ગુજરાતમાં થયું અનોખું સંશોધન! નીલગીરીના પાંદડામાંથી ગોધરાના પ્રોફેસરે બનાવ્યું બાયો ડીઝલ

ગોધરામાં સરકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપકે અનોખું સંશોધન કર્યું છે. પંચમહાલ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવું સંશોધન કરી આ અધ્યાપકે પોતાના સંશોધન જર્નલને આંતરાષ્ટ્રીય કક્ષાએ રજુ કર્યું છે. જેને ખૂબ જ સરાહના પણ મળી રહી છે. 

ગુજરાતમાં થયું અનોખું સંશોધન! નીલગીરીના પાંદડામાંથી ગોધરાના પ્રોફેસરે બનાવ્યું બાયો ડીઝલ

પંચમહાલ: ગુજરાતીમાં એક કહેવત છે! મન હોય તો માંડવે જવાય....આ જ કહેવતને યથાર્થ સાબિત કરી છે. ગોધરામાં સરકારી ઈજનેરી કોલેજના એક અધ્યાપકે અનોખું સંશોધન કર્યું છે. પંચમહાલ સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવ લેવા જેવું સંશોધન કરી આ અધ્યાપકે પોતાના સંશોધન જર્નલને આંતરાષ્ટ્રીય કક્ષાએ રજુ કર્યું છે. જેને ખૂબ જ સરાહના પણ મળી રહી છે. 

પંચમહાલ અને મહીસાગર જિલ્લાની અગ્રણી ગણાતી એવી સરકારી ઈજનેરી કોલેજ, ગોધરાના મિકેનિકલ વિભાગના સહ પ્રાધ્યાપક અને સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા મૂળ સાપાડિયા ગામ (તા ખાનપુર, જી મહીસાગર) ના વતની એવા પ્રો. એ. કે. પટેલે SGSITS ઇન્દોર ના ડો બસંત અગ્રવાલ તેમજ ડો બી આર રાવલના સહયોગથી સ્થાનિક કક્ષાએ ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળતી નીલગીરીના વૃક્ષના પાંદડાઓમાંથી બાયોડીઝલ બનાવીને તેનું પર્ફોમન્સ અને ટેસ્ટિંગ ડીઝલ એન્જિન પર કરી વિવિધ સફળ પરિણામો અને ગ્રાફીકલ એનાલિસિસ રજૂ કર્યા હતા. 

જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ ખ્યાતિપ્રાપ્ત એવી "યુરોપિયન જનર્લ ઓફ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ "માં પબ્લિશ થયું હતું. જેનાથી તેમણે સમગ્ર સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા અને સમગ્ર મહીસાગર-પંચમહાલ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તેમને ટેક્નિકલ શિક્ષણ જગતમાં આ સિદ્ધિ બદલ સમગ્ર રાજ્યમાંથી વિવિધ સંસ્થાના ઈજનેરી કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોએ અભિનંદન પાઠવ્યા હતા. તેમના સંશોધનની વાત કરવામાં આવે તો હાલના ઔદ્યોગિકીકરણને કારણે ઉર્જા વપરાશની ભૂખ વધી રહી છે. ઇંધણના આડેધડ ઉપયોગથી પર્યાવરણ સામે પણ ખૂબ જ મોટો ખતરો ઉભો થયો છે, ત્યારે બાયો ફ્યુઅલ જ એક શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે.

પ્રો.એ.કે.પટેલે પણ આ મહત્વ સમજીને નીલગીરીના પાંદડા કે જેને આપણે કચરો સમજીને સળગાવી દઈએ છીએ. તેમાંથી સંશોધન કરી બાયો ડીઝલ બનાવી દીધું છે. ઝડપી પાયરોલિસિસનો ઉપયોગ કરીને નીલગિરીની પ્રજાતિઓમાંથી બાયોડીઝલનું ઉત્પાદન કરી આપણે હાલ જે સામાન્ય ડીઝલ ઉપયોગમાં લઇએ છીએ તેના જેવા જ ગુણધર્મો ધરાવતું બાયો ડીઝલ બનાવવામાં સફળતા મેળવી છે.

આ બાયોડિઝલના સંશોધન બાદ તેને ઇંધણ તરીકે ઉપયોગ કરી સફળ પરીક્ષણો પણ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર સંશોધનને આંતંરરાષ્ટ્રીય કક્ષાએ ખુબ જ ખ્યાતિ પ્રાપ્ત એવી "યુરોપિયન જનર્લ ઓફ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ "માં રજૂ કરી પ્રો. એ. કે. પટેલે પોતાની કોલેજ સહિત સમગ્ર પંચમહાલ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news