પાડોશીએ 13 વર્ષના કિશોરની હત્યા કરી, અને તેને અકસ્માતમા ખપાવવા શરીરે દાઝ્યાના નિશાન બનાવ્યા

Murder Case : કિશોરની હત્યા છુપાવવા આરોપીએ રૂ દ્વારા ગરમ તેલથી બાળકના શરીરે દાઝ્યાના નિશાન કરી ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યાની કહાની ઘડી કાઢી

Trending Photos

પાડોશીએ 13 વર્ષના કિશોરની હત્યા કરી, અને તેને અકસ્માતમા ખપાવવા શરીરે દાઝ્યાના નિશાન બનાવ્યા
  • ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના સગીરની ગળા ટુપો દઈ નિર્મમ હત્યા કરાઈ
  • પોલીસને શંકા જતા કિશોરના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો

ઝી મીડિયા/બ્યૂરો :ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે 13 વર્ષના માસુમ કિશોરને ગળાટૂંપો દઇ નિર્મમ હત્યા કરી નાખ્યાની ઘટનાથી નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આરોપીએ બનાવને ઈલેક્ટ્રીક શોર્ટ દ્વારા અકસ્માતમાં ખપાવી દેવા કિશોરના શરીરે ગરમ તેલના ડામ આપી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવી દેવાની કહાની ઘડી કાઢી હતી. પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકાના શિવરાજગઢ ગામે પ્રફુલભાઈ મદડીયાની વાડીએ ખેત મજૂરી કામ કરતા રેખાબેન ઉર્ફે રેવકાબાઈ સંજયાભાઈ ડોડવેના 13 વર્ષીય પુત્ર આકાશની ગળા ટુંપો દઈ નિર્મમ હત્યા થઈ હોવાના પગલે પોલીસ દોડતી થઈ હતી. તાલુકા પોલીસ પીએસઆઇ એમ.જે. પરમાર, પીએસઆઇ ડી.પી. ઝાલા, વિપુલભાઇ ગુજરાતી સહિતનાઓએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, કિશોરના પરિવારજનો દ્વારા પ્રથમ ઈલેક્ટ્રીક શોક લાગવાથી મોત નિપજ્યાનું જણાવાયું હતું. પરંતુ સરકારી હોસ્પિટલના તબીબો અને બનાવ સ્થળ પર પોલીસને શંકા જતા કિશોરના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. પીએમ રિપોર્ટમાં શ્વાસ રૂંધાવાથી કિશોરનું મોત નિપજ્યુ હોવાનું બહાર આવ્યુ હતું. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા કે, આખરે કોણે કિશોરને ટૂંપો આપ્યો.

બનાવ અંગે કિશોરના માતા રેખાબેનની ફરિયાદ નોંધી પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેમનો દીકરો ગતરોજ બપોરના એક વાગ્યાની આસપાસ આકાશ પાડોશમાં રહેતા મુકેશભાઈની સાઇકલ ચલાવતો હતો અને થોડીવાર બાદ ત્યાં જોવા ન મળતા તેની શોધખોળ શરૂ કરી હતી. દીકરો આકાશ મગફળીના પાલાના ઢગલા ઉપર હાથ-પગે દાઝી ગયેલી હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. કિશોરની માતાને મુકેશભાઈ પર શંકા ગઈ હતી. જેથી પોલીસે ગણતરીની કલાકમાં મુકેશ કન્ડરાભાઈ જમેરા (ઉ. 28, મૂળ મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી આકરી પૂછપરછ કરતા મુકેશે ગુનો કબૂલી લીધો હતો. 

કિશોરની નિર્મમ હત્યા કરનાર મૂકેશે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે આકાશ તેની સાઇકલ પૂછ્યા વગર અવાર-નવાર ફેરવ્યા કરતો હતો અને તેમાં પંચર પાડી દેતો હતો. આ ઉપરાંત તેના સંતાનો સાથે ઝઘડો પણ કરતો હતો. જેનો ખાર રાખી તેને ગળા ટુંપો દઈ હત્યા નિપજાવી હતી. બાદમાં આ હત્યાની ઘટનાને અકસ્માતમાં નિપજાવી દેવા ગરમ તેલ કરી રુ દ્વારા આકાશના શરીરે દાઝ્યાના નિશાન પાડ્યા હતા અને ઈલેક્ટ્રીક શોટસર્કિટથી તેનું મોત નિપજ્યાની કહાની ઘડી કાઢી હતી. આરોપીની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news