યુવાનોને નશાના ચુંગાલમાંથી મુક્ત કરવા અને પેડલરોને નેસ્તનાબુદ કરવા સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં કેફી અને નશાકારક દ્રવ્યોના વેપારને નાથવા રાજ્ય સરકાર કટીબધ્ધ છે. રાજ્યના યુવાનોને કેફી દ્રવ્યોના નશાની ચુંગાલમાંથી મુક્ત કરવા અને કેફીનાશક દ્રવ્યોના પેડલરોને નેસ્તનાબુદ કરવાના મક્કમ નિર્ધાર સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે. ત્યારે રાજ્યના યુવાનોએ પણ આ નશાખોરીની ચુંગાલમાંથી છુટવા માટે સંકલ્પબધ્ધ બનવું પડશે.
ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, નશાબંધીને લગતા ગુન્હાઓને નેસ્તનાબુદ કરવા એ રાજ્ય સરકારની પ્રાથમિક અગ્રિમતા છે. રાજ્યનું યુવાધન માદક દ્રવ્યોના નશાની ચૂંગાલમાં ન ફસાય તે માટે આવી પ્રવૃતિઓને અટકાવવા માટે પોલીસ તરફથી થતા પ્રયત્નોમાં જોડાયેલા કર્મચારી/ અધિકારીઓ તેમજ આ કેફી દ્રવ્યો અંગેની માહિતી આપનાર બાતમીદારના જોખમને ધ્યાને લેતાં તેઓને ઇનામ તરીકે આકર્ષક રકમ આપવામાં આવે તો તેઓનો ઉત્સાહ જળવાઈ રહે અને ખંતથી કામ કરે તેમજ આ પ્રવૃતિ નેસ્તનાબુદ કરવાની સરકારની યોજના સફળ થઈ શકે. તે આશયથી રાજ્યમાં સૌ પ્રથમવાર નાર્કો રીવોર્ડ પોલિસીનો અમલ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, બાતમીદારો તેમજ રાજય પોલીસના કર્મચારીઓ/ અધિકારીઓ માટે ખાસ ઇનામી યોજના બનાવવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી. ભારત સરકારના નાણા મંત્રાલયના તા:- 10/10/2017 તેમજ ગૃહ મંત્રાલયના તા:- 25/06/2020 ના પત્રને ધ્યાને રાખીને કેફી દ્રવ્યોના ગુન્હાઓમાં બાતમીદાર તથા રાજય સેવકોને પ્રોત્સાહીત કરવા સારૂ ગુજરાત રાજયમાં રીવોર્ડ પોલિસી તૈયાર કરવામાં આવી છે.
મંત્રી સંઘવીએ આ નવી રીવોર્ડ પોલિસીની વિગતો આપતા કહ્યું કે, આ રીવોર્ડ સંપૂર્ણપણે Ex-Gratia/ ઇનામ તરીકે ચુકવાશે અને સક્ષમ સત્તાતંત્ર આવા રીવોર્ડને મંજુર કરી શકશે. બાતમીદારે આપેલ બાતમીના આધારે કરવામાં આવેલ જપ્તીના સંદર્ભમાં માહિતીની વિશિષ્ટતા અને ચોક્ક્સાઇ, લેવામાં આવેલ જોખમ, તકલીફો, બાતમીદારે કરેલ મદદ અને તેનું પ્રમાણ, માહિતી/ બાતમી, એન.ડી.પી.એસ. એક્ટ હેઠળના પદાર્થોની હેરાફેરીમાં સંકળાયેલ વ્યક્તિઓ અને ટોળકીઓની કડી આપે છે કે કેમ? વિગેરે બાબતો પણ રીવોર્ડની રકમ નક્કી કરતી વખતે ધ્યાને લેવાની રહેશે.
સરકારી કર્મચારીઓ/ અધિકારીઓ દ્વારા કાર્યવાહી આવી હોય એવા કિસ્સામાં સફળ જપ્તી થઇ હોય તેવા કિસ્સાઓમાં અધિકારીઓ/ કર્મચારીઓ દ્વારા કરાયેલા ખાસ પ્રયત્નો, કામગીરીમાં લીધેલું જોખમ, કર્મચારીઓ/ અધિકારીઓની સતર્કતા, દર્શાવેલી ચતુરાઈ વિગેરે ધ્યાને લેવાના રહેશે. માલિકો/ આયોજકો/ નાણાં પૂરાં પાડનારાઓ/ કાવતરાખોરો તેમજ હેરફેર કરનારાઓની ધરપકડ થઈ છે કે કેમ? તે ધ્યાને લેવાનું રહેશે.
મંત્રીએ ઉમેર્યુ કે, જે અધિકારી/ કર્મચારી તેની સામાન્ય ફરજના ભાગ રૂપે મેળવેલા પુરાવા રજૂ કરે તેને કોઈ રીવોર્ડ આપવામાં આવશે નહીં. એન.ડી.પી.એસ. અધિનિયમ-1985 ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરેલા પદાર્થોની હાલની ગેરકાયદેસર કિંમતના 20 % સુધીના રીવોર્ડને પાત્ર રહેશે. સરકારી કર્મચારીઓ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન રૂ. 20 લાખથી વધુ નહીં એટલી કુલ રકમનો રીવોર્ડની મંજૂરી/ ચુકવણી માટે પાત્ર રહેશે, એકજ કેસમાં રીવોર્ડની બાબતમાં વ્યક્તિગત કર્મચારીઓ/ અધિકારીઓને કુલ રૂ. 2 લાખથી વધુ રકમનો રીવોર્ડ મંજૂર કરી શકાશે નહીં.
તેમણે ઉમેર્યુ કે, સરકારી અધિકારીઓ/ કર્મચારીઓના કેવળ નાના જૂથને જ રીવોર્ડ આપવામાં ન આવે તેની ખાતરી કરવા સરકારી અધિકારીઓ/ કર્મચારીઓના વધુ મોટા જૂથને જપ્તી, તપાસ તેમજ કોર્ટ કાર્યવાહીની કામગીરીમાં કામ કરવાની તક આપવામાં આવે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. સરકારી અધિકારી/ કર્મચારી જો બાતમીદારની ભુમીકામાં હોય તો મળવા પાત્ર રકમના પ્રમાણમાં રીવોર્ડની રકમથી સ્વતંત્ર રીવોર્ડ રકમ મેળવવા હકદાર રહેશે.
મંત્રી સંઘવીએ રાજ્યના યુવા ધનને આવા કેફી પદાર્થોના નશાથી દૂર રહેવા અપિલ કરતા કહ્યું કે, અત્યારના યુગમાં આ કેફી પદાર્થ આપને પેશન લાગશે, પરંતુ કાયમી ધોરણે જીવનભર દાગ લાગશે એટલું જ નહીં શરીરને નુકસાન પહોંચાડે છે ત્યારે આપ સૌએ આવા પદાર્થોથી દૂર રહેવું અને આપને આપના વિસ્તારમાં જ્યાંય પણ આવા કેફી પદાર્થોનું વેચાણ થતું હોય તો સ્થાનિક પોલીસ તંત્ર, પોલીસ અધિક્ષક કે મારી કચેરીએ જાણ કરવા આગ્રહપૂર્વક વિનંતી તેમણે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે