પ્રદેશ BJPની સેન્સ લેવાની કામગીરી સામે ઉઠ્યા સવાલ, હોદ્દેદારોએ નામ આપવાના બદલે ઠાલવ્યો રોષ
પ્રદેશ ભાજપ(BJP) ની સંગઠન સંરચનાને લઈને મંડલો બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ(Kamalam) ખાતે અમદાવાદ(Ahmedabad) શહેર, ગાંધીનગર(Gandhinagar) શહેર-જિલ્લાની સંરચના માટે નિરીક્ષકોએ આગેવાનોની સેન્સ લીધી .
Trending Photos
બ્રિજેશ દોશી, અમદાવાદ: પ્રદેશ ભાજપ(BJP) ની સંગઠન સંરચનાને લઈને મંડલો બાદ હવે શહેર-જિલ્લા પ્રમુખો માટે સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે. આજે પ્રદેશ કાર્યાલય કમલમ(Kamalam) ખાતે અમદાવાદ(Ahmedabad) શહેર, ગાંધીનગર(Gandhinagar) શહેર-જિલ્લાની સંરચના માટે નિરીક્ષકોએ આગેવાનોની સેન્સ લીધી . સેન્સ લેવાની પ્રક્રિયા સામે સૌથી મોટા સવાલ ઉભા થયા કારણ કે શહેરના આગેવાનો નામ લીધા વગર જ આવ્યાં હતા. તમામ આગેવાનો પ્રદેશ પર નામ નક્કી કરવાની જવાબદારી છોડતા આ પ્રક્રિયા ફારસ રૂપ બની છે. મોટા ભાગના આગેવાનોને સુર હતો કે પ્રદેશ નેતાઓ જ નામ નક્કી કરે જેના કારણે કોઈએ પણ નામ આપ્યા નહીં.
ભાજપની સેન્સ લેવાની આ પ્રક્રિયા નાટક સ્વરૂપ બની કારણ કે શહેરના ધારાસભ્યો આગેવાનોને એક સાથે બેસાડીને નામ પૂછવામાં આવ્યા જેના કારણે કોઈએ નામ ન આપ્યું. અમદાવાદ શહેર માટે બધા નેતાઓએ સૂચનો કર્યા કે કોઈ એવી વ્યક્તિને જવાબદારી સોંપવી જે શહેર સંગઠનને મજબૂત કરી શકે અને કાર્યકરોની વચ્ચે રહે. વર્તમાન શહેર પ્રમુખ જગદીશ પંચાલ(Jagdish Panchal) સામેની નારાજગી સીધી રીતે જ જોવા મળી હતી પણ મોટાભાગના આગેવાનોને તેમનું નામ લીધા વગર જ સૂચનો આપ્યા જેમાં કાર્યકરોની વાત સાંભળે તેવા નેતાને પ્રમુખની જવાબદારી આપવાની રજુઆત થઈ.
નિરીક્ષકોએ તમામ આગેવાનોની વાત સાંભળ્યા બાદ શહેર સંગઠનની મુખ્ય ટીમ સાથે બેસીને કેટલાક નામો લઈને આવે તેવી સૂચના પણ આપી છે. જો કે અમદાવાદ શહેર સંગઠનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિખવાદને કારણે 4-5 નામો પણ મુખ્ય આગેવાનો ભેગા મળીને નક્કી કરી શકે તેમ નથી. કેટલાક આગેવાનોએ તો ત્યાં સુધી રજુઆત કરી કે તમે શહેર પ્રમુખ માટે સેન્સ લેવાની કામગીરી કરી પણ વોર્ડ પ્રમુખો માટે શહેરના મુખ્ય આગેવાનોને આપેલા નામો કે ભલામણ પણ ધ્યાને નથી લેવાઈ. બધા આગેવાનોને ભેગા બેસાડીને નામ પૂછવાના બદલે અલગ અલગ મળવામાં આવ્યું હોત તો નિરીક્ષકો ને કદાચ સાચા નામો મળી શક્યા હોત તેવું તમામ આગેવાનો માની રહ્યા છે.
આમ પ્રદેશ ભાજપની સેન્સ લેવાની પ્રક્રિયા હાલ તો આગેવાનોના રોષ ઠાલવવાનું માધ્યમ બની છે. મોટાભાગના આગેવાનો માની રહ્યા છે કે તેમના નામ સુચવવાનો કોઈ મતલબ નથી કારણકે પ્રદેશ સ્તરેથી જ સીધા નામ જાહેર થતા હોય છે ત્યારે આ જવાબદારી પ્રદેશ નેતાઓ જ સંભાળે. ગાંધીનગર શહેરમાં પણ સંગઠનને લઈને આગેવાનોએ રોષ ઠાલવ્યો. ગાંધીનગર શહેર પર 1-2 લોકોનો કબજો હોય તેવો માહોલ છે અને જૂના કાર્યકરોની અવગણના થઈ રહી છે. જે લોકોએ પક્ષ માટે ભોગ આપ્યો તેવા લોકોને કોઈ સાંભળી રહ્યું નથી તેવી રજુઆત નિરીક્ષકોની કરવામાં આવી.
જો કે નિરીક્ષકોનું કહેવું છે કે આ પક્ષની પ્રક્રિયા છે અને તમામ જિલ્લા-મહાનગરોમાં સેન્સ લેવાઈ રહી છે. 22 નવેમ્બર સુધી સેન્સ લીધા બાદ નિરીક્ષકો સાથે પ્રદેશના નેતાઓ બેસશે અને જિલ્લા-શહેર પ્રમુખોના નામ પર આખરી ચર્ચા થશે અને ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તમામ નામો જાહેર થશે. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ ની જાહેરાત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે