બેશકિંમતી ઘોલ માછલી ગુજરાતની ‘સ્ટેટ ફિશ’ જાહેર કરાઈ, જાળમાં આવે તો માછીમાર બની જાય છે લખપતિ
Gujarat State Fish Declare : અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન કરાયું... સ્ટેટ ફિશ ઓફ ગુજરાત તરીકે ઘોલ માછલીની જાહેરાત કરાઈ
Trending Photos
Big Announcement In Global Fisheries Conference India 2023 : આજે ગુજરાત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું યજમાન બન્યું છે. કેન્દ્રના ફિશરીઝ મંત્રાલય દ્વારા આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન કરાયું છે. જેમાં મહત્વની જાહેરાત કરાઈ છે. આ કોન્ફરન્સમાં ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરવામાં આવી છે. બેશકિંમતી કેટેગરીમાં આવતી ઘોલ માછલીની ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે. આ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ‘ઘોલ’ નામની માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે. આ માછલી એટલી મોંઘી ગણાય છે કે, જે પણ માછીમારના જાળમાં આવે તો તે લખપતિ બની જાય છે. ગુજરાતનો દરિયો આવી માછલીના ખજાનાના ભંડારથી ભરેલો છે.
ઘોલ માછલી ગુજરાતની સ્ટેટ ફિશ ડિકલેર
આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય કેબિનેટ મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમ રૂપાલા, રાજ્યકક્ષા મંત્રી , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના મંત્રી રાઘવજી પટેલ સહીત કેન્દ્રીય અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. સાથે જ દેશભરમાંથી મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. આ કોન્ફરન્સમાં ગુજરાતની રીઝર્વોયર લીઝ પોલિસીની જાહેરાત કરાનાર છે. સાથે જ સૌથી મહત્વનું કે, સ્ટેટ ફિશ ઓફ ગુજરાતની પણ જાહેરાત કરાઈ છે. ઘોલ માછલી ગુજરાતની સ્ટેટ ફિશ ડિકલેર કરી છે.
ધોલ માછલી આટલી મોંઘી કેમ
ધોલ પ્રકારની માછલીઓ સૌથી મોંઘી માછલી ગણાય છે. જેનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે. ખાસ કરીને તેના અંગોનો દવા બનાવવામાં અને કોસ્મેટિક સાધનો બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત ખૂબ જ વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે, અને બ્રેઈન સેલ્સને ડેવલપ કરે છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે, અને આઠ વર્ષ જેટલું જીવે છે.
ગુજરાત વર્ષે 5000 કરોડની માછલીઓની નિકાસ કરે છે - મુખ્યમંત્રી
ઘોલ માછલીની સ્ટેટ ફિશ તરીકે જાહેરાત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી , સરદાર પટેલ અને વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદીની ધરતી પર પધારેલા સૌનું સ્વાગત કરું છું. હું પ્રધાનમંત્રીનો આભારી છું કે આ કોન્ફરન્સ માટે તેઓએ ગુજરાતની પસંદગી કરી. રાજ્યના 1600 કિમી લાંબા દરિયા કિનારાના કારણે ગુજરાત વર્ષે 5000 કરોડની માછલીઓની નિકાસ કરે છે. દેશમાં 3 કરોડથી વધુ લોકો મત્સ્યઉદ્યોગ સાથે સંકળાયેલા છે. દેશ આજે બ્લ્યુ ક્રાંતિ હેઠળ સતત આગળ વધી રહ્યો છે. એક સમય હતો કે આ વિષયનું અલગ મંત્રાલય ન હતું, પણ આજે ગુજરાતના જ વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલા તે મંત્રાલય સંભાળી રહ્યા છે. માછીમારોને પણ કિસાન ક્રેડિડ કાર્ડ અંતર્ગત આવરી લેવાયા છે. આજે ગુજરાતમાં બ્લ્યુ ઈકોનોમી ક્ષેત્ર ઝડપ આગળ વધી રહ્યું છે. માછીમારોને મળતી તમામ સુવિધાઓ ઓનલાઇન કરી દેવાઈ છે. માછીમારોને મળતા તમામ આર્થિક લાભ સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. આજે ગુજરાત દ્વારા ઘોલ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે