિવાળી થશે અને ઘરે-ઘરે કમળ ખીલશે.

રખડતા ઢોરનો મુદ્દો કઈ રીતે હલ થશે?
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, રખડતા ઢોર મુદ્દે કોર્ટ દ્વારા આપવામાં આવેલાં નિર્દેશનું ગૃહમંત્રાલય શબ્દશ પાલન કરી રહ્યું છે. ગુજરાત પોલીસની ટીમો નગરપાલિકા અને મહાનગરપાલિકા સાથે મળીને આ કામગીરી કરી રહી છે. ઢોર પકડવાની કામગીરી મનપા અને શહેરી વિકાસ સત્તા મંડળોની છે. ગુજરાત પોલીસ આ કામગીરીમાં કોઈ અડચણ ન ઉભી થાય અને આ કર્મચારીઓની સુરક્ષા પુરી પાડવાનું કામ કરી રહી છે. 

દિકરીઓ પરના તમામ કેસો ફાસ્ટટ્રેકમાં ચલાવી ઝડપી ન્યાય અપાશેઃ
હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, ગુજરાતમાં બહેનો, દિકરીઓ અને તમામ મહિલાઓની સુરક્ષાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. દિકરીઓ પર અત્યાચારના તમામ કેસોને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને કડકમાં કડક સજા અપાવીને ન્યાયિક પ્રક્રિયાને વધુમાં વધુ ઝડપી બનાવવા પ્રયાસ કરવામાં આવશે. આરોપીઓને કડકમાં કડક સજા અપાવીને સમાજમાં ડરનો દાખલો બેસાડવામાં આવશે.

પોલીસનો વ્યવહાર સુધરે, ટ્રાફિક નિયમન યોગ્ય થાય તેવા પ્રયાસોઃ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, પોલીસનો વ્યવહાર સુધરે, લોકોની સાથે પોલીસ ખરાબ વર્તન ન કરે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. ટૂંક સમયમાં ટ્રાફિકના વિષયમાં પણ મોટો નિર્ણય લેવામાં આવશે, જે સમગ્ર દેશ માટે ગેમચેન્જર સાબિત થશે. ટ્રાફિક નિયમન માટે સરકાર ટૂંક સમયમાં નવી યોજના અમલી કરશે.

પોલીસ પરિવારના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીશુંઃ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, પોલીસ પરિવારના તમામ પ્રશ્નોનું અમે યોગ્ય નિરાકરણ કરીશું. સરકારની ખાસ કમિટી પણ આવી વિવિધ રજુઆતો અને વિવિધ કર્મચારીઓના પ્રશ્નોની સમીક્ષા કરીને તેના નિરાકરણનો રસ્તો કાઢી રહી છે. સોશિયલ મીડિયામાં આપવામાં આવતા આંકડા ખોટા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news