શ્રમિકોને પગાર વધારાનો હક આપવાનો ઉદ્યોગોના સંગઠનનો ઈન્કાર, સરકારની જાહેરાતનો છેદ ઉડાડી દીધો

gujarat workers wage increased : શ્રમિકોના લઘુત્તમ વેતનમાં 25 ટકાના વધારા સામે GCCIને વાંધો પડ્યો... વેતન વધારાને 15 ટકા સુધી મર્યાદિત રાખવા GCCIની CM સમક્ષ માંગ.... લઘુત્તમ વેતનમાં વધારાથી ઉદ્યોગો પર ભારણ આવવાનો GCCIને ડર... શ્રમિક સંગઠનોએ વેતનમાં 25 ટકાના વધારાને ઓછો ગણાવ્યો... લઘુત્તમ વેતનનું પાલન ન થતું હોવાનો મજુર સંગઠનનો દાવો

શ્રમિકોને પગાર વધારાનો હક આપવાનો ઉદ્યોગોના સંગઠનનો ઈન્કાર, સરકારની જાહેરાતનો છેદ ઉડાડી દીધો

Big Decision ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાત સરકારે શ્રમિકો માટેનાં લઘુત્તમ વેતનના દરમાં 25 ટકાનો વધારો કર્યો છે, ત્યારે ઉદ્યોગોના સંગઠન GCCIએ આ વધારા સામે વાંધો દેખાડ્યો છે. ઉદ્યોગોએ વેતનના દરમાં વધારાને વધુ પડતો ગણાવતા ઘણી ચિંતાઓ વ્યક્ત કરી છે. તો સામે શ્રમ સંગઠનોએ વેતનમાં વધારાને અપૂરતો ગણાવતા ઉદ્યોગોના દાવાનો છેદ ઉડાડી દીધો છે.

ખેત મજૂરો, બાંધકામ ક્ષેત્રના શ્રમિકો તેમજ અન્ય ઉદ્યોગોના કામદારોના લઘુત્તમ વેતનમાં રાજ્ય સરકારે 25 ટકાનો વધારો કર્યો છે. રાજ્ય સરકારે આ માટે 27 માર્ચના રોજ પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જે પ્રમાણે બિનકુશળ કામદારો માટેનું દૈનિક લઘુત્તમ વેતન હાલના 363 રૂપિયાથી વધીને 450 રૂપિયા થશે. એટલે કે શ્રમિકોનું માસિક વેતન 11 હજાર રૂપિયાથી વધીને 13 હજાર 500 રૂપિયા થશે. શ્રમિકો માટે આ રાહતના સમાચાર છે. પરંતુ બીજી તરફ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ આ વેતનમાં 25 ટકાના વધારા સામે વાંધો ઉઠાવ્યો છે. ચેમ્બરના અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને લઘુત્તમ વેતનમાં વધારો 15 ટકા પૂરતો મર્યાદિત રાખવા કહ્યું છે. તેની પાછળ ઉદ્યોગોમાં અનિશ્વતતાના માહોલનું કારણ અપાયું છે.

GCCI ના પ્રમુખ પથીક પટવારીએ જણાવ્યું કે, GCCIનું માનીએ તો લઘુત્તમ વેતનમાં એક હદથી મોટો વધારો થશે, તો ઉદ્યોગોની હાલત કફોડી બનશે અને શ્રમિકોમાં બેરોજગારી વધશે. જેને જોતાં GCCIએ લઘુત્તમ વેતનમાં ક્રમિક રીતે વધારો કરવાની માગ કરી છે. જો કે મજૂર સંગઠનો લઘુત્તમ વેતનમાં વધારાને અર્થતંત્ર માટે ફાયદાકારક ગણાવ્યો છે. 

GCCIએ જ્યાં લઘુત્તમ વેતનમાં વધારાના દરને ફુગાવાના દર કરતા વધારે ગણાવ્યો છે, ત્યાં મજૂર સંગઠને તો હાલના વેતન વધારાને પણ ઓછો ગણાવ્યો છે. મજૂર સંગઠનના અગ્રણીઓનું માનીએ તો કાયદા પ્રમાણે વેતનમાં આ વધારો 2019થી લાગુ થવો જોઈતો હતો.

વાત શ્રમિકોની નીકળી જ છે તો શ્રમિકોને લગતી કેટલીક માહિતી જાણવી પણ જરૂરી છે. ગુજરાતમાં અંદાજે અઢી કરોડ કામદારો છે. જેમાંથી 50 લાખ કામદારોને જ કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન મળે છે. આમાંથી 33 લાખ કામદારો સ્ટાન્ડર્ડ કંપનીમાં રોજગારી મેળવે છે. બાકીના 2 કરોડ કામદારોની બાબતમાં લઘુત્તમ વેતનના કાયદાનું પાલન નથી થતું. મજૂર સંગઠનના અગ્રણીઓનું માનીએ તો અમદાવાદમાં મોટાભાગના શ્રમિકોને કાયદા પ્રમાણે લઘુત્તમ વેતન નથી મળતું.

લઘુત્તમ વેતન મેળવવાના કાયદામાં 46 પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે, એટલે કે કામદારોનો આ સૌથી મોટો વર્ગ છે. એવામાં તેમના હિતોનું રક્ષણ જરૂરી છે. હવે જોવું એ રહેશે કે રાજ્ય સરકાર લઘુત્તમ વેતનમાં વધારા બાબતે પુનર્વિચાર કરે છે કે કેમ..

જીસીસીઆઇના પ્રમુખ પથીક પટવારી કહે છે કે, 25 ટકી વધારાના પગલે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન કોસ્ટ 25 ટકા વધશે. માત્ર ગુજરાત રાજ્યે ન્યુનત્તમ દરમાં ડબલ ડીઝીટમાં વધારો કર્યો છે. છેલ્લા 3 વર્ષથી કોરોનાના કારણે રાજ્યના ઉદ્યોગો નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યાં છે. પહેલાં કોવિડ અને ત્યાર બાદ રશીયા યુક્રેન યુધ્ધની ઉદ્યોગો પર ગંભીર અસરો વર્તાઈ રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન પણ 30 ટકાના દરે જ થઇ રહ્યું હોવાથી મોટી અસર થતી હોવાનો દાવો તેમણે કર્યો છે. આવા સંજોગોમાં 25 ટકા ન્યુનતમ દર વધારો અયોગ્ય છે. સરકારના આ પગલાંથી બે રોજગારી વધશે. શ્રમિકોને નોકરીમાંથી છુટા કરવા પડે એવી સ્થિતિ ઉભી થઇ શકે છે. હાલ બેંકોના વ્યાજ દર પણ વધ્યા હોવાથી મોટી અસર દેખાઈ રહી છે. સરકાર 6 થી 7 ટકાના ઇન્ફ્લેશનનનો દાવો કરે છે તો તે પ્રમાણે ન્યુનત્તમ દરમાં 15 ટકાનો વધારો યોગ્ય છે. 
 
તો બીજી તરફ, કામદાર સંગઠનના આગેવાનના કહેવા પ્રમાણે, રાજ્ય સરકારે વર્ષ 2019માં જે વઘારો કરવાનો હતો એ વર્ષ 2023માં કર્યો છે. ગુજરાતમાં લુધુત્તમ વેતન દર કેન્દ્ર સરકારના લઘુત્તમ વેતન દર કરતાં 250 રૂપિયા ઓછા છે. વધતી માંધવારી પ્રમાણે મજુરોને પણ વેતન વધારો મળવો જરુરી છે. લધુત્તમ વેતન દર વધશે તો કામદારોના હાથમાં રૂપિયા આવશે તેમની ખરીદ શક્તિ વધશે. કામદારોની ખરીદ શક્તિ વધતાં ઇકોનોમીને ફાયદો થશે. રાજ્યમા અનેક કંપનીઓમાં કામદારોને ન્યુનતમ વેતન મળતુ નથી. કામદારોને ઓછુ વેતન આપી 12 કલાક કામ કરાવાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news