સાચવીને વાપરજો શાકમાં સિંગતેલ, પેટ્રોલ કરતાં પણ થયું મોંઘું, જાણો ભાવ

છેલ્લા બે વર્ષથી સારા વરસાદને કારણે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે તો પણ સિંગતેલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે. આની સીધી અસર ફરસાણના વેપારીઓને પણ થઈ છે અને વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો છે.

સાચવીને વાપરજો શાકમાં સિંગતેલ, પેટ્રોલ કરતાં પણ થયું મોંઘું, જાણો ભાવ

ઉદય રંજન, રાજકોટ: સિંગતેલ (Groundnut Oil) ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સિંગતેલનો ભાવ અત્યાર સુઘીની સર્વોચ સપાટી પર પહોંચ્યો છે. એક તરફ મગફળી (Groundnut) ના ભાવમાં દર વર્ષે નજીવો વધારો થાય છે જ્યારે સિંગતેલના ભાવમાં અધધ વધારો થઇ રહ્યો છે. વેપારીઓ આ માટે સિંગદાણાની નિકાસ અને સિંગતેલના વપરાશનું કારણ આગળ ધરી રહ્યા છે. મગફળીના ભાવ અને સિંગતેલ (Groundnut Oil) ના ભાવની વિસંગતતાને જોતા સરકારે સિંગતેલ (Groundnut Oil) ના ભાવમાં નિયંત્રણ લાવવું જરૂરી છે.

આ વર્ષે સિંગતેલ (Groundnut Oil) અને અન્ય ખાદ્યતેલ ના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી છે. સિંગતેલ (Groundnut Oil) ના ભાવમાં એક જ દિવસમાં 25 રૂપિયાના વધારા સાથે સિંગતેલ (Groundnut Oil) ના 15 કિલો ડબ્બાનો ભાવ 2500 રૂપિયા પહોંચી ગયો છે. છેલ્લા બે વર્ષથી સારા વરસાદને કારણે મગફળીનું સારૂ ઉત્પાદન થયું છે તો પણ સિંગતેલના ભાવમાં ક્રમશ તેજી જોવા મળી રહી છે. 

જો કે વેપારીઓનું માનવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા આ ભાવ વધ્યા છે અને વર્ષના અંત સુધીમાં તેમાં જોરદાર વધારા સાથે 2800 થી 3 હજાર રૂપિયા સુઘી ભાવ વધારો થઇ શકે છે. આની સીધી અસર ફરસાણના વેપારીઓને પણ થઈ છે અને વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો છે.

જો સિંગતેલના ભાવમાં આવો વધારો હોય તો તેનો કાચોમાલ એટલે કે મગફળીના ભાવ આસમાને હોવા જોઇએ પરંતુ તેવું નથી. પાછલા વર્ષોમાં મગફળીના ભાવમાં નજીવો વધારો થયો છે જેની સામે સિંગતેલમાં વધારો થયો છે.

વર્ષ મગફળી સિંગતેલ
2016 800-900 1745-1750
2017 750-830 1760-1770
2018 475-750 1470-1480
2019 690-988 1660-1670
2020 1050-1200 2060-2070
2021 1050-1235 2400-2550

જો કે ભાવને લઇને સૌરાષ્ટ્ર્ ઓઇલ મિલર એસોસિએશનનું કહેવું છે કે મગફળીનું ઉત્પાદન સારૂ છે પરંતુ તેની ગુણવત્તા ન હોવાને કારણે ખેડૂતોને ભાવ ઓછા મળી રહ્યા છે. જો કે સાથે સાથે સિંગતેલના અને અન્ય ખાદ્યતેલમાં ભાવમાં જે વધારો થયો છે તેમાં કેટલાક કારણો પણ મૂકી રહ્યા છે.

ભાવ વધારાના કારણો 
સોમાનું કહેવું છે કે છેલ્લા વર્ષોમાં વિદેશોમાં સિંગદાણાની ખૂબ જ ડિમાન્ડ છે જેના કારણે નિકાસ પહેલા કરતા અનેક ગણી વધી છે પરિણામે લોકલ ઓઇલ મિલરોને પૂરતા પ્રમાણમાં મગફળી મળતી નથી પરિણામે ભાવ વધારો થાય છે.અને આની સીધી અસર અન્ય તેલના ભાવમાં પણ જોવા મળે છે

લોકલ બજારમાં સિંગતેલની પહેલા કરતા વધારે ડિમાન્ડ ઉભી થઇ છે પરિણામે બમણી ડિમાન્ડ હોવાથી મિલ સંચાલકો પુરતા પ્રમાણમાં સિંગતેલ પુરા કરી શકતા નથી જેથી ભાવમાં ઉછાળો આવી રહ્યો છે. ગ્લોબલ બજારની અસર-સિંગતેલની સાથે અન્ય તેલની કિંમતની અસર ગ્લોબર બજારમાં પડી રહી છે જેથી આ ભાવવધારો થઇ રહ્યો હોવાનું સોમા માની રહ્યા છે.

તાજેતરમાં સિંગતેલનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ઉછળ્યો હતો અને સરકારે પણ સિંગતેલના ભાવમાં વધારો થયો તેવી કબૂલાત કરી હતી જો કે સરકારનું ભાવને લઇને કોઇ નિયંત્રણ નથી તે પણ એટલી જ વાસ્તવિકતા છે. વર્ષો પહેલા એવું કહેવાતું કે તેલિયા રાજાઓ સરકાર ચલાવે છે જો કે હવે સ્થિતિ થોડી સુધરી છે,સરકાર સંગ્રહખોરી પર નિયંત્રણ હોવાનો દાવો કરે છે પરંતુ ભાવમાં નિયંત્રણ નથી તે એટલી જ વાસ્તવિકતા છે. ખાદ્યતેલ રોજીંદા જીવનમાં વપરાતો ખાઘપદાર્થ છે અને તેની સીધી જ અસર રસોડા પર પડે છે ત્યારે સરકારે ખાદ્યતેલના ભાવની ચિંતા કરવી ખૂબ જ જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news