આણંદમાં નીતિ નિયમો નેવે મૂકીને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન, કિંજલ દવેએ લોકોને ડોલાવ્યા

કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ (Navratri) ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા (garba) માં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે

આણંદમાં નીતિ નિયમો નેવે મૂકીને પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન, કિંજલ દવેએ લોકોને ડોલાવ્યા

ઝી મીડિયા બ્યૂરો: કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ (Navratri) ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબા (garba) માં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ત્યારે આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ નિયમોને નેવે મુકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની હાજરીમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ ગરબા કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત રહી હતી.

ઉલ્લેખનીય છે કે, આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં ચર્ચાના અંતે આખરે ગૃહરાજ્ય મંત્રી દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. ગૃહરાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તે રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી. મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે. સોસાયટીના લોકો સાથે 400 લોકો માટે છૂટ અપાશે. ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. જોકે, હાલની સ્થિતિ જોતા કોમર્શિયલ ગરબા આયોજન કરી શકાય એવી સ્થિતિ નથી. કોમર્શિયલ ગરબા નહિ થઈ શકે. નવરાત્રિ માટે કરફ્યૂની છૂટ રાત્રે 12 વાગ્યા સુધી અપાઈ છે. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ.

સાથે જ તેમણે વધુમા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રિ મહોત્સવ પણ આ વર્ષે નહિ યોજાય. અમદાવાદ GMDC ગ્રાઉન્ડ પર ગરબાનું આયોજન નહિ થાય. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે. મને ગુજરાતના લોકો પર વિશ્વાસ છે કે તેઓ કોઈ નિયમ તોડશે નહિ. નિયમ આપણા માટે છે. નિયમ તોડશે નહિ માટે પગલાં લેવાનો પ્રશ્ન નથી આવતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news