ભાજપનું સાફસફાઈ અભિયાન, અનેક જિલ્લાઓમાં બાગી કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ

ભાજપનું સાફસફાઈ અભિયાન, અનેક જિલ્લાઓમાં બાગી કાર્યકર્તાઓને કરાયા સસ્પેન્ડ
  • શિસ્ત ભંગ કરી અન્ય પક્ષમાં જોડાતા કાર્યકર્તાઓ સામે પ્રદેશ ભાજપ દ્વારા પગલા લેવામાં આવ્યા
  • ચૂંટણી પહેલા બાગી કાર્યકરો અને હોદ્દેદારો સામે અનેક જિલ્લાઓમાં ભાજપની કડક કાર્યવાહી કરાઈ

ઝી મીડિયા/બ્યૂરો :સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક કાર્યકર્તાઓને ટિકિટ મળવાની આશા હતી. પરંતુ ટિકિટ ન મળતા તેઓ નિરાશ થયા હતા. આ કારણે અનેક નેતાઓ અને કાર્યકરો પક્ષ સામે પડ્યા હતા. અનેક શહેરોમાં પક્ષપલટો થવાની ઘટના બની. પરંતુ કેટલાક નારાજ કાર્યકર્તાઓએ પક્ષમાં જ રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારે ભાજપે પક્ષવિરોધી નેતા અને કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાનું શરૂ કર્યું છે. ભાજપ દ્વારા છેલ્લાં કેટલાક દિવસોમાં અનેક નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી, ડીસા, ખેડા, મહેસાણા, નવસારી, ગીર સોમનાથ અને પાલનપુર તથા અન્ય શહેરોમાંથી પણ અનેક કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપના આ એક્શનથી પાર્ટી વિરુદ્ધ કાર્યવાહી કરનારા નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ કાર્યવાહીની અસર ચૂંટણી પર થશે કે કેમ તે જોવું રહેશે. 

અમરેલીમાં 10 હોદ્દેદારો સસ્પેન્ડ
અમરેલી જિલ્લામાં ચૂંટણીઓ પહેલા ભાજપનું સાફ સફાઈ અભિયાન શરૂ થયું છે. જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેંકરિયાએ 10 હોદ્દેદારોને સભ્ય પદેથી સસ્પેન્ડ કર્યાં છે. ભાજપે એકસાથે 10 આગેવાનોને ભાજપમાંથી સસ્પેન્ડ કર્યા છે. અન્ય પક્ષઓમાંથી ચૂંટણી લડનાર અને પક્ષ વિરુદ્ધ કામગીરી કરવા બદલ તમામને સસ્પેન્ડ કરાયા છે. ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

આ પણ વાંચો : મજૂર પિતાનો પુત્ર હવે IPL માં રમશે, ભાવનગરના ગરીબ પરિવારને લાગ્યો જેકપોટ

ડીસામાં 12 કાર્યકર્તા સસ્પેન્ડ
બનાસકાંઠાના ડીસામાં ભાજપે 12 કાર્યકરોને સસ્પેન્ડ કર્યા છે. ગેરશિસ્ત કરનાર પૂર્વ કોર્પોરેટર સહિત 12 કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. તમામને 6 વર્ષ માટે પ્રાથમિક સભ્ય તેમજ તમામ પદેથી સસ્પેન્ડ કરાયા છે. જેથી પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારાઓમાં ફફડાટ

ખેડામાં 21 નેતા ભાજપમાંથી સસ્પેન્ડ 
ખેડામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં બળવો કરનારા સક્રિય કાર્યકરો અને હોદ્દેદારોને જિલ્લા ભાજપ સંગઠન માટે સસ્પેન્ડ કરાયા છે. સમગ્ર જિલ્લામાં 21 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. કપડવંજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ઠાસરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, અન્ય નગરપાલિકાઓના ઉપપ્રમુખ, સક્રિય સભ્યો સહિત 21 લોકોને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ચૂંટણી પહેલા બાગી કાર્યકરો અને હોદ્દેદારો સામે જિલ્લા ભાજપની કડક કાર્યવાહી કરાઈ છે. 

આ પણ વાંચો : પ્રેમીએ પ્રેમિકાની ગર્ભવતી ભાભીના પેટ પર લાત મારી, ગર્ભમાં જ બાળકનું થયું મોત

મહેસાણામાં 15 સભ્યો સસ્પેન્ડ  
મહેસાણા જિલ્લા ભાજપે 15 સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ અને અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરનાર વિષ્ણુ બારોટ અને રાકેશ શાહને સસ્પેન્ડ કરાયા છે. આમ, ભાજપે કુલ 15 સક્રિય સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. 

સુરેન્દ્રનગરમાં 7 સામે પગલા  
પ્રદેશ ભાજપ દ્વારા ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા હોદ્દેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર અને લીંબડી નગરપાલિકાના જિલ્લા મંત્રી અને પૂર્વ સદસ્યો સહિત ફુલ 7 લોકોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિસ્ત ભંગ કરી અન્ય પક્ષમાં જોડાતા પ્રદેશ ભાજપ દ્વારા પગલા લેવામાં આવ્યા છે. 

નવસારીમાં 9 કાર્યકરોને કરાયા સસ્પેન્ડ
ચૂંટણીમાં પક્ષના મેન્ડેટ વિરૂદ્ધ અન્ય પાર્ટીમાંથી કે અપક્ષ ઉમેદવારી કરતા કાર્યકરોને આગામી ત્રણ વર્ષ માટે ભાજપના સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ચીખલી અને ગણદેવી તાલુકાના 10-1 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. નવસારી વિજલપોર શહેરના 2 અને ગણદેવી શહેરના 5 સભ્યોને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા તમામને સસ્પેન્ડ કરાયા છે. 

આ પણ વાંચો : લગ્નની હળદર પણ ઉતરી ન હતી, ત્યાં ઉમેદવારે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો 

વેરાવળમાં 10 સસ્પેન્ડ
વેરાવળમાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ સહિત 10 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. ભાજપ સામે બંડ પોકારનાર આગેવાનો સામે જિલ્લા પ્રમુખ માનસિંગ પરમારે મોટી કાર્યવાહી કરી છે. વેરાવળ પાલિકાના પૂર્વ પ્રમુખ રવિ ગોહેલ, ઉપપ્રમુખ ઉદય શાહ સહિતનાઓએ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પ્રમુખ માનસિંગ પરમારે સસ્પેન્ડ કર્યાનો પત્ર સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

પાલનપુરમાં ભાજપે 6 લોકોને સસ્પેન્ડ કર્યા
ટિકિટ ન મળતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને સામે ચૂંટણી લડતા 6 લોકોને પાલનપુર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ નગરસેવક, પૂર્વ સ્ટ્રીટ લાઈટ ચેરમેન, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિત 6ને સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તમામને સસ્પેન્ડ કરાયા છે. 

જુનાગઢમાં 3 નેતા સસ્પેન્ડ 
જુનાગઢ ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા 3 ને સસ્પેન્ડ કરાયા છે. જેમાં રામજીબાબુ ચુડાસમા (પૂર્વ જિલ્લા મહામંત્રી), પિયુષ બાબુ કામળિયા (પૂર્વ આઇટી સેલ સદસ્ય) અને રમેશ બોરડ (પૂર્વ પ્રમુખ, વિસાવદર તાલુકા) ને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે તમામને સસ્પેન્ડ કર્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news