ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ, ભાજપ દ્વારા કરાયાનો કોંગ્રેસનો આક્ષેપ
ગાંધીનગર મહાનગરપાલિકાની 5 વર્ષની ટર્મમાંથી અડધી ટર્મ પુરી થતાં સોમવારે નવા મેયર અને અન્ય અધિકારીઓની ચૂંટણી માટે સામાન્ય સભાની બેઠક મળવાની છે, તેના પહેલાં જ કોર્પોરેટરનું અપહરણ થતાં રાજકીય માહોલ ગરમાયો
Trending Photos
ગાંધીનગરઃ ગાંધીનગરના કોર્પોરેટ અંકિત બારોટનું મોડી રાત્રે અપહરણ કરવામાં આવતાં તેમનાં પત્ની ભૂમિકા બારોટ દ્વારા સેક્ટર-21 પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. અંકિત બારોટનું અપહરણ થયાની જાણ થતાં જ કોંગ્રેસના ગાંધીનગરના ધારાસભ્ય સી.જે. ચાવડા સહિતના કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો સેક્ટર-21 પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. કોંગ્રેસ દ્વારા મેયર પદની ચૂંટણી રદ કરવાની માગણી કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં સોમવારે મેયર પદ માટેની ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગરમાં મેયરની 2.5 વર્ષની ટર્મ પૂરી થતાં ફરીથી ચૂંટણી યોજાવાની છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપ પાસે 16 સભ્યો છે, જ્યારે કોંગ્રેસના 15 સભ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા ચેતન પટેલ દ્વારા અંકિત બારોટનું અપહરણ કરાયું છે. અંકિતના મામાના દિકરા કેતન પટેલ અને ગીરીશ મગન પટેલ 5 મિનિટનું કામ છે કહીને લઈ ગયા હતા. ત્યાર બાદ તેનો ફોન સ્વીચ ઓફ કરીને અજાણ્યા સ્થળે કેતન બારોટને ગોંધી રાખવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હાઈકોર્ટનો આદેશ હોવાને કારણે હાલ માત્ર મેયરની ચૂંટણી જ થઈ શકે એમ છે. ડેપ્યુટી મેયર કે કારોબારીના ચેરમેન પદ માટે વ્યક્તિની ચૂંટણી કરી શકાય એમ નથી. ભાજપ દ્વારા લોકશાહીને કોરાણે મુકીને સામ-દામ-દંડની નીતિ અપનાવાઈ રહી છે. કોઈ પણ ભોગે સત્તા ટકાવી રાખવા માટે ભાજપ દ્વારા આ ખેલ ખેલાયો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રવિવાર હોવા છતાં પણ કચેરી ખોલીને ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરની પણ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. આમ આ તમામ ઘટનાક્રમ જોતાં ભાજપ દ્વારા ષડયંત્ર ઘડાયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ તરફથી આક્ષેપ કરાયો છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય અશોક પટેલના ભત્રીજા કેતન પટેલનાં પત્ની પણ મેયર પદની હોડમાં હોવાને કારણે અંકિત બારોટનું અપહરણ કરાયાનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો છે. કોંગ્રેસ દ્વારા મેયર પદની ચૂંટણી બંધ રાખવાની માગ કરાઈ છે.
જોકે, ભાજપ દ્વારા કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા છે.
કોર્પોરેટર અંકિત બારોટનું અપહરણ થયું હોવાને કારણે તેમનાં પરિજનો ચિંતિત થઈ ગયા છે. પોલીસે ફરિયાદના આધારે અંકિત બારોટને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે