માછીમારોના મુક્તિની દિવાળી : 80 માછીમારો પાકિસ્તાનથી છૂટીને વતન પરત ફરતા હર્ષના આસું છલકાયા

Gujarat Fishermen Return From Pakistani Jail : માછીમારોના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર જ 80 જેટલા માછીમારો માદરે વર્તન પહોંચ્યા... હર્ષના આંસુઓ સાથે પરિવારજનોને મળ્યા... 

માછીમારોના મુક્તિની દિવાળી : 80 માછીમારો પાકિસ્તાનથી છૂટીને વતન પરત ફરતા હર્ષના આસું છલકાયા

Gir Somnath News ગીર સોમનાથ : પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારો મુક્ત થયા અને આખરે વતન પહોંચ્યા છે. 80 જેટલા માછીમારો મુક્ત થઈ વતન વેરાવળ પહોંચ્યા. વર્ષના સૌથી મોટા તહેવાર એવા દિવાળીએ માછીમારો વતન પહોંચતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા. માછીમારોનું ભારત માતા કી જયના નારાઓ સાથે માછીમારોનું વતન વેરાવળમાં સ્વાગત કરાયું. ત્રણ વર્ષ પાકિસ્તાનની જેલમાં કાઢ્યા બાદ વતન પરત ફર્યા છે. જો કે, પાકિસ્તાનની જેલમાં કેટલાક કેદીઓના મૃત્યુ થઈ ચુક્યા છે. તો હજુ પણ 184 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે અને તેમને યોગ્ય સારવાર ન મળતી હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે.
 
માછીમારોના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત દિવાળીના પર્વ પર જ 80 જેટલા માછીમારો માદરે વર્તન પહોંચી હર્ષના આંસુઓ સાથે પરિવારજનોને મળ્યા હતા. જ્યારે બાર જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામ્યા છે તે બાબતે બંને સરકારોને માછીમાર આગેવાનોએ વિનંતી કરી કે, કેદમાં રહેલા માછીમારોને યોગ્ય સારવાર અપાવે.

આજે એક તરફ દેશભરમાં દિવાળી નુતન વર્ષનો પર્વ ઉજવાઈ રહ્યો છે ચોમેર ભારે આતશબાજી થઈ રહી છે. તેની વચ્ચે આજે પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ અને 80 માછીમારો વેરાવળ પહોંચ્યા હતા ત્યારે વહેલી સવારથી મોડી રાત સુધી ભારે માત્રામાં માછીમારોના સ્વજનો ચાતક નજરે પોતાનો સ્વજન ક્યારે પોતાને મળશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 

દિવાળીના પર્વની મોડી સાંજે આજે બે સ્પેશિયલ બસ દ્વારા વડોદરા થી વેરાવળ સુધી ફીસરકસ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા 80 માછીમારોને વેરાવળ લાવવામાં આવ્યા હતા. તે પૂર્વે તમામ માછીમારોનું વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ અને પૂછપરછ કરાયા બાદ તમામ માછીમારો જ્યારે વેરાવળ પહોંચ્યા, ત્યારે બસમાંથી નીચે ઉતરતાની સાથે જ માછીમારો અને તેમના સ્વજનો ભારત માતાકી જય.. ના નારાઓ સાથે તમામ માછીમારોનું સ્વાગત કરાયું હતું.

અનેક માછીમારો છેલ્લા ત્રણ વર્ષથી પાકિસ્તાન જેલમાં કેદ હતા, ત્યારે અગાઉ જેઓના નામ મુક્ત થવા છતાં યાદીમાં ન હતા તેવા ત્રણ વર્ષ કેદની સજા ભોગવી પાકિસ્તાનથી આજે ભારત પહોંચી અને દિવાળીની સાંજે પોતાના સ્વજનોને મળતા હર્ષના આંસુઓ સાથે સૌ ભેટી પડ્યા હતા. તો ખરા અર્થમાં દિવાળી અને નૂતન વર્ષ માછીમાર રોના પરિવારમાં અનેરો ઉમંગ અને ઉત્સાહ લાવ્યો હતો.

માછીમારો જ્યારે પોતાના સ્વજનોને મળ્યા ત્યારે તમામને ફૂલોનો હાર પહેરાવી હર્ષના આંસુઓ સાથે ભેટી અને દરેકે તેમને આવકાર્યા હતા તો બીજી તરફ માછીમાર આગેવાનોએ એવી વેદના વ્યક્ત કરી છે કે પાકિસ્તાન જેલની અંદર બાર જેટલા માછીમારો મોતને ભેટ્યા છે અને તેનું કારણ એવું મનાય છે કે તેઓને પૂરતી યોગ્ય સારવાર અપાતી નથી અને તેમનું મૃત્યુ થાય છે મૃત્યુ થયા બાદ પણ બે ચાર માસ બાદ તેમની લાશ તેમના પરિવારને અંતિમ ક્રિયા માટે પહોંચાડાય છે આ બાબતે ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર બંનેને માછીમારો દ્વારા રજૂઆત કરાય છે કે પાકિસ્તાન જેલમાં યોગ્ય સારવાર કરાવાય અને જ્યારે માછીમારનું મૃત્યુ થાય ત્યારે માનવતાના ધોરણે તાકીદે તેમનો મૃતદેહ તેમના સ્વજનોને પહોંચાડાય. ત્યારે આજે 80 માછીમારો માદરે વતન પહોંચ્યા છે. તો હજુ 184 જેટલા માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે તેઓની જલ્દી મુક્તિ થાય તેવું માછીમારો ઈચ્છી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news