સુરતમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે નથી જગ્યા, હવે બારડોલીમાં લઈ જવાશે તેવી સ્થિતિ આવી

સુરત શહેરમાં મૃત્યુ આંક વધતા હવે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે કે કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના અંતિમ સંસ્કાર હવે સુરત સાથે બારડોલીના સ્મશાન ગૃહોમાં પણ કરવામાં આવશે. 
સુરતમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે નથી જગ્યા, હવે બારડોલીમાં લઈ જવાશે તેવી સ્થિતિ આવી

કિરણસિંહ ગોહિલ/બારડોલી :સુરત શહેરમાં મૃત્યુ આંક વધતા હવે વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે કે કોરોનામાં મૃત્યુ પામનાર મૃતકોના અંતિમ સંસ્કાર હવે સુરત સાથે બારડોલીના સ્મશાન ગૃહોમાં પણ કરવામાં આવશે. 
  
કોરોનાનો કહેર હવે ચરમસીમાએ જઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને સુરત શહેરમાં કોરોનાના કેસો રોકાવાનું નામ નથી લેતા અને મૃતકો પણ વધી રહ્યા છે. અગ્નિદાહમાં અગવડતા પડી રહી છે. અને સ્મશાન ગૃહો પણ ફૂલ થઈ રહ્યાં છે. ત્યારે મોડી સાંજે બારડોલીમાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. તંત્ર સાથે કંઈક એવો નિર્ણય કરાયો હતો કે, હવે સુરત શહેરની સાથે બારડોલી ખાતે આવેલ મોક્ષ ધામ એરપોર્ટ નામના સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો : રેસડેસિવીર લેવા માટે હોસ્પિટલ હાઉસફુલ કરતા દર્દીઓ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય

આ વિશે બારડોલીના પ્રાંત અધિકારી વિજય રબારીએ જણાવ્યું કે, સુરતમાં કોરોનાથી મૃત્યુ પામનાર મૃતદેહોને વિવિધ સ્થળોએ અગ્નિદાહ આપવામાં આવી રહ્યાં છે. જેમાં અબ્દુલ મલબારીના એકતા ટ્રસ્ટ દ્વારા આ કાર્ય કરાઈ રહ્યું છે. ત્યારે બારડોલીમાં પણ કાર્યરત એકતા ટ્રસ્ટના સભ્યો આગળ આવ્યા છે. અને તંત્રના આદેશ અનુસાર બારડોલી એકતા ટ્રસ્ટના સભ્યો ખડે પગે રહીને અને પીપીઈ કીટ પહેરી પૂરતી સુરક્ષા સાથે અગ્નિદાહ કરી રહ્યાં છે. જેથી પરિવારજનોને પણ સમયસર મૃતદેહ મળી શકે અને અંતિમવિધિ કરી શકે. 

હવે સુરત શહેરની સાથે જિલ્લાના વડા મથક ગણાતા બારડોલી ખાતે કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓને અગ્નિદાહ આપવામાં આવી રહ્યાં છે. આજે પ્રથમ દિવસે 6 જેટલા મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે, કોરોના પોઝિટિવ દર્દીઓના આંકડાઓ અને મૃતકોના આંકડામાં પણ ઘણી વિસંગતતાઓ જોવા મળી રહી છે. જ્યારે સ્મશાનની પરિસ્થિતિ જોતા સાચી પરિસ્થિતિ જોવા મળી શકે છે. 

આ પણ વાંચો : એપ્રિલ મહિનાના સૌથી મોટા અપડેટ : GPSC અને માહિતી ખાતાની પરીક્ષાઓ મોકૂફ રખાઈ

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં કોવિડ-નોનકોવિડથી રોજના સરેરાશ 240 લોકોનાં મૃત્યુ થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાને લઇ જવા પડ્યા છે. પ્રથમ દિવસે છ મૃતદેહની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી. સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી બેથી ચાર કલાકનું હતું, પણ છેલ્લા બે દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news