ભાવનગરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 6 શ્રમિકોના કરૂણ મોત


ભાવનગર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાતા 6 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

ભાવનગરના મેવાસા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, ટ્રક પલટી મારતા 6 શ્રમિકોના કરૂણ મોત

ઝી ન્યૂઝ/ભાવનગર: રાજ્યમાં ગમખ્વાર અકસ્માતોની એક પછી એક ઘટનાઓ સામે આવી છે, ત્યારે ભાવનગરના વલ્લભીપુર મેવાસા નજીક ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ટ્રક પલટી મારતા આ દુર્ઘટનામાં 6 લોકોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત થયા છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ભાવનગરના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામ પાસે ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મેવાસા ગામ નજીક કડબ ભરેલો ટ્રક પલટી મારી જતાં અનેક શ્રમિકો ટ્રક નીચે દટાયા છે. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર આ ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના કરૂણ મોત થયા છે. 

આ દુર્ઘટનામાં ટ્રક પલટી મારી જવાનું કારણ સામે આવ્યું છે. ઘાસચારો ભરેલું આઇસર ટ્રકનું ટાયર ફાટતા આ દુર્ઘટના બની છે. આઇસર ટ્રકમાં ઘાસચારા પર 15 જેટલા મજૂરો સવાર હતા. ત્યારે વાહન પલટી જતા તમામ ઘાસચારા નીચે દબાયા હતા. પરંતુ તાકીદે તેમને બહાર કાઢવામાં આવ્યા જે પૈકી 6 મજૂરોના મોત નિપજ્યા છે. બાકીનાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ કાફલો અને લોકોના ટોળા ત્યાં દોડી ગયા હતા.

સ્થાનિકોએ કરી પોલીસને જાણ
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આ અંગે 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી બચાવ કામગીરી શરૂ કરી હતી. હાલ 108 સહિત પોલસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે. મૃત્યુઆંકમાં વધારો થવાની આશંકા સેવાઈ રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news