માવઠાથી રાજકોટ યાર્ડમાં ખુલ્લામાં મૂકાયેલી મગફળી પલળી, ભાવનગર યાર્ડમાં 500 બોરી બગડી
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ અને આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે 3 વાગ્યા આસપાસ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પડયા પર પાટા જેવી સ્થિતિ ઉભી થઈ છે. તો બીજી તરફ, રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળી માવઠાના કારણે પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ચિંતામાં ઓર વધારો થયો છે. કમોસમી માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આજે સમગ્ર રાજકોટમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. એક લાખ ગુણી મગફળી ખુલ્લા મેદાનમાં હોવાથી માવઠામાં પલળી ગઈ હતી. મગફળી પલળી જતા મગફળીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. જેથી આગામી સમયમાં મગફળીના ભાવમાં 10 થી 20 % ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ બાદ હવે નીતિન પટેલ પણ પેજ પ્રમુખ બન્યા
જેતપુર યાર્ડમાં પણ મગફળી પલળી
કમોસમી વરસાદમાં મોટી માત્રામાં મગફળી પલળી ગઈ છે. ત્યારે કપાસની જેમ મગફળી માટે પણ શેડ બનાવવામાં આવે તેવી ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી છે. કમોસમી માવઠાના કારણે રવિ પાકને પણ મોટું નુકસાન થઇ શકે છે. તો બીજી તરફ, જેતપુર માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળી પલળી ગઈ છે. ખેડૂતોની અને વેપારીઓની ખુલ્લામાં પડેલ મગફળીની બોરીઓ પલળી ગઈ છે. જેથી ખેડૂતોની ભર ઠંડીએ રોવાનો વારો આવ્યો છે.
ભાવનગર યાર્ડે સમયસૂચકતા વાપરી માલ સુરક્ષિત મૂક્યો હતો
ભાવનગરમાં પણ માર્કેટયાર્ડમાં વેપારીઓની મગફળી પલળી ગઈ છે. જોકે, યાર્ડમાં બહાર પડેલી 500 બોરી વરસાદમાં મગફળી પલળી છે. આગાહીના પગલે વેપારીઓએ બાકીનો માલ સુરક્ષિત કરી દીધો હતો. ખેડૂતોને યાર્ડ દ્વારા સૂચના મળી હોવાથી ખેડૂતો મોટા નુકશાનથી બચી ગયા હતા.
ખેડૂતોને સહાય આપવા કોંગ્રેસની માંગ
તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સર્વે કરી ગુજરાતના ખેડૂતોને સહાય આપવા માંગ કરી છે. રાજ્યના મુખ્યમંત્રી પાસે કાંગ્રેસે સહાય આપવા માંગ કરી છે. કોંગ્રેસે કહ્યું કે, જ્યાં માવઠુ થયુ છે ત્યાં સરવે કરી ભેદભાવ વિના સહાયની જાહેરાત સરકાર કરે. એક તરફ સરકારનો અન્યાય અને બીજી તરફ કુદરતનો પ્રકોપ છે. ખેડૂત બિચારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. માવઠાના કારણે ખેડૂતના તૈયાર માલને ખૂબ મોટું નુકસાન થયું છે. ગુજરાતમાં કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડ઼ૂતની સ્થિતિ વધારે કથળી ગઈ છે. ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. સરકારે તાત્કાલિક સરવે કરીને વળતર આપવાની જાહેરાત કરી હતી. જેમ તેમ સરવે કરી કેટલાક ખેડૂતોને વળતર આપ્યું હતું. તેમ છતાં કેટલાય તાલુકાના ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હતા. ખેડૂતો માટેના કાળા કાયદા ઉત્પાદનનો પૂરતો ભાવ નથી મળતો, ત્યાં માવઠાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે