જાણી લેજો, ફાયદામાં રહેશો! ખરીફ કઠોળ પાકોને રોગોથી બચાવવા ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા
ખરીફ કઠોળ પાકને વિવિધ પ્રકારના રોગોથી બચાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત રાખવા ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી.
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગ: ખરીફ કઠોળ પાકમાં થતા રોગોના સંકલિત વ્યવસ્થાપનને ધ્યાને રાખીને ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને જાગૃત કરવા તેમજ તેમના પાકને રોગમુક્ત રાખવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ખરીફ કઠોળ પાકને રોગમુક્ત કરવા મગની ગુજરાત આણંદ મગ-૫, મગ-૬, મગ-૭ તેમજ અડદની ટી-૯ જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ખેતી નિયામકની માર્ગદર્શિકામાં જણાવ્યા અનુસાર રોગમુક્ત છોડ પરથી એકઠા કરેલા દાણાનો બિયારણ તરીકે ઉપયોગ કરી શકાય છે. વિષાણુંથી થતી પાનની કરચલીને નિયંત્રણમાં લાવવા માટે બિયારણનું વાવેતર કરતા પહેલા ૫૫ સેં.ગ્રે. ગરમ પાણીમાં તેને 30 મીનીટ સુધી રાખ્યા પછી ઉપયોગમાં લેવું જોઈએ. આવું કરવાથી પાકમાં થતા રોગને અટકાવી શકાય છે. મગ, મઠ, અડદ જેવાં પાકોમાં મેક્રોફેમિના બ્લાઇટ રોગના નિયંત્રણ માટે ધાન્ય પાકોની ફેરબદલી કરવી હિતાવહ છે.
આ ઉપરાંત બીજને વાવતા પહેલાં થાયરમ, કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફુગનાશકોનો ૨-૩ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો જોઈએ. જીવાણુંથી થતા પાનના ટપકાના રોગને નિયંત્રણમાં લાવવા બીજને સ્ટ્રેપ્ટોસાયક્લીન ૨૫૦ પી.પી.એમ. દ્રાવણમાં ૧૫ મીનીટ બોળી રાખીને પછી તેની વાવણી કરવી જોઈએ.
વધુમાં, તુવેરમાં સુકારો વિલ્ટ રોગના નિયંત્રણ માટે જમીનજન્ય રોગ પ્રતિકારક જાતો ગુજરાત તુવેર-૧૦૯, જી.ટી. ૧૦૯ શ્વેતા, એ.જી.ટી ર, જી.જે.પી. ૧, જી.ટી. ૧૦૩, જી.ટી. ૧૦૪, જી.ટી. ૧૦૫, જી.ટી. ૧૦૬, જી.જે.પી-૧, બી.ડી.એન.-૨ અથવા વૈશાલીનું વાવેતર કરવું જોઈએ. દર ત્રણ વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી હિતાવહ છે. જમીનની તૈયારી વખતે ૧૦ ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડમાં હરજીયાનમ ફૂગની વૃધ્ધિ કરેલ હોય, તેવું છણિયું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું જોઈએ.
જૈવિક પદ્ધતિથી બીજ માવજત માટે ૪ ગ્રામ ટ્રાયકોડરમાં હરજીનીયમ અને ૨ ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કી.ગ્રા. બીજ મુજબ બીજ માવજત આપવી જોઈએ. આ ઉપરાંત રાસયણિક પદ્ધતિથી બીજ માવજત માટે બીજને કાર્બેન્ડેઝીમ ૫૦ ટકા અને થાયરમ ૫૦ ટકાના પ્રમાણમાં મિશ્ર કરી ૩ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. મુજબ બીજ માવજત આપવી જોઈએ. જ્યારે તુવેરમાં વંધ્યત્વ રોગના નિયંત્રણ માટે પાકની સમયસર વાવણી કરવી તેમજ બે હાર વચ્ચે 30-૪૦ સે.મી.નું અંતર રાખવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે